અમદાવાદઃ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી હંસપુરા ગલીઓમાં બહારથી એકદમ સામાન્ય દેખાતી દુકાન પાછળ એક મોટું સાયબર ક્રાઈમ નેટવર્ક ધમધમી રહ્યું હતું. આ નાનકડી જગ્યા પરથી અમેરિકી નાગરિકોના બેંક ખાતાઓ ખાલી કરવાનું મસમોટું કૌભાંડ ચાલતું હતું. જોકે, નરોડા પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને આ બનાવટી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે અને બે યુવતીઓ સહિત કુલ સાત આરોપીઓની અટકાયત કરી છે.
નરોડામાં આવેલા સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો
પોલીસની તપાસ પ્રમાણે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જીગ્નેશ ઝાલાહર નામનો શખ્સ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપીઓ પાસે અમેરિકી નાગરિકોનો પર્સનલ ડેટા અને ઈમેઈલ આઈડી ઉપલબ્ધ હતા. આરોપીઓ અમેરિકન બેંકોના લીગલ એડવાઈઝર કે વકીલ બનીને વિદેશી નાગરિકોને બલ્ક ઈમેઈલ મોકલતા હતા.
ઈમેઈલમાં લોનના વ્યાજદર ઘટાડવા અને સસ્તામાં લોન સેટલમેન્ટ કરાવી આપવાની લોભામણી ઓફરો આપવામાં આવતી હતી. જ્યારે પણ કોઈ વિદેશી નાગરિક આ ઈમેઈલની જાળમાં ફસાતો, ત્યારે જીગ્નેશ પોતે તેની સાથે વાતચીત કરી વિશ્વાસમાં લેતો હતો. ત્યારબાદ લોન પ્રોસેસિંગના નામે તેમના ક્રેડિટ કાર્ડની તમામ ગોપનીય વિગતો મેળવી લેવામાં આવતી હતી.
ઠગાઈના રૂપિયા બિટકોઈન સ્વરૂપે ટ્રાન્સફર કરવામાં આવતા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ક્રેડિટ કાર્ડની માહિતી મળતાં જ આરોપીઓ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રૂપ મારફતે આ ડેટા થર્ડ-પાર્ટી વેન્ડર્સને ટ્રાન્સફર કરી દેતા હતા. ત્યાંથી અમેરિકી નાગરિકોના ખાતામાંથી સીધા ડોલર ઉપાડી લેવામાં આવતા હતાં. ઠગાઈની આ રકમ ભારતમાં લાવવા માટે આરોપીઓએ અત્યંત ચાલાકીપૂર્વક ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કર્યો હતો. ચોરી કરેલા નાણાં જીગ્નેશના ક્રિપ્ટો વોલેટમાં બિટકોઈન સ્વરૂપે ટ્રાન્સફર કરવામાં આવતા હતા. બાદમાં આ બિટકોઈનને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી આંગડિયા પેઢી મારફતે કેશ મેળવી લેવાતા હતા.
પોલીસે 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, દરોડા દરમિયાન નરોડા પોલીસે ઘટનાસ્થળેથી 7 લેપટોપ, 8 મોબાઈલ ફોન અને રૂપિયા 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બોગસ કોલ સેન્ટર છેલ્લા 5 થી 6 મહિનાથી કાર્યરત હતું અને તેમાં કામ કરતા કર્મચારીઓને માસિક 10,000 રૂપિયા પગાર આપવામાં આવતો હતો. આરોપીઓને અમેરિકી નાગરિકોનો ગુપ્ત ડેટા ક્યાંથી મળ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારો જોડાયેલા છે, તે મામલે અત્યારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.