ભુજઃ દેશભરમાં સતત વધી રહેલા ઓનલાઇન છેતરપિંડીના બનાવો વચ્ચે કચ્છમાં સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરવાનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે. ભુજના બે યુવકોના બેંક ખાતાનો ઉપયોગ કરીને અન્ય રાજ્યોના છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા બદલ સ્થાનિક ગુના શોધક શાખાએ સાયબર ક્રાઇમ સેલે ચાર શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સાયબર સેલ દ્વારા 'સમન્વય પોર્ટલ' પર મ્યુલ એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ભુજની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને એચડીએફસી બેંકના બે ખાતાઓમાં શંકાસ્પદ વ્યવહારો જણાયા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું કે આ ખાતા નિખિલ નાનજી મહેશ્વરી (રહે. જૂની રાવલવાડી, ભુજ) નામના યુવકના છે. આ ખાતાઓમાં જાન્યુઆરી ૨૦૨૪થી અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાં થયેલી છેતરપિંડીના કુલ રૂા. ૬,૪૦,૩૧૫ જમા થયા હતા.
પોલીસે નિખિલની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. નિખિલના મિત્ર રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજા શામજી ગરવા (રહે. બિબ્બર, નખત્રાણા)એ તેને કમિશનની લાલચ આપી તેના બેંક ખાતા, એટીએમ અને પાસવર્ડ મેળવ્યા હતા. ત્યારબાદ આ વિગતો ગાંધીધામના વિરાંગ ઉર્ફે વીરુ અખાણીને પહોંચાડવામાં આવી હતી. રાજેન્દ્રએ માત્ર નિખિલ જ નહીં, પરંતુ દીપક ભાનુશાલી નામના અન્ય એક શખ્સ પાસેથી પણ ખાતા ભાડે મેળવી વિરાંગને આપ્યા હતા. આ દરેક ખાતા દીઠ રૂા. ૨૦,૦૦૦નું કમિશન નક્કી કરવામાં આવ્યું હતું.
સાયબર ક્રાઇમ સેલે આ મામલે ચાર મુખ્ય આરોપીઓ નિખિલ નાનજી મહેશ્વરી, રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજા શામજી ગરવા, વિરાંગ ઉર્ફે વીરુ અખાણી, દીપક ભાનુશાલી તથા તપાસમાં જેના નામ આવે તે અન્ય શખ્સો વિરુદ્ધ આઇ.ટી.એક્ટ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)