Mon Oct 05 2026

Logo

સેહવાગનો દીકરો બની ગયો કૅપ્ટનઃ જાણો, કઈ ટૂર્નામેન્ટમાં જવાબદારી સોંપાઈ

2026-10-04 19:56:41
Author: Ajay Motiwala
સેહવાગનો દીકરો બની ગયો કૅપ્ટનઃ જાણો, કઈ ટૂર્નામેન્ટમાં જવાબદારી સોંપાઈ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક બૅટ્સમૅન વીરેન્દર સેહવાગના 18 વર્ષીય પુત્ર આર્યવીર સેહવાગને ડોમેસ્ટિક ક્રિકેટમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિયેશન (ડીડીસીએ)એ આર્યવીરને આગામી વિનુ માંકડ ટ્રોફી માટે દિલ્હીની મેન્સ અન્ડર-19 ટીમનો કૅપ્ટન (Captain) બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વીરેન્દર સેહવાગે ભારત વતી કુલ 17 મૅચમાં કૅપ્ટન્સી સંભાળી હતી.

આર્યવીર પિતાની જેમ ઓપનિંગ બૅટ્સમૅન છે. તે રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન અને લેગબ્રેક ગૂગલી સ્પેશ્યાલિસ્ટ છે. તાજેતરમાં રાજકોટમાં ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમ સામેની સિરીઝથી તેણે અન્ડર-19 ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ત્રણ મૅચમાં અનુક્રમે 28, 47 અને 34 રન બનાવ્યા હતા. ત્રણમાંથી બે ઇનિંગ્સ ટીમ માટે ઉપયોગી બની હતી. તે આ મૅચોમાં સાધારણ રમ્યો, પણ એકંદરે તેનો પર્ફોર્મન્સ સારો રહ્યો હોવાથી તેમ જ ટીમનું નેતૃત્વ સંભાળવાની તેનામાં કાબેલિયત હોવાથી તેને આઠમી ઑક્ટોબરે વિશાખાપટનમમાં શરૂ થનારી ટૂર્નામેન્ટ માટે કૅપ્ટનપદે સિલેક્ટ કરવામાં આવ્યો છે.

આર્યવીર સેહવાગની અન્ડર-19 ટીમમાં 15 ખેલાડીનો સમાવેશ છે. અર્નવ બુગ્ગા આ ટીમનો વાઇસ-કૅપ્ટન અને અભિરાજ સિંહ તથા તરુણ સિંહ વિકેટકીપર છે.

સેહવાગ અને પત્ની આરતીને બે પુત્ર છે જેમાં આર્યવીર (Aryavir) મોટો અને વેદાંત નાનો છે. વીરેન્દર સેહવાગની હરિયાણામાં `સેહવાગ ઇન્ટરનૅશનલ સ્કૂલ' છે જ્યાં વિદ્યાર્થીઓ માટે ભણવાની, રહેવાની, તાલીમની તેમ જ ક્રિકેટ સહિતની રમતો રમવાની સુવિધા છે.