Thu Oct 08 2026

Logo

ગુજરાતમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાવનગરને રૂપિયા 737.09 કરોડના વિકાસકાર્યોની ભેટ

2026-09-25 17:00:54
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાવનગરને રૂપિયા 737.09 કરોડના વિકાસકાર્યોની ભેટ

ભાવનગર: ગુજરાતમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ભાવનગર શહેર-જિલ્લાને રૂપિયા 737.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

 રૂ.33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીના લોકાર્પણ

જેમાં ભાવનગર જિલ્લામાં રૂ.33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીના લોકાર્પણ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાના રૂ.621.63 કરોડના 30 વિકાસકામો, માર્ગ અને મકાન વિભાગ-રાજ્યના રૂ.13.19 કરોડના 1 કામ, માર્ગ અને મકાન વિભાગ-પંચાયતના રૂ.57. 03 કરોડના 46 કામો તથા પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓના રૂ.13.24 કરોડના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકાર જનસેવાને કેન્દ્રમાં રાખીને છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચે અને સામાન્ય નાગરિકનું જીવન વધુ સુવિધાયુક્ત બને તે દિશામાં સરકાર સતત કાર્યરત છે.

નાગરિકની સહભાગિતાથી જ સ્વચ્છ શહેરનું નિર્માણ  શક્ય 

મુખ્યમંત્રીએ ભાવનગરની સ્વચ્છતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે સ્વચ્છતા માત્ર સરકાર કે સફાઈ કર્મચારીઓની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની સહભાગિતાથી જ સ્વચ્છ શહેરનું નિર્માણ થઈ શકે છે. ભાવનગરના નાગરિકોએ સ્વચ્છતાને પોતાના સ્વભાવ અને સંસ્કારનો હિસ્સો બનાવ્યો છે તે આનંદની બાબત છે.

આ પ્રસંગે વયોશ્રી યોજનાના 5 લાભાર્થીઓને કિટ વિતરણ, 13 સફાઈ કર્મચારીઓનું સન્માન તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 5  લાભાર્થીઓને પ્રતિકરૂપે ઘરની ચાવી અર્પણ કરવામાં આવી હતી.