Wed Oct 07 2026

Logo

વેર વાળવાને ઇરાદે પાંચ જણે ચોપરથી હુમલો કરતાં યુવકનું મોત: બે જખમી

2026-07-29 17:32:46
Author: Yogesh C. Patel
વેર વાળવાને ઇરાદે પાંચ જણે ચોપરથી હુમલો કરતાં યુવકનું મોત: બે જખમી

થાણે: ભિવંડીમાં જૂની અદાવતનું વેર વાળવાને ઇરાદે પાંચ જણના જૂથે ચોપર અને અન્ય તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્યારે બે ગંભીર રીતે ઘવાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ભિવંડી શહેરના ભંડારી ચોક ખાતે સોમવારની મધરાતે 12.15 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં જીવ ગુમાવનારા યુવકની ઓળખ અંકુશ સુભાષ અધે (20) તરીકે થઈ હતી. આ હુમલામાં દીપક શંકર રાઠોડ (23) અને ભાબેશ પરિહાર (23) જખમી થયા હતા.

અધે અને ફરિયાદી રાઠોડ તેમના મિત્રો પરિહાર અને ભગવાન ઝા (26) સાથે એક હોટેલ નજીક પાનની દુકાન પાસે વાતચીત કરતા ઊભા હતા. તે સમયે મુખ્ય આરોપી સાંઈ નિર્મલ, ઉમેશ સિંહ, સની રાઠોડ અને પવન જાધવ ત્યાં આવ્યા હતા.કહેવાય છે કે 23 જુલાઈએ થયેલા વિવાદને મુદ્દે પૂછપરછ કરી આરોપીઓએ ઝઘડો કર્યો હતો. ઝઘડો છોડાવવા અધેએ મધ્યસ્થી કરી હતી, જેને પગલે આરોપીઓએ તેને બેરહેમીથી ફટકાર્યો હતો, એવું ભોઈવાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

થોડી ક્ષણ પછી આરોપીઓનો સાથી અનિકેત બે ચોપર સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ચોપર્સ તેણે નિર્મલ અને સિંહને આપ્યા હતા. બન્ને આરોપી અધેને બાજુની ગલીમાં ખેંચી ગયા હતા, જ્યાં તેની છાતી, ખભા અને હાથ પર ચોપરના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. એ સમયે અનિકેત અને જાધવે રાઠોડ અને પરિહાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. બન્નેના હાથ, કાન અને હાથ પર ઇજા થઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ રાહદારીઓમાં ડર ઊભો કરવા હુમલાખોરોએ શસ્ત્રો હવામાં ફેરવી ધમકી ઉચ્ચારી હતી. પરિણામે આસપાસના દુકાનદારોએ શટર બંધ કરી દીધાં હતાં.
ગંભીર જખમી અધેને પહેલાં ભિવંડીની ઈન્દિરા ગાંધી હૉસ્પિટલમાં અને પછી થાણેની પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ અને દંગલ મચાવવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)