બોલીવૂડના મેગાસ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે તેમના લોકપ્રિય ટેલિવિઝન ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati)ના સેટ પર શૂટિંગ દરમિયાન એક નાની દુર્ઘટના ઘટી છે. સેટ પર ચાલતી વખતે અચાનક સંતુલન ગુમાવી દેતા તેઓ લપસી પડ્યા હતા, જેના કારણે તેમના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ વાતની જાણકારી ખુદ બિગ બીએ બ્લોગ પર પોસ્ટ કરીને આપી હતી.
આ ઘટના બાદ શોના મેડિકલ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેમની પ્રાથમિક સારવાર કરી હતી. બિગ બીએ પોતે પોતાના સત્તાવાર બ્લોગ દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરીને ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપી છે અને ચિંતા ન કરવાની અપીલ કરી છે.
વાત કરીએ આ દુર્ઘટના કઈ રીતે બની એની તો સેટ પર શૂટિંગના એક સિક્વન્સ દરમિયાન કેમેરા તરફ આગળ વધતી વખતે અમિતાભ બચ્ચનનો પગ અચાનક લપસી ગયો હતો. જેના કારણે તેઓ ફ્લોર પર પડી ગયા હતા અને તેમના ઘૂંટણ પર સીધો આંચકો આવ્યો હતો. સેટ પર હાજર પ્રોડક્શન ટીમ અને ડોક્ટર્સે તેમને તાત્કાલિક સહારો આપીને બેસાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં કોઈ ગંભીર ફ્રેક્ચર ન હોવાનું સામે આવ્યું હતું, પરંતુ સોજો અને દુખાવો હોવાથી આઈસ પેક (બરફનો શેક) અને પેઈન રિલીફ સારવાર આપવામાં આવી હતી.
અમિતાભ બચ્ચને બ્લોગમાં શું લખ્યું?
બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, ઉંમરની સાથે શરીર ક્યારેક સાથ છોડી દે છે, પરંતુ કાર્ય પ્રત્યેનું સમર્પણ અકબંધ રહે છે. સેટ પર ચાલતી વખતે પગ લપસ્યો અને ઘૂંટણ અથડાયો, જેના કારણે થોડો દુખાવો અને સોજો આવ્યો છે. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું કે ડોક્ટરોએ તેમને થોડા દિવસ આરામ કરવાની અને ઘૂંટણ પર વધુ ભાર ન આપવાની સલાહ આપી છે. જોકે, તેમણે પોતાના નિર્ધારિત વર્ક કમિટમેન્ટ્સ અને શૂટિંગ શિડ્યુલને ખોરંભે ન પાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન 80 વર્ષથી વધુની વયે પણ દરરોજ 12થી 14 કલાક સક્રિય રહેતા અમિતાભ બચ્ચનની ઈજાના સમાચાર મળતાં જ બોલીવૂડ ઈન્ડસ્ટ્રી અને તેમના કરોડો ફેન્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સોશિયલ મીડિયા પર ચાહકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે અને તેમને પૂરતો આરામ લેવાની વિનંતી કરી રહ્યા છે.