Thu Apr 23 2026

Logo

વરલીમાં ભાજપની રેલીને કારણે ટ્રાફિક જૅમ થતાં મહિલા વિફરી: આયોજકો વિરુદ્ધ ગુનો

2026-04-22 20:13:00
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: દક્ષિણ મુંબઇના વરલી વિસ્તારમાં ભાજપની રેલીને કારણે ટ્રાફિક જૅમ થવાથી મહિલા ગુસ્સે ભરાઇ હતી, જેનો વીડિયો વાયરલ થયા બાદ નિયમોના કથિત ઉલ્લંઘન બદલ આયોજકો વિરુદ્ધ બુધવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સંસદમાં મહિલા અનામત ખરડાના પતનના વિરોધમાં નારી શક્તિ વંદન અધિનિયમ રેલી માટે પોલીસે મંગળવારે પરવાનગી આપી હતી, રેલીમાં કેટલાક નિયમોનું ઉલ્લંઘન થયું હતું. આ પ્રકરણે વરલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મંગળવારે રેલીમાં ભાજપના પ્રધાન ગિરિશ મહાજન પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે રસ્તાને અવરોધવા અને અસુવિધા ઊભી કરવા બદલ રોષે ભરાયેલી એક મહિલાએ મહાજન તરફ ઘાંટા પાડ્યા હતા.
‘અહીંથી નીકળી જાઓ, તમે ટ્રાફિક જૅમ કરી રહ્યા છો,’ એવું મહિલાએ કહ્યું હતું. રેલી નજીકના ખુલ્લા મેદાનમાં કેમ ન યોજી શકાય, એમ પણ તેણે પૂછ્યું હતું.

મહાજને બુધવારે જણાવ્યું હતું કે મહિલા ઉતાવળમાં હતી અને તેના બાળકને લેવા જઇ રહી હતી. તેનો ગુસ્સો અમુક હદ સુધી વાજબી હતો, પણ તેણે અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ રેલીમાં લગભગ 15,000થી 20,000 મહિલાઓએ ભાગ લીધો હતો, જેથી ટ્રાફિક જૅમ અનિવાર્ય હતો, એમ પણ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)