અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વખતે મેળામાં નોરતાના ટ્રેડિશનલ ગરબાની થીમ પર ખાસ પ્રકારનું એક ડેકોરેશન જોવા મળશે.આ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરિસરમાં લાઈટિંગથી લઈને ગરબાની થીમ પર કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ભાદરવી પૂનમના મહામેળામાં આ વર્ષે 45 લાખથી વધારે ભાવિકો માતાના ચરણમાં શીશ નમાવવા માટે આવે એવી પૂરી શક્યતાઓ છે. આ માટે સુરક્ષા અને સુવિધા માટે ટેક્નોલોજીના સહારે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભાવિકોને દર્શન માટે કોઈ મુશ્કેલી ન પડે અને લાંબા સમય સુધી લાઈનમાં ઊભા ન રહેવું એ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
AIથી સજ્જ કેમેરાથી થશે મોનિટરિંગ
AI કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે, પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં દિવસ-રાત ખડેપગે રહેશે. આ માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસની વધુ એક ટીમને જવાબદારી સોંપવામાં આવશે. આ વખતે ખાસ સ્વચ્છતા પર ફોક્સ કરવામાં આવશે, પરિસરથી લઈને અંબાજી શહેરની શેરીઓ-ગલી સુધી સ્વચ્છતા જળવાઈ રહે એ માટે સફાઈ-કામદારોની ટીમ ઊતરશે. ભાવિકો માટે ડિજિટલ માર્ગદર્શિકા, QR કોડથી પાર્કિંગ વ્યવસ્થા, દર્શનપથ સુધીની માહિતી મોબાઈલ સ્ક્રિન પર મળી રહેશે. આ ઉપરાંત મેડિકલ સુવિધા, પ્રસાદ માટેની વ્યવસ્થા, હેલ્પલાઈન નંબર તથા સોશિયલ મીડિયા મારફતે વધુ વિગત શૅર કરાશે. અંબાજીથી લાઈવ દર્શન કરી શકાય એ માટે અંબાજી ઈ મંદિર દ્વારા દર્શન માટેની વિગત પોસ્ટ કરવામાં આવશે.આરતીનો સમય, પાર્કિંગ વ્યવસ્થા, પ્રસાદ વ્યવસ્થામાં જે ફેરફાર કરવામાં આવ્યા છે એ દરેક માઈ ભક્તોના મોબાઈલ સુધી પહોંચે એ માટે ખાસ ડિજિટલ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

પાર્કિંગથી મંદિર સુધી બસ વ્યવસ્થા
દાંતા રોડ અને હડાદ રોડ પરના હંગામી પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામમાં આવી છે. પાર્કિંગથી મંદિર સુધી નિઃશુલ્ક મિની બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ કારણે અંબાજીના મુખ્ય રોડ પર ટ્રાફિક જામ નહીં થાય. આ સાથે ભાવિકોને પણ પરિવહન મળી રહેશે. આ વખતે મંદિરના શિખર પર 5 મીટરથી વધારે લંબાઈની ધ્વજા નહીં ચડાવી શકાય. ધજા ચડાવવા માટે ખાસ પાસ આપવામાં આવશે. ત્રણ જ વ્યક્તિ ધજા ચડાવવા માટે જઈ શકશે. બીજી તરફ સેવા કેમ્પમાં એકઠો થતો એઠવાડ ભેગો કરવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. ફૂડવેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવશે અને તે ખેડૂતોને આપવામાં આવશે. આ માટે કેમ્પની આસપાસ 700થી વધારે ડસ્ટબીન અને 135થી વધારે ટ્રેક્ટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સામગ્રીમાંથી પણ ખાતર બનાવવામાં આવશે. પરિસરથી લઈને ટ્રાફિક વ્યવસ્થા માટે જુદી-જુદી 29 સમિતી બનાવવામાં આવી છે. જેમાં ક્લાસ વન અધિકારીથી લઈને સફાઈ કર્મચારી સુધીના લોકોને સમાવેશ કરાયો છે.