Mon Oct 05 2026

Logo

અમદાવાદમાં વહેલી સવારે રો-હાઉસમાં ભીષણ આગ: પિતા-પુત્રના કરૂણ મોત

2026-02-24 13:55:00
Author: Tejas Rajpara
અમદાવાદમાં વહેલી સવારે રો-હાઉસમાં ભીષણ આગ: પિતા-પુત્રના કરૂણ મોત

અમદાવાદ: શહેર ફરી એકવાર અગ્નિકાંડની ઘટનાથી ધ્રૂજી ઉઠ્યું છે. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગરી સોસાયટીમાં વહેલી સવારે એક રો-હાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આકસ્મિક દુર્ઘટનાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. આગ એટલી ઝડપથી પ્રસરી કે ઘરમાં રહેલા સભ્યોને બહાર નીકળવાની તક પણ ન મળી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.

કૃષ્ણનગરી રો-હાઉસના મકાન નંબર 4માં લાગેલી આ આગમાં 39 વર્ષીય ધ્રુવ ગોહિલ અને તેમના માત્ર 9 વર્ષના માસૂમ પુત્ર શાશ્વત ગોહિલનું ગંભીર રીતે દાઝી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. ઘટના સમયે પરિવાર ગાઢ નિદ્રામાં હતો, ત્યારે અચાનક ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓએ ઘરને લપેટમાં લીધું હતું. આ દુર્ઘટનામાં પિતા-પુત્રને બચાવવા જતાં માતા મિતલબેન પણ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આગની જાણ થતા જ સ્થાનિક લોકોએ તુરંત કંટ્રોલ રૂમને જાણ કરી હતી, જેના પગલે ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પિતા અને પુત્રએ દમ તોડી દીધો હતો. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘરની અંદર ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. સત્ય શું છે તે જાણવા માટે પોલીસ અને ફાયર વિભાગે એફએસએલ (FSL) ની ટીમની મદદ લીધી છે. રહેણાંક વિસ્તારોમાં વારંવાર બનતી આવી ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા અને ફાયર સેફ્ટીના સાધનોની અનિવાર્યતા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.