Tue Apr 21 2026

Logo

ભાયંદરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં રિક્ષા ડ્રાઈવર બેકસૂર

2026-04-21 19:10:27
Author: યોગેશ સી પટેલ
Article Image

થાણે: ભાયંદરમાં 14 વર્ષની સગીરા પર જાતીય હુમલો કરવાના 2020ના કેસમાં પીડિતા અને તેની માતા ટ્રાયલ દરમિયાન હાજર નહીં રહેતાં વિશેષ અદાલતે આરોપી રિક્ષા ડ્રાઈવરને નિર્દોષ છોડ્યો હતો.

પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળના કેસોની સુનાવણી કરતાં સ્પેશિયલ જજ રુબી યુ માલવણકરે આપેલા ચુકાદામાં આરોપી અજય ઉર્ફે લંગડા ઉર્ફે સોનુ ઓમપ્રકાશ તિવારીને બધા આરોપમાંથી મુક્ત કર્યો હતો. 17 એપ્રિલે આપેલા ચુકાદાની નકલ મંગળવારે ઉપલબ્ધ થઈ હતી.

ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ અનુસાર એપ્રિલ, 2020માં સગીરા ઘરેથી નીકળીને ગુમ થઈ ગઈ હતી. પછી પોલીસ સ્ટેશને પહોંચેલી સગીરાએ દાવો કર્યો હતો કે તેને તિવારી સાથે સંબંધ હતા, જે તેને ભાયંદરમાં લઈ ગયો હતો અને શારીરિક અડપલાં કર્યાં હતાં.

જોેકે પછી પીડિતા કે તેની માતામાંથી કોઈ પણ ટ્રાયલ દરમિયાન હાજર ન રહેતાં ફરિયાદ પક્ષનો કેસ કોર્ટમાં પડી ભાંગ્યો હતો.કોર્ટે નોંધ્યું હતું કે જાતીય હુમલાના કેસમાં ફરિયાદ પક્ષ માટે મુખ્ય અને મહત્ત્વપૂર્ણ સાક્ષીદાર પીડિતા સિવાય બીજું કોઈ ન હોઈ શકે. જોકે ફરિયાદ કરનાર અને પીડિતાને વારંવાર સમન્સ મોકલાવવા છતાં રિપોર્ટ્સ અનુસાર બન્નેની કોઈ ભાળ મળી નહોતી.

પીડિતા અને તેની માતા હાજર રહેતી ન હોવાથી કોર્ટે 2020માં ધરપકડ કરાયેલા અને નવેમ્બર, 2020માં જામીન પર છોડવામાં આવેલા આરોપીને બેકસૂર જાહેર કર્યો હતો. (પીટીઆઈ)