અમદાવાદઃ શહેરના કસ્ટમ વિભાગે અંદાજે 200 કિલોગ્રામથી વધારેનો હાઇબ્રીડ ગાંજો અને હેરોઈનનો જથ્થો હવે નાશ કરશે એટલું જ નહીં, કસ્ટમના એરકાર્ગો અને ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા પ્રતિબંધિત 230 જેટલા સેક્સ ટોયઝ અને 45થી વધારે ડ્રોનનો પણ નિકાલ કરશે. કસ્ટમના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ઓક્ટોબર 2023થી માર્ચ 2025 દરમિયાન અમદાવાદ એરપોર્ટ ,ફોરેન પોસ્ટ ઓફિસ, અને સુરત એરપોર્ટ પર પેસેન્જર દ્વારા બેગેજની અંદર ગાંજાની તેમજ હેરોઇનની હેરાફેરી કરતા પેસેન્જરની ધરપકડ કરીને અંદાજે રૂ. 250 કરોડના નશાકારક પદાર્થનો હવે નાશ કરવામાં આવશે.
મોટા ભાગે 8 થી 15 કિલો હાઇબ્રીડ ગાંજો લઈને આવનાર પેસેન્જરની સંખ્યા વધારે છે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 16 કરોડના હેરોઇન સાથે પણ પેસેન્જરની ધરપકડ કરાઈ હતી અને હવે આ પ્રકારના કેસોમાં કસ્ટમની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. કસ્ટમની તાજેતરમાં મળેલી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની બેઠક બાદ જરૂરી કાર્યવાહી કરીને આ નશાકારક પદાર્થોનો નાશ કરવામાં આવશે. આ સાથે સાથે અમદાવાદમાં શાહીબાગ વિસ્તારના ગીરધર નગર માં આવેલી કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાં પણ વિદેશથી આવતા પાર્સલોમાં પ્રતિબંધિત ડ્રોન તેમજ પ્રતિબંધિત સેક્સ ટોયઝ પણ આવતા હોય છે.
આ પ્રકારે છેલ્લા એક વર્ષમાં એટલે કે અત્યાર સુધી આવેલા પ્રતિબંધિત ડ્રોન અને ટોઈઝનો પણ નિકાલ કરવામાં આવશે. ખાસ કરીને કસ્ટમ દ્વારા પકડવામાં આવેલા 45 થી વધારેના હાઈ ફ્રીક્વન્સીવાળા ડ્રોન મુંબઈ એરપોર્ટ પર આવેલી કસ્ટમની ઓફિસ ખાતે જમા કરી દેવામાં આવ્યા છે અને ત્યાંથી સ્ટેટ અને સેન્ટ્રલ લેવલની એજન્સીઓને જરૂરિયાત પ્રમાણે આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે 38 પાર્સલમાં 45થી વધારે ડ્રોન આવી ગયા હતા, જે ઈમ્પોર્ટ કરી શકાતા નથી.
મહિલાઓ મોટા પ્રમાણમાં મંગાવે છે સેક્સટોયઝ
કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવતા પાર્સલોમાં સેક્સ ટોઇઝ વધારે આવતા હોય છે, જે અંદાજે 230 જેટલા પકડાયા છે આ પ્રકારના એડલ્ટ સેક્સ ટોઇસ કસ્ટમ એક્ટ 1962 ની સેક્શન 11 હેઠળ સરકાર હસ્તક જમા લેવામાં આવ્યા છે. આ પ્રકારના ટોઇઝ ઓનલાઈન મંગાવવામાં આવતા હોય છે. ખાસ કરીને વિયેતનામ, ઈન્ડોનેશિયા અને મેક્સિકોથી આવતા હોય છે. મોટાભાગના ટ્રેડર્સ વિયેતનામ અને ઈન્ડોનેશિયામાં હોવાને કારણે અન્ય દેશોમાંથી 15,000 થી 1 લાખ રૂપિયા સુધીના ઓનલાઇન બુકિંગ કરાવીને મંગાવે છે, પરંતુ કસ્ટમના કાયદા જાણતા નહીં હોવાને કારણે પાર્સલો આવી રીતે ફોરેન પોસ્ટ ઓફિસમાં આવી જતા હોય છે.
કસ્ટમ દ્વારા વેરિફિકેશન કરવામાં આવે ત્યારે મોટાભાગના નામ અને સરનામા ખોટા હોય છે અને ડીલીવરી પણ લેવામાં આવતી હોતી નથી. હકીકતમાં આ પ્રકારના ટોઇઝ વિદેશથી મંગાવી શકાતા નથી, જેથી હવે તેને સ્ક્રેપ કરી દેવામાં આવશે. હજુ પણ મહિને- બે મહિને ડ્રોન અને સેક્સ ટોઇઝના પાર્સલો આવતા જ હોય છે. જાણકાર સૂત્રોનું કહેવું છે કે મોટાભાગે આ પ્રકારના પાર્સલ મંગાવનારમાં મહિલાઓ અને પીજીમાં રહેતી યુવતીઓ વિદેશથી ઓનલાઇન પાર્સલ મંગાવતા હોય છે, પરંતુ તેમાં નામ અને સરનામા ખોટા હોય છે. એટલું જ નહીં જ્યારે ઓર્ડર આપવામાં આવે ત્યારે કેટલીકવાર બોડી મસાજર મંગાવ્યું છે તેવું કહેવામાં આવતું હોય છે.
હકીકતમાં આ પ્રકારના એડલ્ટ સેક્સ ટોઇઝની સાથે બેટરી અને ચાર્જર પણ સાથે આવતા હોય છે, જેથી કસ્ટમ આ પ્રકારના આવતા પાર્સલોની તપાસ કરી રહ્યું છે કે કોઈ બોડી મસાજરના નામે પણ આવા ટોઈઝ કોઈ લાવી શકે નહીં. એક જાણકારી મુજબ માત્ર અમદાવાદમાં જ નહીં મુંબઈ, દિલ્હી, બેંગલોર, ચેન્નાઇ, કોલકત્તા, ચંદીગઢ સહિત રાજ્યમાં કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાં પાર્સલોની અંદર પણ બોડી મસાજરના નામે આવા સેક્સ ટોઇઝ કસ્ટમ વિભાગે અંદાજે સાડા ત્રણથી ચાર હજાર જેટલા પકડીને તેનો નાશ કર્યો છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
AI પ્રતીકાત્મક તસવીર