ભુજઃ કચ્છના વાગડ પંથકના રાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીતેલા પંદર દિવસ દરમિયાન નીલગાયનાં ૪૭ જેટલાં અસહાય અને ઘાયલ નવજાત બચ્ચાંનું સુરક્ષિત રેસ્ક્યુ કરી પાંજરાપોળમાં પહોંચાડવાની પ્રશંસનીય જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી છે. સ્થાનિક જીવદયાપ્રેમી જગુભા જાડેજા અને તેમની ટુકડી દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાનથી અનેક નવજાત વન્યજીવોને નવું જીવન મળ્યું છે.
હાલનો સમયગાળો નીલગાયનો પ્રજનનકાળ હોઈ, માદા નીલગાય સામાન્ય રીતે સીમ-વગડામાં જુવાર, બાજરી જેવા ઊંચા પાક કે ગીચ ઘાસ વચ્ચે બચ્ચાંને જન્મ આપતી હોય છે. જોકે, ચાલુ વર્ષે પૂરતા વરસાદના અભાવે ખેતરોમાં ઊભા પાકની અછત વર્તાઈ રહી છે. ઉપરાંત, વન વિસ્તારમાં ઝાડી-ઝાંખરા અને વૃક્ષોના નિકંદનને કારણે નીલગાય માટે બચ્ચાંને જન્મ આપવા તેમજ છુપાવવા માટેનાં કુદરતી આશ્રયસ્થાનો નોંધપાત્ર રીતે ઘટી ગયાં છે.
આ પ્રાકૃતિક સુવિધાઓના અભાવે નવજાત બચ્ચાં ભટકતાં શ્વાન અને શિયાળ જેવાં હિંસક પ્રાણીઓની ઝપટે ચડી જતાં ઘાયલ થાય છે. પોતાનો જીવ બચાવવા માટે આ બચ્ચાં ગ્રામીણ વિસ્તારો તરફ આવી ચડે છે. આવી ઘટનાઓની જાણ થતાં જ જગુભા જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચ્ચાંનું સુરક્ષિત રેસ્ક્યુ કરે છે.
બીજી તરફ, ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ખેતરોની ફરતે લગાવવામાં આવતા ઝટકા મશીનના વાયર પણ આ સમસ્યામાં વધારો કરી રહ્યા છે. વિદ્યુતપ્રવાહનો આંચકો લાગવાથી નીલગાય ભાન ભૂલીને પોતાના બચ્ચાંને સ્થળ પર મૂકીને ભાગી જતી હોય છે, જેના કારણે માતાથી વિખૂટાં પડેલાં બચ્ચાં વધુ અસહાય બની જાય છે.
વીતેલા ૧૫ દિવસ દરમ્યાન રેસ્ક્યુ કરાયેલાં તમામ ૪૭ નીલગાયના બચ્ચાંને રાપર પાંજરાપોળ ખાતે પહોંચાડી તેમની યોગ્ય સારવાર અને ઉત્કૃષ્ટ સારસંભાળની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માનવતાવાદી કાર્ય બદલ જીવદયાપ્રેમીઓએ રાપર પાંજરાપોળ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.
(ઉત્સવ વૈદ્ય)