Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં મહિલા પ્રોફેસર-પતિને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 11.47 કરોડની ઠગાઈ કરનાર બે માસ્ટરમાઈન્ડ ઝડપાયા

2026-09-27 22:50:48
Author: Devayat Khatana
અમદાવાદમાં મહિલા પ્રોફેસર-પતિને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 11.47 કરોડની ઠગાઈ કરનાર બે માસ્ટરમાઈન્ડ ઝડપાયા

અમદાવાદઃ દિલ્હી સીબીઆઈના અધિકારીઓએ અમદાવાદમાં એક મહિલા પ્રોફેસર અને તેમનાં પતિને ત્રણ મહિના ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. 11.47 કરોડની રકમ મેળવી લેવાના દાખલ થયેલા ગુનાની તપાસ કરીને દેશભરમાં દરોડા પાડીને માસ્ટર માઈન્ડ ગણાતા હિમાંશુ પ્રસાદ અને ઉનીશ વિશ્વાસની ધરપકડ કરી હતી. સીબીઆઇએ અગાઉ પણ ગાંધીનગરની મહિલા પ્રોફેસરના રૂ. 19.78 કરોડના સૌથી મોટા ફ્રોડ કેસમાં કર્ણાટક અને હરિયાણાના જ્યોતિ રાણી રાજા કર્માકર અને આકાશ નામના શખ્સની ધરપકડ કરી હતી.

ગુજરાતના સૌથી મોટા કહી શકાય તેવા ડિજિટલ એરેસ્ટના કેસ પોલીસ તંત્ર દ્વારા દિલ્હી સીબીઆઇના હેડ ક્વાર્ટરને સોંપી દેવામાં આવ્યા છે અને તમામ કેસોની તપાસ સુપ્રીમ કોર્ટના આદેશથી સીબીઆઇએ ઝડપી બનાવી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જાણીતી કોલેજના મહિલા પ્રોફેસર અને તેમનાં પતિને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ.11.47 કરોડ આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર લીંક હોવાથી મહિલાની ડીટેલ મેળવી લેવાઈ હતી. ત્યારબાદ એપીકે ફાઇલની મદદથી સીબીઆઇ ટેલીફોન કંપની અને જુદી જુદી સરકારી કચેરીઓના અધિકારીઓ હોવાનો દાવો કરીને વૉટ્સ એપ કોલ અને ચેટ્સ પર એકાઉન્ટ નંબર આપીને મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી.

બંને આરોપીઓ હિમાંશુ પ્રસાદ અને ઉનીશ વિશ્વાસ હેક્સા ક્વેસ્ટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા અને આ જ એકાઉન્ટ નંબર આપીને રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. આ રીતે ડિજિટલ એરેસ્ટ કરીને  કરોડો રૂપિયા ની રકમની સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને વધુ બે માસ્ટરમાઈન્ડની ધરપકડ કરાઈ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

નવરંગપુરાની જાણીતી કોલેજનાં મહિલા પ્રોફેસર અને તેમનાં પતિને ડિજિટલ એરેસ્ટ કરવાના કેસમાં પોલીસે અગાઉ કશ્યપ બેલાણી દિનેશ લીંબાચીયા ધવલ મેવાડાની ધરપકડ કરી હતી. માત્ર ગુજરાતના જ ડિજિટલ કેશની રકમ રૂ. 50 કરોડ અંદાજિત થાય છે. જેમાં ગાંધીનગર અને અમદાવાદ ના બંને મહિલા સિનિયર સિટીઝનના કેસ સૌથી મોટા માનવામાં આવે છે.