ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, ટીમ અત્યાર સુધી રમેલા 6 મેચમાંથી માત્ર 2 મેચ જીતી શકી છે. એવામાં ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, યુવા બેટર આયુષ મ્હાત્રે ઈજાને કારણે બાકીની સીઝન માટે બહાર થઈ ગયો છે.
18 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે CSK ની મેચ દરમિયાન 18 વર્ષીય ઓપનર આયુષ મ્હાત્રેના ડાબા પગમાં હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. સોમવારે CSKએ જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી કે મ્હાત્રે થયેલી ઈજા ગંભીર છે. તેને સ્વસ્થ થવામાં 6 થી 12 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે, ત્યાં સુધીમાં ટુર્નામેન્ટ સમાપ્ત થઈ ચુકી હશે.

CSK એ જણાવ્યું, "18 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે ડાબા પગના હેમસ્ટ્રિંગમાં ઈજા થવાને કારણે આયુષ મ્હાત્રે IPL 2026ની બાકીના મેચોમાંથી બહાર થઈ ગયો છે. આયુષને ઈજામાંથી સ્વસ્થ થવા માટે 6-12 અઠવાડિયા જેટલો સમય લાગશે. અમે આયુષના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ."
IPL 2026 માં CSK તરફથી સાથી વધુ રન:
IPL 2026 સીઝનમાં મ્હાત્રે CSK માટે સૌથી સારું પ્રદર્શન કરી રહ્યો હતો. છ મેચોમાં તેણે ટીમને સતત વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. છ મેચમાં તેને 177.88 ની સ્ટ્રાઇક રેટથી 201 રન બનાવ્યા, તેણે આ સિઝનમાં બે અડધી સદી ફટકારી. તે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના 15 રન બનાવનારા બેટર્સ સ્થાન ધરાવે છે. તે આ સિઝનમાં CSK માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે.
મ્હાત્રેનું સ્થાન કોણ લઈ શકે?
CSK મેનેજમેન્ટે મ્હાત્રે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. મ્હાત્રેની પાવર હિટર તરીકેની ભૂમિકાને ધ્યાનમાં રાખીને, ઉર્વિલ પટેલને સ્થાન આપવામાં આવી શકે છે. ઉર્વિલ પટેલ મ્હાત્રે જેવી જ આક્રમક બેટિંગ માટે જાણીતો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં એ સૌથી ઝડપી T20 સદી (માત્ર 28 બોલમાં) નો રેકોર્ડ ધરાવે છે.
ફ્રેન્ચાઇઝ કાર્તિક શર્માને પણ સ્થાન આપી શકે છે. અનકેપ્ડ કાર્તિક શર્માને CSKએ ઊંચી કિંમતે ખરીદ્યો હતો.