ભાર્ગવ ઠાકર
‘આવ, પાછો આવ, તું જેવો છે તેવો જ પાછો આવ!
નાસ્તિક હોય કે અગ્નિપૂજક, કોઈ પણ હોય, પાછો આવ!
આપણી આ ચોખટ કોઈ નિરાશા કે ડરની જગ્યા નથી,
તેં સો વાર તારા સોગંદ તોડ્યા હોય, તો પણ સ્મિત સાથે પાછો આવ!’
રણની રેતી પર ફૂંકાતા પવનમાં જ્યારે આ પંક્તિઓ ગુંજે, ત્યારે ભલભલા સાહિત્યપ્રેમીને એમ જ લાગે કે આ તો મૌલાના રૂમીનો જ સાદ હોઈ શકે! પણ ના, ઇતિહાસના પાનાં કંઈક અલગ જ વાર્તા કહે છે. મૌલાના રૂમીના જન્મની હજુ તો કોઈ એંધાણી પણ નહોતી, તેના બરાબર બસો વર્ષ પહેલાં, અગિયારમી સદીના ખુરાસાન (આજના તુર્કમેનિસ્તાન-ઇરાન સરહદ)ના વિસ્તારોમાં આ શબ્દો એક ફકીરના હોંઠેથી વહેતા હતા. પર્શિયન સૂફીવાદના આકાશમાં પ્રેમલક્ષણા ભક્તિનો સૂર્ય બનીને તપનાર આ કલંદરનું નામ હતું - અબુ સઈદ અબુલ ખૈર (ઇ.સ. 967 - 1049).
મેહના નામના નાનકડા શહેરમાં જન્મેલો અબુ સઈદ કોઈ જન્મજાત સંત નહોતા. યુવાનીના દિવસોમાં તે એક અત્યંત તેજસ્વી અને પ્રખર વિદ્વાન હતા. ઇસ્લામિક કાયદાશા અને ધર્મગ્રંથોના પાનાંઓમાં તે ઈશ્વરને શોધી રહ્યા હતા. મગજમાં તર્કનો અહંકાર અને પીઠ પર પુસ્તકોનો ભાર! પણ માત્ર કાગળના પાનાં ફેરવવાથી કદી આત્માની તરસ છીપે છે ખરી?
એક દિવસ પ્રવાસ દરમ્યાન તેમની મુલાકાત લુકમાન સરખસી નામના એક કલંદર ફકીર સાથે થઈ. લુકમાનની આંખોમાં આકાશ જેવી શૂન્યતા હતી અને ચહેરા પર અનંતની શાંતિ. વિદ્વાન અબુ સઈદને જોઈને લુકમાને હળવેકથી કહ્યું, ‘તારા મગજમાં જ્ઞાનનો જે ભાર છે, તે તને ક્યારેય ઈશ્વર સુધી નહીં પહોંચવા દે. આ ભાર ઉતારી દે અને તારા ’હું’ ને બાળી નાખ.’
આ એક વાક્ય તીરની જેમ અબુ સઈદની છાતીમાં ખૂંપી ગયું. વર્ષોથી ગોખેલા કાયદા અને તર્કના તમામ પાયા એક જ ક્ષણમાં ધરાશાયી થઈ ગયા. તેમણે પુસ્તકોનો ત્યાગ કર્યો અને પોતાના ભીતરના અંધકારને ઉલેચવા ધ્યાનના માર્ગે નીકળી પડ્યા. તર્કના દ્વાર બંધ થયા, અને હૃદયના કમાડ ખૂલી ગયા.
સમય વહેતો ગયો. અબુ સઈદ હવે માત્ર કોઈ વિદ્વાન નહોતા રહ્યા, પણ એક એવા કલંદર બની ચૂક્યા હતા, જેના શ્વાસમાં માત્ર પ્રેમ મહેકતો હતો. તેમની એક ઝલક પામવા લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. આ સમયનો એક પ્રસંગ એવો છે જે સમગ્ર આધ્યાત્મિક જગતનો નીચોડ છે.
એકવાર અબુ સઈદની મજલિસ (સત્સંગ)માં હજારોની ભીડ ઊમટી પડી હતી. જગ્યા સાવ સાંકડી અને લોકોનો મહેરામણ વધતો જતો હતો. લોકોના અવર-જવરની વ્યવસ્થા સાચવીને થાકેલા સેવકે અકળાઈને ભીડને ઉદ્દેશીને મોટેથી બૂમ પાડી, ‘ખુદાને ખાતર રહેમ કરો, અને પાછળ ઊભેલા લોકો માટે એક-એક ડગલું આગળ વધો!’ (Take one step forward).
વ્યાસપીઠ પર આંખો બંધ કરીને બેઠેલા અબુ સઈદ અચાનક ઊભા થઇ ગયા. આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. આંખોમાં આંસુ સાથે તેમણે સભાને સંબોધતા ગદગદ સ્વરે કહ્યું, ‘આજના સત્સંગની અહીં જ પૂર્ણાહુતિ થાય છે! મારે તમને જે કંઈ પણ કહેવાનું હતું અને દુનિયાના તમામ પયગંબરોએ આજ સુધી જે કંઈ પણ શીખવ્યું છે, તેનો સાર આ સેવકે એક વાક્યમાં કહી દીધો છે... તમારા અહંકારથી માત્ર એક ડગલું આગળ વધો, અને તમે સીધા જ ઈશ્વર સુધી પહોંચી જશો!’
તેમના મતે ઈશ્વર અને માણસ વચ્ચે કોઈ ધર્મ કે કર્મકાંડની દીવાલ નથી, માત્ર એક જ દીવાલ છે, ‘અહંકાર’ની દીવાલ. આ જ દર્શનને તેમણે પોતાની કલમમાંથી આ રીતે વહેવા દીધું:
જ્યાં સુધી તારો અહંકાર તૂટીને રજકણ નથી બનતો,
ત્યાં સુધી તને ઈશ્વરના દરબારનો રસ્તો નથી જડતો;
તું તારા અસ્તિત્વને મિટાવી દઈશ તો જ એને પામી શકીશ,
ખાલીપણા સિવાય આ પ્યાલામાં બીજું કંઈ જ નથી ભરાતું.
અબુ સઈદની આ અનોખી ખ્યાતિ એ સમયના સૌથી મહાન ફિલસૂફ અને વૈજ્ઞાનિક ઇબ્ન સિના સુધી પહોંચી. તર્કનો શહેનશાહ ઇબ્ન સિના પ્રેમના બાદશાહ અબુ સઈદને મળવા આવ્યો. બંને વચ્ચે એક બંધ ઓરડામાં સતત ત્રણ દિવસ સુધી ગહન ચર્ચા ચાલી. જ્યારે બંને બહાર આવ્યા, ત્યારે આતુર લોકોએ ઇબ્ન સિનાને પૂછ્યું, ‘તમને આ સૂફી ફકીર વિષે શું કહેશો?’ ત્યારે ઇબ્ન સિનાએ ઇતિહાસમાં અમર થઈ ગયેલો જવાબ આપ્યો: ‘જે બધું હું મારી બુદ્ધિથી જાણું છું, તે બધું જ આ મહાત્મા ખુલ્લી આંખે જોઈ શકે છે!’
અને જ્યારે અબુ સઈદને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે હસીને કહ્યું: ‘જે બધું હું મારા ભીતરી દર્શનથી જોઉં છું, તે બધું આ ફિલસૂફ પોતાની બુદ્ધિથી જાણે છે!’
જોકે, અબુ સઈદ બરાબર જાણતા હતા કે બુદ્ધિની એક સીમા હોય છે. ઈશ્વર કોઈ સમીકરણ નથી જેને ઉકેલી શકાય; એ તો પ્રેમનો સાગર છે જેમાં માત્ર ડૂબી જવાય. તેમની એક સુંદર રુબાઈમાં આ સત્યનો રણકાર સંભળાય છે:
બુદ્ધિથી ઈશ્વરને પામવાની મથામણ છોડી દે,
તારા અહંકારના આ કાગળિયાં હવે ફાડી દે;
જો ઈશ્કના રસ્તે ચાલવું હોય તો શરત એક જ છે,
તારા હોવાપણાનો ભાર હવે નદીમાં વહાવી દે.
અબુ સઈદની ખાનકાહ (આશ્રમ)ના દરવાજા જાતી કે વર્ણના લોકો માટે ખુલ્લા હતા. તેઓ ઈશ્વરથી ડરવાનું નહીં, પણ ઈશ્વર સાથે પ્રેમ કરવાનું શીખવતા. જ્યારે કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું કે, ‘આધ્યાત્મિકતા એટલે શું?’ ત્યારે તેમણે કોઈ વેદ કે કુરાનનો સંદર્ભ ટાંક્યા વગર, એટલું જ કહ્યું: ‘તારા મગજમાં જે છે (પૂર્વગ્રહો) તેને ફેંકી દે , તારા હાથમાં જે છે તે આપી દે (દાન), અને તારા પર જે પણ સંકટ આવે તેની સામે ઝૂક્યા વિના ઊભો રહે (શ્રદ્ધા).’
ઈ.સ. 1049 માં જ્યારે આ કલંદરે વિદાય લીધી, ત્યારે તેઓ કોઈ સંપત્તિ કે પોતાના હાથે લખેલું પુસ્તક નહોતા મૂકી ગયા. તેમનાં વચનો શિષ્યોના હૃદયમાં કોતરાઈ ગયા હતા, જે તેમના મૃત્યુ બાદ ‘અસરાર અલ-તવહીદ’ (એકેશ્વરવાદનાં રહસ્યો) નામે ગ્રંથસ્થ થયા. અબુ સઈદ માટે ખુદા આકાશમાં બેઠેલો કોઈ કઠોર ન્યાયાધીશ નહોતો, પણ કણ કણમાં વસતો પ્રેમી હતો:
મેં આકાશમાં જોયું તો ત્યાં પણ તું જ હતો,
મેં ધરતી પર જોયું તો અહીં પણ તું જ હતો;
હું જ્યાં જ્યાં નજર કરું છું, ત્યાં તારો જ ચહેરો છે,
મારા પોતાના અસ્તિત્વમાં પણ માત્ર તું જ હતો.
આજે અગિયાર સદીઓ વીતી ગઈ છે. છતાં, જ્યારે પણ કોઈ માણસ પોતાના જ અહંકાર, ભય અને અસલામતીના કોચલામાં ગૂંગળાય છે, ત્યારે ખુરાસાનની માટીમાંથી ઊઠેલો અબુ સઈદનો એ અવાજ આજે પણ સાદ કરે છે:
‘બહારની દુનિયામાં માઈલો કાપવા કરતા,
પોતાના જ અહંકારથી માત્ર એક ડગલું આગળ વધી જો...
તારો ખુદા બેઉ હાથ ફેલાવીને તારી જ રાહ જુએ છે!’