રાજકોટઃ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ આજેથી હડતાળ પર છે. પડતર માંગણીઓને લઈને બેંક અધિકારીઓ-કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજકોટના નાના મવા નજીક PNB ખાતે પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. બેંક કર્મચારીઓ દ્વારા 'વાદા કીયા તો નિભાના પડેગા,5 દિન બેંકિંગ લાના પડેગા' જેવા સહિત વિવિધ પ્રકારના પ્લે કાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યો હતો.

રાજકોટમાં નાના મવા નજીક આવેલી પંજાબ નેશનલ બેંક ખાતે બેંક કર્મચારીઓ એકત્ર થયા હતા અને વિવિધ માંગણીઓને લઈને પ્લેકાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ કામગીરી લાગુ કરવાની તેમજ બેંકોમાં ક્લાર્ક અને સબ-સ્ટાફની પૂરતી ભરતી કરવાની માંગનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગ્રેચ્યુઇટી કાયદા હેઠળની મહત્તમ મર્યાદામાં વધારો કરવાની અને પેન્શન પર સમાન DA લાગુ કરવાની પણ કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ હડતાળની અસર રાષ્ટ્રીયકૃત બેંકોની કામગીરી પર જોવા મળી હતી. કર્મચારીઓના જણાવ્યા મુજબ, દેશભરમાં 2 લાખથી વધુ, ગુજરાતમાં 75 હજારથી વધુ અને રાજકોટમાં 10 હજારથી વધુ બેંક કર્મચારીઓ આ વિરોધમાં જોડાયા છે.

પડતર પ્રશ્નોના વહેલી તકે નિરાકરણની માંગ સાથે કર્મચારીઓએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.