Thu Apr 23 2026

Logo

શું જનશક્તિ જનતા દળ પ્રશાંત કિશોર સાથે ગઠબંધન કરશે? તેજ પ્રતાપે મોડી રાત્રે કરી મુલાકાત

2026-04-22 13:49:00
Author: Vimal Prajapati
Article Image

પટનાઃ બિહારની રાજનીતિમાં છેલ્લા ઘણાં સમયથી ફેરફાર જોવા મળી રહ્યો છે. બિહાર ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહેલા જનશક્તિ જનતા દળના સંસ્થાપક તેજ પ્રતાપ યાદવ અને જન સુરાજના અધ્યક્ષ પ્રશાંત કિશોર એક સાથે જોવા મળ્યાં છે. તેજ પ્રતાપ યાદવે પ્રશાંત કિશોર સાથે આયોજનબદ્ધ રીતે મુલાકાત કરી હોવાના કારણે રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. આગામી સમયમાં રાજકીય સમીકરણો બદલાશે તેવી વાત પણ તેજ પ્રતાપ યાદવે કરી છે.

આ મુલાકાતને તેજ પ્રતાપે રાજનૈતિક દ્રષ્ટ્રીએ મહત્વપૂર્ણ ગણાવી

તેજ પ્રતાપ યાદવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, આજનો દિવસ રાજનૈતિક દ્રષ્ટ્રીએ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. મારી મુલાકાત પ્રશાંત કિશોર સાથે થઈ. અમારી વચ્ચે જનહિત અને ભવિષ્યની રાજનીતિના મુદ્દાઓ પર ચર્ચા કરી છે. આ દરમિયાન લોકોની અપેક્ષાઓ અને બદલી રહેલા રાજકીય સમીકરણો પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી છે. 

તેજ પ્રતાપ યાદવ અને પ્રશાંત કિશોર વચ્ચે શું ચર્ચા થઈ?

વધુમાં તેજ પ્રતાપ યાદવે લખ્યું કે, આ મુલાકાત માત્ર ઔપચારિકતા નહોતી; પરંતુ તેમાં આવનારા સમયમાં રાજકારણની દિશા નક્કી કરી શકે તેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા સામેલ હતી. આ મુલાકાતના કારણે બિહારનું રાજકારણ ગરમાયું છે. તેજ પ્રતાપ યાદવે આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે. જે વીડિયો શેર કર્યો છે તેમાં તેજ પ્રતાપ યાદવ અને પ્રશાંત કિશોર એકબીજાને અભિવાદન કરતા દેખાઈ રહ્યાં છે. 

અત્રે નોંધનીય છે કે, આ બેઠક મોડી રાત્રે યોજાઈ હતી, જેના કારણે રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજકારણમાં એવી પણ અટકળો શરૂ થઈ ગઈ છે કે, તેજ પ્રતાપ યાદવ અને પ્રશાંત કિશોરની પાર્ટી ગઠબંધન કરી શકે છે. જો કે, બંનેમાંથી કોઈ પણ નેતા દ્વારા તેની સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ બેઠક અને તેજ પ્રતાપ યાદવની એક્સ પોસ્ટ અટકળોને સાચી પણ સાબિત કરી શકે છે.