Tue Apr 21 2026

Logo

શેરબજારમાં સુરતીઓ ટોપ પર: એક્ટિવ રોકાણકારોની સંખ્યામાં સુરત દેશમાં મોખરે, અમદાવાદ બીજા ક્રમે

2026-04-21 12:06:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદ: વેપાર અને શેરબજાર ગુજરાતીઓની ઓળખ છે. NSE ના તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા એક દાયકામાં ગુજરાતના વ્યક્તિગત રોકાણકારોનું ઇક્વિટી ટર્નઓવર લગભગ છ ગણું વધી ગયું છે, જ્યારે રાજ્યમાં એક્ટિવ ઇક્વિટી રોકાણકારોની સંખ્યામાં આઠ ગણો વધારો થયો છે.

એક્ટિવ રોકાણકારોની સંખ્યામાં સુરત દેશમાં મોખરે

રિટેલ રોકાણકારોની ભાગીદારી પર નજર રાખતા આ અહેવાલમાં જણાવાયું છે કે, એક્ટિવ રોકાણકારોની સંખ્યા અને તેમના ટર્નઓવરમાં વૃદ્ધિ દરની દ્રષ્ટિએ સુરત જિલ્લો સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે એક્ટિવ રોકાણકારોની બાબતમાં અમદાવાદ જિલ્લો બીજા ક્રમે અને ટર્નઓવરમાં ત્રીજા ક્રમે રહ્યો છે.

ગુજરાતમાં કેટલા છે એક્ટિવ રોકાણકારો

NSE ના ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2016 ના અંતે ગુજરાતમાં 6.1 લાખ એક્ટિવ રોકાણકારો હતા, જે નાણાકીય વર્ષ 2026 ના અંત સુધીમાં વધીને 46.1 લાખ થઈ ગયા છે.  અહેવાલ મુજબ, ગુજરાતમાં એક્ટિવ રોકાણકારોનું ઇક્વિટી ટર્નઓવર FY16 માં રૂ. 3.5 લાખ કરોડ હતું, જે FY26 માં વધીને રૂ. 18.5 લાખ કરોડ થયું છે. જે રાજ્યમાં રિટેલ ટ્રેડિંગ પ્રવૃત્તિમાં આવેલો તીવ્ર ઉછાળો દર્શાવે છે.
અમદાવાદનું શેરબજારમાં કેટલું ટર્નઓવર

 મુંબઈ સબર્બન અને બેંગલુરુ પછી ટર્નઓવરની દ્રષ્ટિએ અમદાવાદ દેશનું ત્રીજું સૌથી મોટું રિટેલ ટ્રેડિંગ સેન્ટર બન્યું હતું. અમદાવાદનું ટર્નઓવર FY16 માં રૂ. 1.3 લાખ કરોડ હતું જે વધીને FY26 માં રૂ. 6.1 લાખ કરોડ થયું હતું.  દેશમાં સ્ટોક ટ્રેડિંગ પ્રવૃત્તિમાં સૌથી ઝડપી વૃદ્ધિ સુરતમાં જોવા મળી હતી. સુરતનું ટર્નઓવર FY26 માં રૂ. 3.3 લાખ કરોડને વટાવી ગયું હતું. સુરતમાં એક્ટિવ રોકાણકારોની સંખ્યામાં 11 ગણો વધારો થયો હતો. FY26 માં 7.6 લાખ રોકાણકારો નોંધાયા હતા.

 ગુજરાતમાં રિટેલ રોકાણકારોનો વ્યાપ વધ્યો

શેરબજારના નિષ્ણાતો માને છે કે આ ઉછાળો ઘરગથ્થુ બચતમાં આવેલા માળખાગત ફેરફાર અને ડિજિટલ પ્લેટફોર્મને કારણે ઇક્વિટી માર્કેટ સુધી સરળ પહોંચને આભારી છે. સૂત્રોએ જણાવ્યું કે,  છેલ્લા દાયકામાં ગુજરાતમાં રિટેલ રોકાણકારોનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે. હવે માત્ર પરંપરાગત વ્યાપારી પરિવારો જ નહીં, પરંતુ પગારદારો , નાના વેપારીઓ અને પ્રથમ વખત બજારમાં પ્રવેશનારાઓ પણ જોડાઈ રહ્યા છે. પરંપરાગત રોકાણના સાધનો હવે આકર્ષક રહ્યા નથી, તેથી અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ઇક્વિટી રોકાણ હવે મુખ્ય પ્રવાહ બની ગયું છે.