Tue Apr 21 2026

Logo

વડોદરાના વારસાને મળશે વૈશ્વિક ઓળખ! કમાટીબાગના વ્હાઇટ હાઉસમાં ખુલશે ‘હેરિટેજ સેલ’

2026-04-21 16:14:36
Author: Devayat Khatana
Article Image

વડોદરા: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં 'વર્લ્ડ હેરિટેજ ડે' નિમિત્તે ઐતિહાસિક કમાટીબાગ (સયાજી બાગ) ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા રાજપરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શહેરના સર્વસમાવેશક વિકાસ પર ભાર મૂક્યો હતો. પેનલ ડિસ્કશન દરમિયાન તેમણે વડોદરાના ભવ્ય વારસા અને પરંપરાઓને જાળવી રાખવા અંગે મહત્વના સૂચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુએ માહિતી આપી હતી કે વડોદરામાં હાલ 17 ટકા ગ્રીન કવર છે, જે આગામી પાંચથી સાત વર્ષમાં વધારીને 21 ટકાનું લક્ષ્ય છે.

શહેરના વારસાને જાળવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમાટીબાગ સ્થિત 'વ્હાઇટ હાઉસ' ભવનમાં એક 'હેરિટેજ સેલ' સ્થાપવાની યોજના જાહેર કરવામાં આવી છે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ નવી 'હેરિટેજ પોલિસી' પણ જાહેર કરવામાં આવશે. વડોદરાને યુનેસ્કો (UNESCO) ના 'ક્રિએટિવ સિટી નેટવર્ક'માં સામેલ કરવા માટે પણ પાલિકા દ્વારા જોરશોરથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જેથી અમદાવાદ બાદ વડોદરા પણ વૈશ્વિક નકશા પર સાંસ્કૃતિક વારસા તરીકે મજબૂત સ્થાન મેળવી શકે.

કમાટીબાગના ખુલ્લા એમ્ફીથિયેટરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હેરિટેજ ટ્રસ્ટના અગ્રણીઓ અને 350 થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ ભવ્ય કાર્યક્રમનું સમાપન સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે થયું હતું, જેમાં લિપ્સા શતપથી અને તેમના જૂથ દ્વારા મનમોહક ઓડિસી નૃત્ય તેમજ ચિંતન ઉપાધ્યાય દ્વારા ધ્રુપદ ગાયન રજૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લક્ષ્મી વિલાસ પેલેસ અને અન્ય ઐતિહાસિક ઈમારતોને કારણે વડોદરા હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે આ નવી પહેલો શહેરના પ્રવાસનને વધુ વેગ આપશે.