Tue Oct 06 2026

Logo

એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ, નીરુએ મહિલા ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યા ઈતિહાસ

Nagoya   2026-09-29 11:44:00
Author: Mayur Patel
એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ, નીરુએ મહિલા ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યા ઈતિહાસ

નાગોયાઃ જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન યથાવત રહ્યું હતું. એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. નીરુ ઢાંડાએ મહિલા ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે.

હરિયાણાની 26 વર્ષીય નિશાનેબાજે એશિયન ગેમ્સની મહિલા ટ્રેપ વ્યક્તિગત સ્પર્ધામાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આટલું જ નહીં, નીરુએ 28 ના સ્કોર સાથે નવો એશિયન રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. નીરુના ગોલ્ડન પ્રદર્શન પહેલાં ભારતે મહિલા ટ્રેપ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. એટલે કે એક જ દિવસમાં નીરુએ પહેલાં ટીમને પોડિયમ સુધી પહોંચાડી અને ત્યારબાદ વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

નીરુ માટે આ વર્ષ સતત મોટી સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. જુલાઈમાં ઇટાલીમાં યોજાયેલા શોટગન વર્લ્ડ કપમાં તે ટ્રેપ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. હવે એશિયન ગેમ્સમાં પણ તેણે ભારતના શૂટિંગ ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરી દીધો. 28 ના સ્કોર સાથે નીરુએ 24 ના જૂના એશિયન રેકોર્ડને પાછળ રાખ્યો હતો. નિશાન પરની તેની સચોટતાએ તેને માત્ર ગોલ્ડ જ નથી અપાવ્યો, પરંતુ સ્પર્ધાના રેકોર્ડ બુકમાં પણ સ્થાન અપાવ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બર સુધીમાં એશિયન ગેમ્સમાં ભારતે 4 ગોલ્ડ, 20 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 45 મેડલ જીત્યા હતા. આ સાથે ભારત મેડલ ટેલીમાં 12 ક્રમ પર હતું.