Mon Oct 05 2026

Logo

આગરકરને ગુડબાય કરાશે તો જાણી લો...કોણ છે રેસમાં

2026-09-17 18:00:42
Author: Ajay Motiwala
આગરકરને ગુડબાય કરાશે તો જાણી લો...કોણ છે રેસમાં

BCCI


શુક્રવારે મુંબઈમાં બીસીસીઆઇની સભામાં આંદામાનને આઇસીસીની મેમ્બરશિપ અપાવવા સહિત મહત્ત્વના નિર્ણયો લેવાશે

મુંબઈઃ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની શુક્રવાર, 18મી સપ્ટેમ્બરે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતેના હેડ ક્વૉર્ટરમાં 95મી વાર્ષિક સામાન્ય સભા યોજાશે જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે અને સૌથી મોટા ત્રણ નિર્ણય આ મુજબ છેઃ (1) આંદામાન અને નિકોબાર ટાપુઓના ક્રિકેટ અસોસિયેશનને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની અસોસિયેટ મેમ્બરશિપ અપાવવા સંબંધમાં ચર્ચા (2) ચીફ સિલેક્ટર અજિત આગરકર (Agarkar)ની મુદત ઑક્ટોબરની શરૂઆતમાં પૂરી થશે અને તેનો કૉન્ટ્રૅક્ટ લંબાવવો કે નહીં એના પર ચર્ચા (3) આઇસીસીમાં બીસીસીઆઇના પ્રતિનિધિની નિયુક્તિ. જો આગરકરનો કૉન્ટ્રેક્ટ નહીં લંબાવવામાં આવે તો તેના સ્થાન માટે બે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો પાર્થિવ પટેલ અને પ્રજ્ઞાન ઓઝાના નામ બોલાય છે.

પહેલી જ વખત આંદામાન પર ચર્ચા

મુખ્ય ભારતથી 1,000 કિલોમીટર દૂર આંદામાન અને નિકોબાર ટાપુ ભારતનો કેન્દ્ર-શાસિત પ્રદેશ છે. આ પ્રદેશ બીસીસીઆઇ સાથે સંકળાયેલો નથી, પરંતુ ત્યાં ક્રિકેટના વિકાસ માટે એને આઇસીસીની મેમ્બરશિપ અપાવવા પર બીસીસીઆઇની એજીએમમાં ચર્ચા થઈ શકે. પહેલી જ વખત બીસીસીઆઇમાં આંદામાનમાં ક્રિકેટના મુદ્દે વિગતે ચર્ચા થશે.

પાર્થિવ પટેલ, પ્રજ્ઞાન ઓઝા રેસમાં?

કેટલાક જાણકાર સૂત્રોનું કહેવું છે કે આગરકરની મુદત ન વધારવાનું લગભગ નક્કી કરી લેવામાં આવ્યું છે. પીઢ ક્રિકેટર રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લે એવા સંજોગો ઊભા કરવામાં આવી રહ્યા હોવાથી એજીએમમાં તેના વિશે પણ ચર્ચા થવાની સંભાવના છે. આગરકરને જુલાઈ, 2023માં ચીફ સિલેક્ટરનો હોદ્દો સોંપાયો હતો. તેને આ હોદ્દે જાળવી નહીં રાખવાનો નિર્ણય લેવાશે તો એ માટેની રેસમાં બે ભૂતપૂર્વ ખેલાડીઓના નામ બોલાય છે. એમાંનો એક છે, અમદાવાદનો ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બૅટ્સમૅન પાર્થિવ પટેલ અને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા.

બીસીસીઆઇની વાર્ષિક સભામાં અન્ય જે મુદ્દે ચર્ચા થશે એની વિગત આ પ્રમાણે છેઃ જનરલ બૉડીના બે પ્રતિનિધિની આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં નિયુક્તિ, કાઉન્સિલના ચૅરમૅનપદે અરુણ ધુમાલની પુનઃવરણી, કાઉન્સિલમાં ખૈરુલ મજુમદારની મેમ્બર તરીકે નિમણૂક, આઇપીએલની કાઉન્સિલમાં ઇન્ડિયન ક્રિકેટર્સ અસોસિયેશનના એક પ્રતિનિધિની નિયુક્તિ.