Tue Oct 06 2026

Logo

ગોડસેને મહાન ચિતરવાનાં ફાંફાં કેમ સફળ થતાં નથી?

2026-10-03 08:17:00
Author: Bharat Bharadwaj
ગોડસેને મહાન ચિતરવાનાં ફાંફાં કેમ સફળ થતાં નથી?

એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ

ભારતમાં 2 ઓક્ટોબરે ગાંધી જ્યંતી ને 30 જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન એટલે કે શહીદ દિન આવે ત્યારે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનું મહિમામંડન કરવાની ફેશન જ થઈ ગઈ છે. દેશમાં ક્યાંક ને ક્યાંક ગોડસેની મહાનતાનાં ગુણગાન કરીને તેને મહાન દેશભક્ત ચિતરીને પબ્લિસિટી મેળવવા ફાંફાં મરાય છે, ગાંધીજીને મુસ્લિમોના હમદર્દ અને હિંદુ વિરોધી ચિતરીને ગાંધીજીને ગાળો દેવાય છે. 

સોશ્યલ મીડિયા પર એક આખો વર્ગ એવો ઊભો થયો છે કે જેને સાંધાની સૂઝ પડતી નથી પણ ફેંકાફેંક કરીને જ્ઞાની બની બેઠા છે કેમ કે આપણી પ્રજાને પણ ઈતિહાસનું જરાય જ્ઞાન નથી. કોઈ પણ અભણ ને ગમાર માણસ આત્મવિશ્વાસ સાથે જૂઠું બોલે તેને આપણી પ્રજા સાચી માની લે છે. પ્રજાના અજ્ઞાનનો લાભ લઈને આ નમૂના સોશ્યલ મીડિયા પર બારે મહિના ગાંધીજી સામે ઝેર ઓકે જ છે પણ ગાંધી જ્યંતી ને શહીદ દિન આવે છે ત્યારે તેમનામાં વધારે શૂરાતન આવી જાય છે. 

આ વખતે પણ ગાંધી જ્યંતીએ એવું થયું જ ને આગ્રામાં તો નાથુરામ ગોડસેના સમર્થનમાં પોસ્ટર પણ લાગ્યાં. યોગાનુયોગ અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે તેથી યમુના નદીના ઘાટ પર ગોડસેનું તર્પણ કરીને લોકોને પ્રસાદ આપવાની જાહેરાત પણ કરાયેલી. આગ્રા અખિલ ભારત હિંદુ મહાસભાના નામે આગ્રામાં 1 ઓક્ટોબરે જ ઘણી જગાએ પોસ્ટર્સ લગાવી દેવાયેલાં ને ગોડસેના સમર્થનમાં નારેબાજી પણ થઈ. 

સદનસીબે કોઈ ઠેકાણે નારેબાજી કરવામાં ચાર-પાંચ ટટપૂંજિયાથી વધારે કોઈ હતું નહીં ને સામાન્ય લોકોને ગોડસેના મહિમામંડનમાં રસ નહોતો તેથી આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો પણ આ ઘટનાએ  ભારતમાં નાથુરામ ગોડસે જેવા હત્યારાને હિંદુત્વનો મસિહા સાબિત કરવાનાં ફાંફાં વધી રહ્યાં હોવાનું ફરી સાબિત કર્યું છે. આ ફાંફાંને ભાજપના છૂપા આશીર્વાદ હોવાનું પણ લાગી રહ્યું છે કેમ કે આગ્રાની જ ઘટનામાં પોલીસે ધાર્યું હોત તો પોસ્ટરો ઉતરાવી શકી હોત ને ગોડસેેના સમર્થનમાં નારા લગાવનારા લોકોને ઉઠાવીને અંદર કરી શકી હોત પણ પોલીસે ના પોસ્ટર ઉતરાવ્યાં કે ના ગોડસેના સમર્થનમાં કાર્યક્રમ કરનારાને કશું કર્યું. 

ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે ને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકનારાંને છેક કેરળથી યુપી પોલીસ ઉઠાવી લાવી હોવાની ને મહિનાઓ લગી જેલમાં ગોંધી રાખ્યાનું બનેલું છે જ્યારે અહીં તો પોસ્ટર લાગ્યાં પણ યુપીમાં છે ને લગાવનારા પણ યુપીમાં જ છે છતાં કશું નથી કરાતું તેનો અર્થ શો? એ જ કે ભાજપ સરકારને ગાંધીજી સામે ઝેર ઓકવા ને ગોડસેને મહાન ગણાવવા સામે જરાય વાંધો નથી. ભાજપ સરકારને કોઈ આખું વંદે માતરમ ના ગાય એ કઠે છે ને તેના માટે કાયદો બનાવી દીધો પણ દેશના રાષ્ટ્રપિતાનું અપમાન થાય, તેમના હત્યારાનું સન્માન થાય તેની સામે જરાય વા્ધો નથી એ ખટકે છે પણ શું થાય? જેવી જેની માનસિકતા. 

ગોડસેને મહાન દેશભક્ત ગણાવવાના ને ગાંધીજીને હિંદુ વિરોધી ચિતરવાના ફાંફાં ગાંધીજીની હત્યા થઈ ત્યારથી ચાલે છે. બલ્કે ગાંધીજી હિંદુ વિરોધી ને મુસ્લિમ તરફી હોવાની વાતો તો ગાંધીજી જીવતા હતા ત્યારે જ ચાલતી હતી. આ વાતોથી પ્રેરાઈને જ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી નાખી હતી. ગોડસેએ ગાંધીજીની હત્યા પછી ચાલેલા ટ્રાયલ દરમિયાન આપેલી જુબાનીમાં આ વાત કબૂલી છે.  `વ્હાય આઈ એસેસિનેટેડ મહાત્મા ગાંધી' નામના પુસ્તકમાં આ  જુબાની છે. 

આ જુબાની પ્રમાણે, ગોડસે ગાંધીજીને `ગદ્દાર માનતો હતો. ગોડસેએ તો ગાંધીજી પર નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે ગદ્દારી કરવાનો આરોપ પણ મૂકેલો. ગોડસેને લાગતું કે, મુસ્લિમો હિંદુઓ અને શીખોની હત્યા કરે તેની સામે  ગાંધીજીને વાંધો નહોતો પણ હિંદુઓએ મુસ્લિમોની હત્યા કરી તો ગાંધીજી ભૂખ હડતાળ પર ઊતરી ગયેલા એ જોતાં ગાંધીજી જીવતા રહ્યા હોત તો હિંદુઓ અને શીખોની તકલીફો વધી ગઈ હોત.  

ગોડસેએ કોર્ટમાં કહેલું કે, ગાંધીજીનાં બેવડાં કાટલાં હિંદુઓ માટે ઘાતક હતાં અને  પાકિસ્તાનના સર્જન માટે ગાંધીજી જવાબદાર  હતા. ગાંધીજીને મુસ્લિમો માટે કૂણી લાગણી હોવાથી હિન્દુઓને અન્યાય કરીને પણ મુસ્લિમોને લાડ લડાવતા હતા.  ગાંધીજીની હિંદુ વિરોધી માનસિકતા સાબિત કરવા ગોડસેએ કેટલાંક ઉદાહરણો પણ આપેલાં.  ગાંધીજીએ પાકિસ્તાનને નાણાં અપાવવા ઉપવાસ કરેલા, મંદિરમાં કુરાનનું પઠન કરાવેલું,  હિંદુ-શીખ નિરાશ્રિતોને બહાર કાઢીને મસ્જિદો ખાલી કરાવી હતી વગેરે કારણો ગોડસેએ આપેલાં.   

ગોડસેના પુસ્તકનો પ્રચાર કરીને ગાંધીજીને હિંદુ વિરોધી ચિતરવાનાં ને ગોડસેએ ગાંધીજીને મારીને હિંદુઓ પર કેવડો મોટો ઉપકાર કર્યો છે એ સાબિત કરવાનાં ફાંફાં વરસોથી ચાલે છે પણ આ દેશની પ્રજાને ગળે આ વાતો અને વિચારધારા ઊતરતી નથી. આ કારણે જ ગાંધીજીની હત્યાનાં 78 વર્ષ પછી પણ ગોડસેના સમર્થકોની સંખ્યા મુઠ્ઠીભર છે જ્યારે મહાત્મા ગાંધી આજે પણ વૈશ્વિક સ્તરે અત્યંત આદરથી લેવાતું નામ છે. નરેન્દ્ર મોદી જેવા નેતા આ વાત સમજી ગયા તેથી ગાંધીજીને આદર આપે છે પણ તેમની જ પાર્ટીના કેટલાક નમૂનાઓને આ વાત સમજાતી નથી. 

ભાજપ અને કહેવાતાં હિંદુવાદી સંગઠનોમાં ગોડસેના ચાહકોની સંખ્યા વધી છે પણ તેમનામાં ખુલ્લેઆમ ગોડસેની તરફેણ કરવાની હિંમત નથી. સાધ્વી પ્રજ્ઞા કે અનંતકુમાર હેગડે જેવા થોડાક લોકોએ ખુલ્લેઆમ ગોડસેને દેશભક્ત ચિતરવાનું દુસ્સાહસ કર્યું તેમાં તો તેમની રાજકીય કારકિર્દીને ગ્રહણ લાગી ગયું તેથી હવે ભાજપ કે સંઘ જેવાં સંગઠનોમાં પણ ગોડસેની તારીફમાં કસિદા પઢવાની પણ કોઈ હિંમત કરતું નથી. ભાજપનું પિતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો નાથુરામ ગોડસે અને ગોપાલ ગોડસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્યો હતા એવું આજેય સ્વીકારતો નથી અને ગોડસે બંધુઓ સાથે પોતાને કંઈ લેવાદેવા નથી એમ કહીને હાથ ખંખેરી નાખે છે. 

હજુ ગયા મહિને જ ભાજપ જેમને મહાનતમ દેશભક્ત ચિતરવા ઉધામા કરે છે એ  વિનાયક દામોદર સાવરકરના પ્રપૌત્ર સાત્યકી સાવરકરે  પુણેની અદાલતમાં સત્તાવાર રીતે આપેલી જુબાનીમાં કહ્યું છે કે, ગાંધીજીની હત્યાના આરોપી  નાથુરામ ગોડસે અને ગોપાલ ગોડસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્યો હતા. સાત્યકિએ રાહુલ ગાંધી સામે કરેલા બદનક્ષીના કેસમાં આ જુબાની આપી છે. સાવરકરના પરિવારને દેશભક્ત પરિવાર ગણાવતો સંઘ સાત્યકિની જુબાનીને સાચી માનતો નથી કેમ કે ગોડસેની પાલખી ઊંચકવા જતાં તેના ટાંટિયા ફાંગા થઈ જાય. 

મહાત્મા ગાંધીની હત્યા 30 જાન્યુઆરી 1948ના રોજ થયેલી ને 15 નવેમ્બર 1949ના રોજ ગોડસેને ફાંસી આપવામાં આવી હતી એ જોતાં ગોડસેના મોતને લગભગ 77 વર્ષ થઈ ગયાં. ગોડસેને હિંદુઓનો મસિહા બનાવવાનાં ફાંફાં 77 વર્ષ પછી પણ સફળ નથી થતાં કેમ કે આ દેશના હિંદુઓમાં એક મહાત્મા અને એક હત્યારા વચ્ચેનો ભેદ પારખવાની સમજ છે.