સાશા
શનિવાર, 19મી સપ્ટેમ્બરે જાપાનના આઇચી-નાગોયામાં શરૂૂ થનારી 20મી એશિયન ગેમ્સમાં ભારતે 503 ઍથ્લીટનો વિશાળ સંઘ ઊતારવાની પૂરી તૈયારી કરી લીધી છે. જોકે સવાલ એ નથી કે ભારત કેટલા ચંદ્રક જીતશે? પ્રશ્ન એ છે કે આપણે પાછલી એશિયન ગેમ્સમાં મેળવેલી ઉપલબ્ધિઓનું પુનરાવર્તન કરી શકીશું? શું એ એશિયાડ કરતાં પણ આ વખતે સાં પર્ફોર્મ કરીશું?
2022ની 19મી એશિયન ગેમ્સ ચીનના હાન્ગઝોઉમાં યોજાઈ હતી જે ભારતની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ એશિયન ગેમ્સ સાબિત થઈ છે, કારણ કે ભારતીયો એમાં 107 ચંદ્રક જીતીને ચોથા નંબર પર રહ્યા હતા. ભારતના 107 મેડલમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ હતા. સવાલ એ છે કે શું આ વખતે આપણે ફરી એક વખત 100-પ્લસ ચંદ્રક જીતીશું? ચીનમાં આયોજિત એ એશિયન ગેમ્સથી પણ ચડિયાતો પર્ફોર્મન્સ જાપાનની એશિયન ગેમ્સમાં કરીશું? જો એમાં સફળ થઈશું તો ખેલ જગતને આપણે સ્પષ્ટ સંકેત આપીશું કે અમારો પર્ફોર્મન્સ હવે સતત સારો થઈ રહ્યો છે.
ત્રણ અઠવાડિયા સુધી ચાલનારી એશિયન ગેમ્સ ચોથી ઑક્ટોબરે પૂરી થશે. એમાં 46 દેશના અંદાજે 11,000 ઍથ્લીટ-ખેલાડી ભાગ લેશે. એમાં ભારતના 503માંથી 269 પુષ અને 234 મહિલા સ્પર્ધકનો સમાવેશ હશે. ભારતના સૌથી વધુ (79) સ્પર્ધક ઍથ્લેટિક્સની હરીફાઈઓમાં જોવા મળશે. એશિયાડમાં કુલ 43 રમતની 469 ઇવેન્ટ યોજાશે અને કુલ મળીને 1,407 ચંદ્રક એનાયત કરવામાં આવશે.
ભારતના 79 ઍથ્લીટ આ રમતોત્સવમાં ભાગ લેશે એના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તેઓ કેવા રંગના ચંદ્રક જીતશે અને તેમની પ્રતિસ્પર્ધાની તીવ્રતા કેવી હશે? 2022માં હાન્ગઝોઉની એશિયન ગેમ્સમાં ભારતને ઍથ્લીટોએ કુલ 29 અને નિશાનબાજોએ બાવીસ ચંદ્રક અપાવ્યા હતા. નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે જાપાનમાં આ બન્નેમાં (ઍથ્લેટિક્સમાં અને શૂટિગમાં) ભારતના ચંદ્રકોની સંખ્યા જરૂર વધશે. જો એવું થશે તો 2022ના 107 મેડલ કરતાં આપણે વધુ ચંદ્રકો જીતીશું એમાં કોઈ શંકા નથી.
ફરી એક વખત એશિયન ગેમ્સમાં ભારતને સૌથી વધુ આશા ઍથ્લેટિક્સ પર જ છે. ભાલાફેંકની હરીફાઈ ઍથ્લેટિક્સનો જ હિસ્સો કહેવાય અને એમાં આ વખતે ઈજાગ્રસ્ત નીરજ ચોપડા નહીં જોવા મળે, પણ અન્ય કેટલાક ઍથ્લીટોના મેડલ પાક્કા જ ગણી શકાય. નીરજને પ્રેક્ટિસ દરમ્યાન ઈજા થતાં તે એશિયન ગેમ્સમાંથી નીકળી ગયો છે અને તેના સ્થાને યશવીર સિંહનો સમાવેશ કરાયો છે. નીરજને જો ઈજા ન નડી હોત તો તેને એશિયન ગેમ્સનો હેટ-ટ્રિક ગોલ્ડ મેડલ જીતવાની તક મળી હોત.
ઍથ્લેટિક્સ વર્ગમાં નીરજ ચોપડાની ગેરહાજરી અવિનાશ સાબળે (3000 મીટરની વિઘ્ન દોડ), તેજિન્દ્રપાલ સિંહ તૂર (ગોળા ફેંક), પાલ ચૌધરી (1500 મીટર તથા 5000 મીટરની રેસ ઉપરાંત 3000 મીટરની વિઘ્ન દોડ) તેમ જ અનુ રાની (ભાલાફેંક) નહીં વર્તાવા દે એવું ખાતરીથી કહી શકાય. જોકે જરૂરી નથી કે આપણે સ્ટાર ઍથ્લીટોના પર્ફોર્મન્સ થકી જ આ વખતે 2022ના રમતોત્સવ જેવું કે એનાથી ચડિયાતું પર્ફોર્મ કરીશું. આપણે નવા અને સામાન્ય લાગતા ઍથ્લીટો-ખેલાડીના જબરદસ્ત પર્ફોર્મન્સથી પણ થોકબંધ ચંદ્રકો જીતવાની આશા રાખવી જોઈએ.
અહીં સૌથી મોટો સવાલ એ છે કે ઈજા, પર્ફોર્મન્સ અને એશિયાના સ્તરે વધુ ઉગ્ર બનેલી સ્પર્ધા વચ્ચે ભારત કેટલી હદે મજબૂત પ્રદર્શન કરી શકશે? 2022ની તુલનામાં વધુ ચંદ્રકો આવશે કે ઓછા? અને એમાં સુવર્ણચંદ્રક કેટલા હશે? કારણ એ છે કે મેડલ-ટેબલમાં ગોલ્ડ મેડલને આધારે જ દેશોની રેન્ક નક્કી થતી હોય છે.
ઉલ્લેખનીય છે કે 2022ના હાન્ગઝોઉ રમતોત્સવમાં ભારતના બાવીસમાંથી સાત ગોલ્ડ મેડલ નિશાનબાજોના હતા. આ વખતે શૂટર્સ પાસેથી ઓછામાં ઓછા આટલા ચંદ્રકની અપેક્ષા તો છે જ. કારણ એ છે કે તાજેતરમાં જ ભારતીય નિશાનબાજો અને મુક્કાબાજોએ વિવિધ સ્પર્ધાઓમાં સાં પ્રદર્શન કર્યું હતું.
હવે જોવાનું એ છે કે આપણા પદકવીર ખેલાડીઓ પાછલા ચંદ્રકોને ડિફેન્ડ કરી શકે છે કે નહીં. બીજું, તેઓ હવે પછીનો કિલ્લો ભેદી શકશે કે નહીં એ પણ જોવું રહ્યું. વાસ્તવમાં કોઈ દેશને ખેલ જગતમાં શક્તિશાળી ત્યારે માનવામાં આવે છે જ્યારે તેના ઍથ્લીટોના ચંદ્રકોની સંખ્યા કરતાં ઍથ્લીટો સતતપણે મેડલના મંચ પર આવે છે કે નહીં.
આપણા નિશાનબાજોએ તાજેતરમાં ઘણી સ્પર્ધાઓમાં પોતાની ક્ષમતા બતાવી છે, પરંતુ એશિયાની સ્પર્ધાઓમાં ઘણી વખત દક્ષિણ કોરિયા, ચીન અને જાપાનના શૂટર્સ છુપા રૂસ્તમ સાબિત થતા હોય છે અને ભારતીયોની આશા-આકાંક્ષાઓ પર પાણી ફેરવી દેતા હોય છે. એટલે જ આપણા નિશાનબાજોએ તેમ જ અન્ય તમામ ખેલાડીઓએ તાજેતરની સ્પર્ધાઓમાં જે પર્ફોર્મ કર્યું એનાથી ઘણું સાં પર્ફોર્મ કરવાનો પ્રયાસ કરવો જ પડશે.
દોઢ મહિના પહેલાંની કોમનવેલ્થ ગેમ્સમાં આપણા મુક્કાબાજોએ બહુ સાં પર્ફોર્મ કર્યું હતું. આપણા 13માંથી સાત ગોલ્ડ મેડલ બોક્સરોએ અપાવ્યા હતા. એ રમતોત્સવના લગભગ તમામ મુકાબાજો એશિયન ગેમ્સમાં ભાગ લેવાના છે. આશા રાખીએ કે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં તેમણે જે દેખાવ કર્યો એવો હવે જાપાનમાં પણ કરશે.
કોમનવેલ્થમાં 70થી વધુ દેશના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જ્યારે એશિયન ગેમ્સમાં 46 રાષ્ટ્રના ઍથ્લીટો વિવિધ સ્પર્ધાઓમાં ઝૂકાવશે. એમ છતાં કોમનવેલ્થ કરતાં એશિયન ગેમ્સની હરીફાઈઓ વધુ ટફ ગણાય છે. કોમનવેલ્થ કરતાં વધુ સારી સ્પર્ધાઓમાં ભારતીયોને વધુ મેડલ મળવાની આશા છે એ રમતોમાં ખાસ કરીને બેડમિન્ટન, કુસ્તી અને કબડ્ડીનો સમાવેશ છે. આપણે એ ન ભૂલવો જોઈએ કે બેડમિન્ટનની ખરી તાકાત એશિયામાં છે.
યાદ રહે, ભારતીયોએ બેડમિન્ટનમાં ચીન, જાપાન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયાના સ્પર્ધકોનો સામનો કરવો પડશે. જોકે ભારત પાસે પી. વી. સિંધુ, લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી, સાત્વિકસાઈરાજ, ચિરાગ શેટ્ટી જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે એટલે મોટી સંખ્યામાં મેડલ તો આવશે જ. કુસ્તી (રેસલિંગ)માં પણ ભારતીયો સારી એવી સંખ્યામાં ચંદ્રકો જીતી શકે એમ છે.
ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતીય મેન્સ ટીમ શ્રેયસ ઐયરના નેતૃત્વમાં અને વિમેન્સ ટીમ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભાગ લેશે. આ બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ આવવાની પાક્કી સંભાવના છે.
એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે આ વખતે ઍથ્લીટો પસંદ કરવાની સિલેક્શન કમિટીની પ્રક્રિયા થોડી વિવાદાસ્પદ રહી છે. ભારતથી 503 ઍથ્લીટો-ખેલાડીઓ જાપાન જઈ રહ્યા છે, પરંતુ જિમ્નેસ્ટિક્સ અને કરાટે જેવી રમતોના સિલેક્શનની બાબતમાં સવાલ કરવામાં આવ્યા છે. સિલેક્શનને લગતા માપદંડ જેટલા કઠોર હોય એટલી જ એની પ્રક્રિયા પારદર્શક તથા યોગ્ય હોવી જરૂરી છે.
ખરેખર તો એશિયન રમતોમાં ભારતનો સૌથી મોટો મુકાબલો પોતાની સાથે જ છે એમ કહી શકાય. જો આ વખતે ભારત ચંદ્રકો જીતવામાં 100નો આંકડો પાર નહીં કરે તો આપણી એ સંભાવનાઓને ઝટકો લાગશે જેમાં આપણે સતતપણે સૌથી શક્તિશાળી (સૌથી વધુ મેડલ જીતનાર દેશ) બનવાનું સપનું જોઈ રહ્યા છીએ.