જૂનાગઢ: એન્ટિ કરપ્શન બ્યૂરોની આકરી કાર્યવાહી છતાં પણ અનેક અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હોવાના અનેક બનાવ મીડિયામાં નોંધાય ચૂક્યા છે. ત્યારે જૂનાગઢમાં આવો જ એક લાંચનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એસીબી (ACB) ની ટીમે લાંચ લેતા એક શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો છે. જુનાગઢના મધુરમ બાયપાસ વિસ્તારમાં રહેતા કરશનભાઈ સોલંકી નામના આરોપીએ ફરિયાદીના ભત્રીજા સામે ગૌચરમાં દબાણ કર્યા અંગે ટીડીઓ (TDO) કચેરીમાં અરજી કરી હતી.આ અરજી પાછી ખેંચી લેવા અને તલાટી કે ટીડીઓ કચેરી તરફથી કોઈ કાર્યવાહી ન થાય તે માટે આરોપીએ કુલ રૂ. 5,25,000 ની લાંચ માગી હતી.
જેમાંથી અગાઉ આરોપીએ રૂ. 25000 અને ત્યારબાદ રૂ. 1,50,000 એમ કુલ રૂ. 1,75,000 લીધા હતા અને બાકીના રૂ.3,50,000 આજરોજ આપવાનો વાયદો કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીમડા ચોક ખાતે આરોપીએ ફરિયાદી પાસેથી બાકીના રૂ. 3.50.000 ની લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલા અમદાવાદમાં ACB એ ભ્રષ્ટાચાર સામે વધુ એક સફળ ટ્રેપ ગોઠવીને સરકારી અધિકારીને રંગેહાથ ઝડપી પડ્યો હતો, અમદાવાદની પાલડી સબ પોસ્ટ ઓફિસમાં કાર્યરત મહિલા સબ પોસ્ટ માસ્ટર રૂપિયા 10,000 ની લાંચ સ્વીકારતા એ.સી.બી.ના છટકામાં ઝડપાઈ ગયા હતા. એસીબી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સબ પોસ્ટ ઓફિસ પાલડી ખાતેથી સબ પોસ્ટ માસ્ટર પલ્લવી ઉપાધ્યાયની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી. કેસની વાત કરવામાં આવે તો, આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિક છે. ફરિયાદીનો ટ્રાન્સફર ઓર્ડર એનડીસી પાર્સલ કચેરી ખાતે ન કરવા માટે આરોપી સબ પોસ્ટ માસ્ટર પલ્લવી ઉપાધ્યાયે શરૂઆતમાં રૂપિયા 30,000 ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી રકઝકના અંતે રૂપિયા 10,000 ની રકમ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સીધો અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ તથા તેમની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.