અમદાવાદઃ ગુજરાતના એક માત્ર વાઘને લઈ સારા સમાચાર આવ્યા છે. રતનમહાલને વાઘના નિવાસસ્થાન તરીકે વિકસાવવામાં આવી શકે છે. નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ ના સભ્યો દ્વારા રતનમહાલની મુલાકાત લેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પખવાડિયામાં અહેવાલ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત-મધ્ય પ્રદેશનો બોર્ડર વિસ્તાર 11 વાઘને આશરો આપી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટીમ આગામી પખવાડિયામાં પોતાનો અંતિમ અહેવાલ સોંપે તેવી અપેક્ષા છે. વાઘ ગુજરાત-મધ્ય પ્રદેશની સરહદ સુધી વિસ્તરી શકે છે, જેનાથી માત્ર એક જ રાજ્ય પૂરતું મર્યાદિત રહેવાને બદલે એક મોટું સતત વસવાટ ક્ષેત્ર ઊભું થશે. સૂત્રો મુજબ જો આ વિસ્તારમાં યોગ્ય સંચાલન, શિકારની ઉપલબ્ધતા અને રક્ષણાત્મક પગલાં મજબૂત કરવામાં આવે તો આ વિસ્તાર સંભવિતપણે આશરે 11 વાઘને આશરો આપી શકે છે. આ વિસ્તારમાં આશરે 2500 પ્રાણીઓ શિકાર માટે ઉપલબ્ધ હોવાનો અંદાજ છે, જે વાઘની વસ્તી ટકી રહેવા અને પ્રજનન કરવા માટે એક નિર્ણાયક પરિબળ છે.
રતનમહાલમાં એક યુવાન નર વાઘ મધ્ય પ્રદેશમાંથી ગુજરાતમાં આવ્યો હોવાનું માનવામાં આવે છે, તેણે વારંવાર રતનમહાલના જંગલમાં લાગેલા કેમેરામાં કેદ થયો છે. ફેબ્રુઆરી 2025માં ગુજરાતમાં પહેલીવાર તેની સતત નોંધણી થઈ હતી, ત્યારથી કેમેરા ટ્રેપ અને ક્ષેત્રીય દેખરેખ દ્વારા આ વાઘ પર નજર રાખવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2026માં રાજ્યસભાને જણાવ્યું હતું કે આ વાઘ ફેબ્રુઆરી 2025 થી સતત રતનમહાલમાં જોવા મળ્યો છે. આ પ્રાણી ગુજરાત-મધ્ય પ્રદેશના વિસ્તારમાં સતત અવરજવર પણ કરી રહ્યું છે, જે બંને રાજ્યો વચ્ચે વનજીવ કોરિડોર જાળવવાનું મહત્વ દર્શાવે છે. તેની લાંબી હાજરીએ એક ભટકતા વાઘના દેખાવને સંરક્ષણની તકમાં પરિવર્તિત કરી દીધો છે.
અધિકૃત રેકોર્ડ પુષ્ટિ કરે છે કે ફેબ્રુઆરી ૨૦૨૫ થી આ વાઘ રતનમહાલમાં નિયમિતપણે જોવા મળ્યો છે. ગુજરાતે અગાઉથી જ સઘન દેખરેખ, શિકાર આધાર અને વસવાટ વ્યવસ્થાપન સહિતના પગલાં લીધાં છે.
ગુજરાત વાઘ માટે વાઘણ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે સરકાર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. વન અધિકારીઓએ કેમેરા-ટ્રેપ સર્વેલન્સ વધાર્યું છે, સુરક્ષા મજબૂત કરી છે, વસવાટ અને શિકાર વ્યવસ્થાપન પર કામ કર્યું છે અને ચિતલ તથા સાંભર જેવી શિકારની વધારાની પ્રજાતિઓ દાખલ કરી છે.
વાઘના સ્કેટ એનાલિસિસમાં સામે આવી હતી ચોંકાવનારી વિગત
ગુજરાતમાં એક વર્ષ કરતાં વધુ સમયથી વાઘે રતનમહાલના જંગલને પોતાનું ઘર બનાવ્યું છે. 120 ચોરસ કિમીના વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવનારા એકમાત્ર વાઘને લઈ હવે નવી માહિતી સામે આવી હતી. વાઘ સંપૂર્ણપણે જંગલી શિકારી સાબિત થઈ રહ્યો છે. તે માત્ર જંગલી પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છ અને માનવ વસાહતથી દૂર રહે છે.
વન વિભાગ દ્વારા કરવામાં આવેલા 'સ્કેટ એનાલિસિસ' (મળના નમૂનાનું પરીક્ષણ) મુજબ, આ વાઘના ખોરાકમાં મુખ્યત્વે હરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેના ખોરાકમાં નીલગાય અને જંગલી ભૂંડના અંશો પણ જોવા મળ્યા હતા. માનવ વસવાટ ધરાવતા વિસ્તારોની વચ્ચે રહીને પણ પશુપાલકોના ઢોરને નુકસાન પહોંચાડ્યા વગર વાઘ કેવી રીતે જીવી રહ્યો છે, તેની આ અભ્યાસમાં માહિતી મળી હતી.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એકત્ર કરાયેલા નમૂનાઓમાં વાઘના મળમાં ગાય-ભેંસ કે અન્ય પાલતુ પ્રાણીઓના કોઈ પુરાવા મળ્યા નથી. સૂત્રોએ જણાવ્યું કે, પશુઓના શિકારના કોઈ ચિહ્નો મળ્યા નથી. તમામ સંકેતો જંગલી શિકાર તરફ ઈશારો કરે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે વાઘ જાણીજોઈને ગામડાઓ અને પશુઓના ચરિયાણ વિસ્તારોથી દૂર રહે છે.
વાઘ માનવ વસાહતથી રહ્યો છે દૂર
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અભ્યાસનો હેતુ વાઘનો ખોરાક અને તેના વિસ્તારના ઉપયોગને સમજવાનો છે. તેમણે ઉમેર્યું કે, સ્કેટ એનાલિસિસ શિકારની પ્રજાતિઓને ઓળખવામાં મદદ કરશે, જ્યારે ફિલ્ડ ચિહ્નો દ્વારા અમે તેની હિલચાલ અને પ્રાદેશિક વર્તણૂકનો નકશો તૈયાર કરી શકીશું. અત્યાર સુધી આ વાઘ માનવ વસાહતથી દૂર રહ્યો છે અને કોઈ ગામમાં પ્રવેશ્યો નથી.
ગુજરાત માટે વાઘનું પુરાગમન ઐતિહાસિક છે. દાયકાઓ પહેલાં રાજ્યે તેની સ્થાપિત વાઘની વસ્તી ગુમાવી દીધી હતી. 2019માં મહીસાગરમાં જોવા મળેલો વાઘ માત્ર ટૂંકા સમય માટે જ જીવિત રહ્યો હતો, જેના કારણે હાલના વાઘનું રતનમહાલમાં લાંબા સમય સુધી રોકાવું વિશેષ મહત્વપૂર્ણ બની જાય છે.