Mon Oct 05 2026

Logo

ભુજમાં કેટરિંગના બહાને સગીરાને બોલાવી યુવક કારમાં લઈ ગયો ને પછી......

2026-10-03 13:25:00
Author: Mumbai Samachar Team
ભુજમાં કેટરિંગના બહાને સગીરાને બોલાવી યુવક કારમાં લઈ ગયો ને પછી......

ભુજ: શહેરના એન્જિનિયરિંગ કોલેજ રોડ પર આવેલી શક્તિ હોટેલમાં સૌરાષ્ટ્રના જેતપુરની  સગીરાને કેટરિંગના કામના બહાને બોલાવી લાવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. આ ચકચારી કેસમાં ભુજ એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી.

શું છે સમગ્ર મામલો

મળતી વિગતો અનુસાર, ભુજ તાલુકાના કેરા ગામમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રહેતા અનિલગર વિશ્રામગર ગોસ્વામી નામના શખ્સે જેતપુરની સગીરાને કેટરર્સના કામની લાલચ આપી ભુજ બોલાવી હતી. ત્યારબાદ આરોપી પોતાની  કારમાં સગીરાને બેસાડીને એન્જિનિયરિંગ કોલેજ રોડ પર આવેલી શક્તિ હોટેલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે કિશોરીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે જો આ અંગે કોઈને પણ વાત કરી તો તેને જાનથી મારી નાખવામાં આવશે. આ અત્યાચારથી ભયભીત બનેલી સગીરાએ પડોશમાં રહેતી એક મહિલાને સમગ્ર આપવીતી જણાવી હતી. જેથી આ મહિલા ભોગ બનનાર સગીરાને સાથે રાખી ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી અને અનિલગર ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે હોટેલ ખાતે પંચનામું કરવા સહિત પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.