Thu Oct 08 2026

Logo

ભુજની ‘વડ વાંદરી’નો કરોડો વર્ષ જૂનો વૈશ્વિક વારસો: ચામાચીડિયાના ઉદ્ભવનો છેડો યુરોપ સુધી પહોંચ્યો

2026-09-25 14:17:14
Author: Mayur Patel
ભુજની ‘વડ વાંદરી’નો કરોડો વર્ષ જૂનો વૈશ્વિક વારસો: ચામાચીડિયાના ઉદ્ભવનો છેડો યુરોપ સુધી પહોંચ્યો

ભુજ: ભુજ શહેરની રાજાશાહી સમયની શેરીઓ, ઐતિહાસિક ઇમારતો અને વડલા અને પીપળાના ઘેઘુર વૃક્ષોની ડાળીઓ પર સાંજ ઢળતાં ઊંધા માથે લટકતી 'વડ વાંદરી' અર્થાત્ ચામાચીડિયાં ભલે નગરજનો માટે સામાન્ય દૃશ્ય હોય, પરંતુ આંગણે વિહરતા આ નિશાચર સસ્તન જીવનો ઇતિહાસ છેક કરોડો વર્ષ જૂનો હોવાનો રસપ્રદ ઘટસ્ફોટ વૈશ્વિક સંશોધનમાં થયો છે. પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલ 'નેચર'માં પ્રસિદ્ધ થયેલા અભ્યાસ મુજબ આધુનિક ચામાચીડિયાના પૂર્વજોનો ઉદ્ભવ આશરે ૫.૬ કરોડ વર્ષ પૂર્વે યુરોપની ધરતી પર થયો હોવાનું સૌથી મજબૂત વૈજ્ઞાનિક તારણ સામે આવ્યું છે.

'બેટ૧કે' (Bat1K) કન્સોર્ટિયમના આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓએ ૧૦૩ પ્રજાતિઓના ઉચ્ચ ગુણવત્તાયુક્ત જિનોમ અને ૪૪ પ્રાચીન અશ્મિઓના અવશેષોની ઝીણવટભરી તપાસ કરીને આ રહસ્ય પરથી પડદો ઊંચક્યો છે. અભ્યાસ અનુસાર, લેટ પેલિયોસીન યુગમાં યુરોપમાં ઉદ્ભવ્યા બાદ ચામાચીડિયાની વિવિધ વંશાવળીઓ એશિયા, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ખંડ તરફ વિસ્તરી હતી. આમ, ભુજમાં જોવા મળતી 'વડ વાંદરી' ભલે સીધી યુરોપિયન ન હોય, પરંતુ તેની ઉત્ક્રાંતિનાં મૂળ કરોડો વર્ષ પુરાણા વૈશ્વિક વારસા સાથે અભિન્ન રીતે જોડાયેલાં છે.

કચ્છના પાટનગર ભુજમાં પાળેશ્વર ચોક, પાવડીવાળા મામા વિસ્તાર, છતરડી તળાવ, ખેંગાર બાગ અને ઉપલીપાળ જેવા પૌરાણિક વિસ્તારોમાં સાંજ થતાં જ ચામાચીડિયાંની મોટી સંખ્યામાં હિલચાલ નજરે પડે છે. સ્થાનિક રહીશ દર્શકભાઈ અંજારિયાના જણાવ્યા મુજબ, ઉપલીપાળની ગલીઓ અને વડ તેમજ પીપળાના વૃક્ષો પર તેમનું ઝુંડ રોજિંદી રીતે જોવા મળે છે, જ્યારે સ્થાનિક બોલીમાં તેનાં નાનાં બચ્ચાંને 'છાપું' તરીકે ઓળખવામાં આવે છે.

વિશ્વભરમાં ૧,૫૦૦થી વધુ પ્રજાતિ ધરાવતું આ રાત્રિચર પ્રાણી અંધારામાં દિશા અને આહાર શોધવા માટે વિશિષ્ટ 'ઇકોલોકેશન' (અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો) પદ્ધતિનો ઉપયોગ કરે છે. જંતુઓનું નિયંત્રણ કરવા ઉપરાંત પરાગનયન અને બીજના ફેલાવામાં પણ તેનું પર્યાવરણીય યોગદાન મહત્ત્વપૂર્ણ છે. ભુજના આંગણે વસતી 'વડ વાંદરી' પાછળ ૫.૬ કરોડ વર્ષનો વૈશ્વિક ઇતિહાસ ધબકતો હોવાની વૈજ્ઞાનિક સાબિતીએ કચ્છના કુદરતી વારસાને નવી ઓળખ આપી છે. 

(ઉત્સવ વૈદ્ય)