અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પાસે ફરી એક વખત અકસ્માત થયો ગતો. ગત મોડી રાત્રે બેકાબુ બનેલી કારે ત્રણ કારને ટક્કર મારી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. અકસ્માતમાં કાર ચાલકને ઈજા થઈ હોવાથી તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી તેને પકડવાના ચક્રો ગતિમાન કરાયા હતા.
અમદાવાદના અકસ્માત ઝોન ગણાતા ઇસ્કોન બ્રિજ પાસે ફરી એકવાર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ચક્કર ખાઈ ગઈ હતી અને સર્વિસ રોડ પર પાર્ક કરેલી લક્ઝુરિયસ BMW સહિત કુલ ત્રણ ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક ટક્કરમાં ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. સમગ્ર અકસ્માતના રૂંવાડા ઊભા કરી દેતા દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત સર્જનાર કારચાલક અમરાઈવાડી વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે પોતાના મિત્ર પાસેથી આ ફોર-વ્હીલર કાર લઈને નીકળ્યો હતો અને કારમાં કુલ 6 લોકો સવાર હતા. પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન બ્રિજ તરફ આગળ વધતી વખતે તેણે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે પહેલાં સર્વિસ રોડ પર ઊભેલી ઈનોવા કાર સાથે જોરથી અથડાઈ હતી. આ ટક્કરથી ઈનોવા આગળ પડેલી i20 સાથે ભટકાઈ હતી અને ત્યારબાદ સ્વિફ્ટ કાર રિવર્સ થઈને ત્યાં ઊભેલી BMW કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત સમયે BMW કારની અંદર ચાલક બેઠેલો હતો, પરંતુ સદનસીબે તે ચમત્કારિક બચાવ સાથે હેમખેમ રહ્યો હતો. અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વીડિયોમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત કરી હતી.
ઘટનાની જાણ થતાં જ એસજી-2 ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. એસ.જી. હાઈવે પર વારંવાર બનતી આ પ્રકારની ઓવર સ્પીડિંગની ઘટનાઓને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાયદાના ખોફ વિના નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકતા આવા નબીરાઓ સામે પોલીસ ક્યારે દાખલારૂપ અને કડક પગલાં ભરશે તેવા સવાલો ઊઠી રહ્યા છે. હાલ ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.