પ્રતીક્ષા થાનકી
યુરોપિયન સમર આ વર્ષે જાણે ખુદ સૂરજ સેલિબ્રેટ કરવા માટે આવીને વસી ગયો હોય તેવો બની ગયો છે. હવે ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે ત્યારે પણ પ્રમાણમાં ઠંડી તો ઓછી લાગી જ રહી છે. છેલ્લાં પાંચેક વર્ષથી સરખી ગરમી પડતી જ ન હતી. મોટાભાગના ઉનાળો ખુશનુમા રહે, માંડ પાંચ-છ છૂટાછવાયા દિવસો આવે જ્યાં 35 ડિગ્રીમાં લોકો ગરમીથી મરવા લાગ્યાં હોવાના સમાચાર આવવા લાગે.
આ વર્ષે બે દશકમાં પહેલી વાર ખબર પડી કે અહીંની ખરી ગરમી કેવી હોય છે. તેમાં વળી દુનિયાભરથી અહીં આવીને વસેલાં લોકો યુરોપની 35 ડિગ્રી, ભારતની 45 ડિગ્રી કરતાં શા માટે વધુ કપરી લાગે છે તેની થિયરી આપવા માંડતાં હતાં. તેમાં ઘણાં પાસે તો એ પણ સાંભળવા મળ્યું કે ભારતમાં પોલ્યુશન અને સ્મોગ ગરમી સોક કરી લે એટલે લોકો પર સીધી ન આવે. અને અહીં વાતાવરણ અને હવા સાવ ચોખ્ખાં હોવાના કારણે ગરમી સીધી માણસો પર પડે છે, વચ્ચે જરાય બરફ નથી. આવું લોજિક પણ લોકોને ગરમીથી માથું ખરાબ થયા પછી જ સૂઝતું હશે.
ગયા વર્ષે સમરનાં સૌથી ગરમ અઠવાડિયાં નોર્વેમાં વિતાવેલાં. આ વર્ષે પણ સ્કેન્ડિનેવિયામાં તો ઉનાળો હૂંફાળો જ હતો. નોર્વેની મજા મનમાં એવી ઘર કરી ગઈ છે કે ફરી એ દિશામાં જવાનું થવાનું છે એ નક્કી જ છે. કદાચ સ્થળો બદલાય, પણ હજી લોફોટન ટાપુઓ અને ટ્રોમ્સોની લાઇટ્સ, આર્કટિક સર્કલ તરફ ઘણું જોવાનું પણ બાકી છે.
ઓસ્લોથી પાછાં આવીને એક વીકેન્ડ કોલોન, એક વિકેન્ડ એમ જ બ્લેક ફોરેસ્ટમાં નાની-નાની સમર ટ્રિપ્સ ચાલુ રહેલી, પણ એક વિચિત્ર નાનકડી બર્લિનની મુલાકાત હવે ખાસ મગજમાં ઘર કરી ગઈ હતી. આમ તો બર્લિન જવા માટે ભાગ્યે જ કોઈ ખાસ કારણની જરૂર હોય, પણ ક્યારેક ફૂટબોલ માટે તો ક્યારેક મિત્રોને ફેરવવા માટે, બર્લિન જવાનું થયા જ કરે છે. અને દર વખતે જાણે તેનો અલગ ચહેરો જોવા મળી જાય છે.
આ વખતે અમે માત્ર ચોવીસ કલાક માટે બર્લિન જવાનાં હતાં. દુનિયાનો સૌથી ખ્યાતનામ એક્ટિવ સ્ટેન્ડ-અપ કોમેડિયન રિકી જરવેઝ બર્લિનમાં પરફોર્મ કરવાનો હતો. અમે સવારે નીકળીશું, બપોરે બર્લિન પહોંચીશું, મજેદાર દેશી ફૂડ ખાઈશું, ઇસ્ટ-સાઇડ ગેલેરી અને નદી પાસે લટાર મારીશું, સાંજે શો જોઈશું, હોટલ પર જઈશું, સવારે હોટલનો બ્રેકફાસ્ટ દબાવીને બીજી સાંજ સુધીમાં ઘર ભેગાં થઈ જઈશું એવું પ્લાનિંગ કરેલું.
આમ તો આજકાલ ડોઇચે-બ્હાનની ટ્રેનોનો ખાસ ભરોસો રહૃાો નથી, પણ તે દિવસે અમે એકદમ સમયસર બર્લિન તો પહોંચી જ ગયાં. અને ત્યાં સ્ટેશનથી નજીક એક ફૂડ-ટ્રક ફેસ્ટિવલ ચાલી રહૃાો હતો. ત્યાં એક ટ્રક પર છોલે, કુલચા, સમોસાં અને લસ્સી એવાં મળ્યાં જે સાઉથ જર્મનીમાં ભાગ્યે જ મળતાં હોય છે.
બર્લિન બધી વાતે ફટાક છે, એમાં ઇન્ડિયન ફૂડ પણ આવી ગયું. હજી અમે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં જ હતાં અને ઓલરેડી મોટી સંખ્યામાં ભારતીયો સહિત માઇગ્રન્ટ્સ દેખાવા લાગેલા. થોડાં વર્ષો પહેલાં પણ બર્લિન તો મલ્ટિકલ્ચરલ જ હતું, પણ હવે તો જાણે બર્લિન મેલ્ટિગપોટ જેવું જ બની ચૂક્યું છે. જોકે તેના કારણે પાર્ટી સીન અને કલ્ચરલ રંગ જામ્યો છે, સાથે અસામાજિક તત્ત્વોનો પણ વધારો થયો છે.
બર્લિન પહેલાં જેટલું સેફ ફિલ ન થયું. જોકે તેનું કારણ કંઈ માત્ર બહારથી આવેલાં લોકો નથી. દુનિયાભરમાં માહોલ જ જરા વિચિત્ર થઈ ચૂક્યો છે. એવામાં ત્યાં અમે પેટપૂજા કરીને સીધાં ફ્રીડરિક્સહાઇન વિસ્તારમાં પહોંચી ગયાં. ઇસ્ટસાઇડ ગેલેરીની દીવાલ છેલ્લે પાંચેક વર્ષ પહેલાં જોઈ હતી ત્યાર પછી ફરી અપડેટ થઈ છે. અમૂક મ્યુરલ તો ત્યાં પરમેનેન્ટ છે, પણ કેટલાંક નવાં પણ બનાવવામાં આવ્યાં છે. તે બધાં વચ્ચે ત્યાંની લટાર હંમેશાં નવો દૃષ્ટિકોણ પણ ડિમાન્ડ કરે છે.
તે સમયે ગરમીમાં નદી કિનારે પિકનિક કરનારાંઓની પણ કોઈ કમી ન હતી. અમે ચાર વાગ્યે ત્યાં આંટા મારવા માટે પહોંચી ગયેલાં. સાત વાગ્યે ઉબર થિયેટરમાં એન્ટ્રી શરૂ થવાની હતી. ત્યાં સુધી ટાઇમ આ વિસ્તારમાં પાસ થઈ જ જવાનો હતો. તેમાં વળી અમે ઓબરબાઉમ બ્રિજ પહોંચી ગયાં પછી લાગ્યું કે શો થોડો મોડો ચાલુ થાય તો પણ વાંધો નહીં. આ ઓબરઆઉમ બ્રિજ આ વખતે જરા વધુ પ્રભાવશાળી લાગ્યો.
દર વખતે અહીં આસપાસ થોડા ફોટા પાડીને નીકળી જતાં. આ વખતે અહીં થોડો સમય વિતાવ્યો તો ખબર પડી કે તેની આસપાસ જ જાણે આ વિસ્તારની સોશ્યલ લાઇફ પણ ધબકી રહી છે. તેમાંય અહીં સ્પ્રી નદીમાં ચાલતાં ટૂરિસ્ટ ક્રુઝની ચિચિયારીઓ, સારાં વેધરને એન્જોય કરવા નીકળેલાં સ્થાનિકોનો ઉત્સાહ, બધું અહીં મજામાં વધારો કરી રહૃુાં હતું.
શોનો ટાઇમ નજીક આવ્યો તેમાં અમે જરા વધુ પડતી અપેક્ષાઓનો શિકાર બની ગયાં. રિકી જરવેઝ ખ્યાતનામ સીરીઝ `ધ ઓફિસ'નો લેખક છે. તેની બીજી પણ સિરીઝ અને સ્ટેન્ડ અપ શો, એન્કરિગ, બધું જ અમને મજા કરાવતું. તેને લાઇવ જોવા માટે અમે એકદમ મોટું પ્લાનિંગ કરીને દૂર સુધી ગયેલાં. તે પછીનો દોઢ કલાક રિકીએ અમારી અપેક્ષાઓ પર પાણી ફેરવવામાં ગાળ્યો. તેનું મોટાભાગનું મટીરિયલ કોઈને ખાસ ઇમ્પ્રેસ કરી રહ્યું હોય તેવું ન લાગ્યું.
તેને જોવા માટે અમારી જેમ લોકો દૂર દૂરથી આવ્યાં હતાં. તે દિવસે રિકીને લાઇવ જોયા પછી હવે જ્યારે પણ તે ટિવી પર કે સોશ્યલ મીડિયા પર દેખાઈ જાય છે તો અમે ચેનલ બદલી નાંખતાં થઈ ગયાં છીએ. ક્યારેક મનપસંદ કલાકારોને લાઇવ જોવાનું આ જોખમ પણ ખરું. શહેરોને લાઇવ જોવામાં એમ નિરાશ થવાનું ઓછું બનતું હોય છે. બર્લિનને તો અમે જ્યારે પણ જોઇએ છીએ, ત્યાં ફરી પણ આવીશું જ એ આપમેળે જ નક્કી થઈ જાય છે.