અમદાવાદઃ દેશભરમાં 3BHK ખરીદવાની રેસમાં અમદાવાદ મોખરે છે. શહેરમાં 57 ટકા ઘર ખરીદનારાઓ 3BHK પસંદ કરે છે, જે 48% ના રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણું વધારે અને મોટા મેટ્રો શહેરોથી આગળ હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર 3BHK ઘરોની પસંદગીમાં અમદાવાદ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે, જ્યાં 57 ટકા ઘર ખરીદનારાઓ આ કન્ફિગરેશન પસંદ કરી રહ્યા છે. આ આંકડો 48 ટકાના રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે છે.
સર્વે મુજબ, ચેન્નાઈ 53 ટકા સાથે બીજા ક્રમે છે, જ્યારે હૈદરાબાદ અને દિલ્હી-NCR પ્રત્યેકમાં 52 ટકા નોંધાયું છે. પુણેમાં 47 ટકા, બેંગલુરુ અને કોલકાતામાં 46 ટકા, જ્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં 3BHK માટે સૌથી ઓછી 38 ટકા પસંદગી નોંધાઈ હતી, જ્યાં નાના 2BHK અને 1BHK ઘરોનું ચલણ હજુ પણ યથાવત છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મોટા ઘરો માટેની આ પસંદગી મોટાભાગના મુખ્ય બજારોમાં જોવા મળી રહી છે. જોકે દરેક શહેરમાં તેનું પ્રમાણ અલગ છે, જેમાં અમદાવાદ 57 ટકા સાથે 3BHK ઘરો માટે સૌથી વધુ પસંદગી ધરાવે છે. H1 2026 ના તારણો સ્પષ્ટપણે દર્શાવે છે કે હાઉસિંગની માંગ સતત પ્રીમિયમાઇઝેશન તરફ આગળ વધી રહી છે. 3BHK માટેની મજબૂત પસંદગી, ઊંચા બજેટ સેગમેન્ટ અને 4BHK કે તેથી મોટા ઘરોમાં વધતી રુચિ સૂચવે છે કે કિંમતો વધુ હોવા છતાં ખરીદદારો સ્પેસ અને ગુણવત્તાને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ ઉપરાંત સૂત્રોએ કહ્યું કે, મહત્વની વાત એ છે કે આ ટ્રેન્ડ એન્ડ-યુઝર્સનો છે. જે દર્શાવે છે કે મોટા ઘરોને માત્ર પ્રીમિયમ ખરીદી તરીકે નહીં, પરંતુ લાંબા ગાળાની જીવનશૈલી અને વેલ્યુ પ્રપોઝિશન તરીકે જોવામાં આવી રહ્યા છે.
મોટા ઘરો, મોટું બજેટ
ઊંચા બજેટ સેગમેન્ટ પણ ખરીદદારોને આકર્ષી રહ્યા છે. અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં રૂ. 90 લાખથી રૂ.1.50 કરોડનો બ્રેકેટ સૌથી વધુ પસંદગીનો ભાવ સેગમેન્ટ બન્યો છે, જે 34 ટકા ખરીદદારોની પસંદગી ધરાવે છે. અન્ય 27 ટકા લોકો રૂ.1.5 કરોડથી વધુ કિંમતના લક્ઝરી યુનિટ્સ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે.
ભાવવધારો ખરીદદારોની કસોટી કરે છે
અમદાવાદીઓ અને દેશભરના ખરીદદારો મોટા ઘરો શોધી રહ્યા છે, પરંતુ 65 ટકા ઉત્તરદાતાઓ ભાવવધારા અંગે સામાન્યથી મધ્યમ ચિંતિત છે, જ્યારે 40 ટકા લોકો મોંઘવારીને લાંબા ગાળાના વલણ તરીકે જુએ છે. કિંમતોની ચિંતા છતાં, 44 ટકા ખરીદદારો ખરીદીની પ્રક્રિયા આગળ વધારી રહ્યા છે. સર્વે અનુસાર, માત્ર 18 ટકા લોકો ખરીદી રદ કરવા અથવા અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવાની યોજના ધરાવે છે, જ્યારે 38 ટકા લોકો તેને થોડા સમય માટે પાછી ઠેલી શકે છે.
31 ટકા લોકો કામચલાઉ ધોરણે ભાડે રહેવા તરફ વળ્યા
બજેટની મર્યાદા ખરીદદારોને અન્ય વિકલ્પો વિચારવા મજબૂર કરી રહી છે. લગભગ 31 ટકા લોકો કામચલાઉ ધોરણે ભાડે રહેવા તરફ વળી રહ્યા છે, જ્યારે 20 ટકા લોકો પોતાના બજેટમાં રહેવા માટે શહેરના બહારના (પેરિફેરલ) વિસ્તારો તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અમદાવાદ માટે પણ આ બાબત એટલી જ સાચી છે, જ્યાં લોકો ભાડે રહેવા માટે શીલજ, ઘુમા, સાઉથ બોપલ, ગોતા, ઝુંડાલ, વૈષ્ણોદેવી સર્કલ અને ત્રાગડ જેવા નવા વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે.
નવા પ્રોજેક્ટ્સ 34 ટકા ખરીદદારોની પ્રથમ પસંદગી
રેડી-ટુ-મૂવ ઘરોની સરખામણીએ નવા પ્રોજેક્ટ્સ 34 ટકા ખરીદદારોની પસંદગી ધરાવે છે. આવા પ્રોજેક્ટ્સની પસંદગી કરતી વખતે 48 ટકા ખરીદદારો બિલ્ડરનો પાછલો સારો રેકોર્ડ, ગ્રાહકોના રિવ્યુ અને સમયસર ડિલિવરીને પ્રાથમિકતા આપે છે.