Tue Oct 06 2026

Logo

વરસામેડીમાં સગા પિતાએ 14 વર્ષીય સગીર પુત્રીને ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યું: સાથ આપનારી માતા સહિત બંનેની ધરપકડ

2026-10-04 13:06:00
Author: Mumbai Samachar Team
વરસામેડીમાં સગા પિતાએ 14 વર્ષીય સગીર પુત્રીને ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યું: સાથ આપનારી માતા સહિત બંનેની ધરપકડ

ભુજ: પુત્ર કપાતર થાય પણ માવતર કમાવતર ન થાય તેવી લોકોક્તિને લાંછન લગાવતી અત્યંત ધૃણાસ્પદ ઘટના પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં સામે આવી છે. જેમાં કથિત રીતે નરાધમ પિતાએ પોતાની જ 14 વર્ષીય સગીર પુત્રીને ત્રણ દિવસ સુધી ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ શરમજનક કૃત્યમાં પુત્રીને બચાવવાને બદલે સાથ આપનારી સગી માતાએ પીડિતાની નગ્ન તસવીરો પણ ખેંચી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે.

અંજાર પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, વરસામેડી સીમમાં ગત તારીખ 14 સપ્ટેમ્બરથી તારીખ 02 ઓક્ટોબર દરમિયાન આ અમાનવીય અત્યાચાર આચરવામાં આવ્યો હતો. ભોગ બનનાર 14 વર્ષીય કિશોરી પોતાના એક મિત્ર સાથે વાતચીત કરતી હોવાની બાબતનું મનદુઃખ રાખી આરોપી પિતાએ તેની સાથે તકરાર કરી હતી. ત્યારબાદ પિતાએ સગીરાને ઘરમાં ત્રણ દિવસ સુધી ગોંધી રાખી હતી.

દીકરીને બચાવવાને બદલે માતા નરાધમી પિતાને સાથ આપ્યો

આ સમયગાળા દરમિયાન આરોપી પિતાએ કિશોરીના વસ્ત્રો ઉતારી તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કમકમાટીભર્યા બનાવ વખતે કિશોરીની સગી માતા પણ ત્યાં જ હાજર હતી અને તેણે દીકરીને બચાવવાને બદલે પીડિતાની નગ્ન તસવીરો પાડીને ગુનાહિત કૃત્યમાં પૂરો સાથ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ આઘાતજનક ઘટના સંદર્ભે અંજાર પોલીસે પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ આકરી કલમો હેઠળ વિધિવત્ ગુનો દાખલ કર્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પુત્રી પર અત્યાચાર ગુજારનાર નરાધમ પિતા તેમજ તેમાં સાથ આપનારી માતા બંનેની ધરપકડ કરી આગળની સઘન કાનૂની તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)