Tue Oct 06 2026

Logo

રામના પાત્ર માટે રણબીર કપૂરની જ પસંદગી કેમ થઈ? નેવુંના દાયકાના 'રામ' અરુણ ગોવિલે જણાવી ખાસ વાત

2026-09-29 16:29:54
Author: Mumbai Samachar Team
રામના પાત્ર માટે રણબીર કપૂરની જ પસંદગી કેમ થઈ? નેવુંના દાયકાના 'રામ' અરુણ ગોવિલે જણાવી ખાસ વાત

મુંબઈઃ બોલીવુડ એક્ટર રણબીર કપૂરના 44માં બર્થ-ડેના અવસર પર મેકર્સે 'રામાયણ' સ્ટાર કાસ્ટનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં અરુણ ગોવિલ, સાઈ પલ્લવી, નમિત મલ્હોત્રા, નિતેશ તિવારીથી લઈને અન્ય સ્ટાર્સ ફિલ્મને લઈને વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં અરુણ ગોવિલે રણબીર કપૂરના ભગવાન શ્રીરામના પાત્ર ભજવવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. 

અરુણ ગોવિલે રણબીરને આ રોલ માટે શ્રેષ્ઠ પસંદગી હોવાનું જણાવ્યું હતું. રણબીર વિશે વાત કરતા બીટીએસમાં અરુણ ગોવિલે કહ્યું, 'હું જે વિચારતો હતો કે રામ આવી રીતે ચાલતા હશે, બેસતા હશે, દેખાતા હશે, વાત કરતા હશે, તો આ બાબતો મેં તેનામાં જોઈ છે.' 

રણબીર કપૂર વિશે શું કહ્યું અરુણ ગોવિલે ?
તેમણે કહ્યું કે, 'આજે જેટલા પણ યંગ સ્ટાર્સ અવેલેબલ છે, તેમાં રણબીર કપૂર ભગવાન રામનું પાત્ર ભજવવાના સૌથી નજીક છે.' અરુણ ગોવિલ પોતે પ્રભુ રામનું પાત્ર ભજવી ચુક્યા છે. રામાનંદ સાગરની ફિલ્મ 'રામાયણ'માં તે સૌથી વધારે રામના રોલમાં ફેમસ થયા હતા અને અત્યાર સુધીમાં આ રોલ માટે ભરપૂર પ્રેમ મળ્યો છે. 

રામાયણમાં અરુણ ગોવિલનું પાત્ર
'રામાયણ' ફિલ્મમાં રણબીર કપૂર સાથે અરુણ ગોવિલ પણ છે. તે રામના પિતા દશરથના રોલમાં જોવા મળશે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક્ટર રણબીર કપૂર, અરુણ ગોવિલને પગે લાગે છે. ફિલ્મમાં રણબીર કપૂર ડબલ રોલમાં છે. રામના પાત્ર સિવાય ભગવાન પરશુરામના રોલમાં પણ છે. 

ફિલ્મ વિશે 
મહાકાવ્ય 'રામાયણ'ને મોટા પડદે લાવવા માટે નમિત મલ્હોત્રાએ મેગા બજેટ ખર્ચ કર્યો છે. નિતેશ તિવારીના ડાયરેકશનમાં બનેલી ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસરે આવી રહી છે જેમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, રોકિંગ સ્ટાર યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૯૦ના દાયકામાં પ્રેમાનંદ સાગરના ધારાવાહિક રામાયણમાં ગોવિલે પ્રભુ શ્રી રામની ભૂમિકા ભજવી હતી. અને એક સમય એવો પણ આવ્યો હતો કે લોકો રામાયણ ટીવી પર શરુ થાય ત્યારે આરતીની થાળી અને અગરબત્તીઓ પણ ટીવીની સામે રાખીને તેમનું પૂજન કરતા હતા. તેની સાથે જ અનેક ચાહકો તો તેમને સામે મળે ત્યારે પણ ભગવાન માની પગે પડવા લાગ્યા હતા.