Tue Oct 06 2026

Logo

અમેરિકામાં કરોડોનું ડ્રગ્સ-હવાલા નેટવર્ક પકડાયું, 10 પાટીદાર સામે સકંજો, જાણો વિગત

2026-09-15 09:43:00
Author: Mayur Patel
અમેરિકામાં કરોડોનું ડ્રગ્સ-હવાલા નેટવર્ક પકડાયું, 10  પાટીદાર સામે સકંજો, જાણો વિગત

અમદાવાદ/ પેન્સિલવેનિયા: મોટા પ્રમાણમાં ગુજરાતીઓ અમેરિકા સ્થાયી થયા છે. તે પૈકી કેટલાક કાળા કામ કરતાં પકડાય છે. અમેરિકામાં પોલીસે ડ્રગ્સ અને હવાલા નેટવર્કનો પર્દાફાશ કરીને 10 પાટીદારોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કરોડોનું કાળું નાણું ઝડપાયું હતું.

શું છે સમગ્ર મામલો

અમેરિકાના  પેન્સિલવેનિયા ખાતે ગેરકાયદે ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ અને ગાંજાના મોટા પાયે વેચાણ તેમજ લાખો ડૉલરના કથિત ગેરકાયદે નાણાંની હેરફેરના મામલે 10 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. પેન્સિલવેનિયાના એટર્ની જનરલની કચેરી અનુસાર, આ કથિત ડ્રગ-ટ્રાફિકિંગ નેટવર્કની તપાસ ડિસેમ્બર 2024માં શરૂ થઈ હતી.

આરોપીઓની ઓળખ ધર્મેશ પટેલ, મિતુલ પટેલ, અંકિત પટેલ, કેતન પટેલ, રોશની પટેલ, પલક પટેલ, દિવ્યેશ પટેલ, નીરવ પટેલ, માધવ પટેલ અને અલબીના પટેલ તરીકે થઈ છે. અધિકારીઓએ તેમની સામે ભ્રષ્ટ સંગઠન ચલાવવા, પ્રતિબંધિત પદાર્થોની સપ્લાય કરવા અને વેચાણના ઈરાદા સાથે જથ્થો રાખવા સહિતના ગુનાઓ નોંધ્યા છે.

કોર્ટના દસ્તાવેજો અને એટર્ની જનરલની કચેરી અનુસાર, આ જૂથ કથિત રીતે અનેક લિમિટેડ લાયબિલિટી કંપનીઓ દ્વારા કામ કરતું હતું. સમગ્ર પેન્સિલવેનિયામાં ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ પ્રોડક્ટ્સ સપ્લાય કરવા માટે વેસ્ટમોરલેન્ડ અને એલેગેની કાઉન્ટીઓના ગોડાઉનનો ઉપયોગ કરતું હતું. તપાસકર્તાઓએ જણાવ્યું કે આ ઉત્પાદનો સ્થાનિક વેપ શોપ્સ દ્વારા સપ્લાય કરવામાં આવતા હતા અને છેવટે સ્કૂલે જતા બાળકો સહિતના ગ્રાહકો સુધી પહોંચતા હતા.

તપાસમાં એક મોટા નાણાકીય નેટવર્કનો પણ પર્દાફાશ થયોહતો, જેના દ્વારા ડ્રગ્સના વેચાણમાંથી મળેલી રકમ વિવિધ બિઝનેસ સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે ફેરવવામાં આવતી હતી. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આરોપીઓ સાથે જોડાયેલી કંપનીઓના આશરે 37 નાણાકીય સંસ્થાઓમાં ખાતાઓ હતા. કોર્ટના દસ્તાવેજો મુજબ, જાન્યુઆરીથી મે 2025 દરમિયાન માત્ર એક જ ખાતામાંથી અંદાજે બે કરોડ ડૉલર (આશરે રૂ. 166 કરોડથી વધુ)ના વ્યવહારો નોંધાયા હતા.
 

સપ્ટેમ્બર 2025માં અધિકારીઓએ ગોડાઉનો પર દરોડા પાડીને ગેરકાયદે પદાર્થો ધરાવતી લગભગ 1.4 લાખ વસ્તુઓ જપ્ત કરી ત્યારે આ કૌભાંડની વિશાળતા સામે આવી હતી. માત્ર પ્લમ સ્થિત ગોડાઉનમાંથી જ આશરે 12 હજાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા સામાનમાં ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ યુક્ત ગમીઝ (ચોકલેટ/કેન્ડી), ગેરકાયદે વેપ પ્રોડક્ટ્સ અને ગાંજો સામેલ હતા.

કોર્ટના દસ્તાવેજો મુજબ, તપાસકર્તાઓએ એક અંડરકવર ઓપરેશન પણ હાથ ધર્યું હતું જેમાં ગોડાઉનમાંથી સીધી ખરીદી કરવામાં આવી હતી. તપાસ દર્શાવે છે કે કેટલાક ચોક્કસ સભ્યો ગોડાઉનની કામગીરી સંભાળતા હતા, જ્યારે સમગ્ર પેન્સિલવેનિયામાં પ્રોડક્ટ્સ પહોંચાડવા માટે ઘણા વાહનો અને અન્ય વ્યક્તિઓનો ઉપયોગ થતો હતો.

આ કેસથી અત્યંત નશીલા ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ ઉત્પાદનોના જોખમો પણ સામે આવ્યા હતા. તપાસ દરમિયાન વેસ્ટમોરલેન્ડ કાઉન્ટીની એક મહિલાએ ગ્રાન્ડ જ્યુરીને જણાવ્યું હતું કે સ્થાનિક વેપ શોપમાંથી ખરીદેલી ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ યુક્ત કેન્ડી ખાધા પછી તેની ચાર વર્ષની પુત્રીને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

આરોપીઓ પૈકી ક્રેનબેરીના દિવ્યેશ પટેલ અને પલક પટેલ તેમજ પિટ્સબર્ગની અલબીના પટેલ સામે ભ્રષ્ટ સંગઠન ચલાવવા સહિતના ગંભીર આરોપો છે. મુનહાલના માધવ પટેલ અને નીરવ પટેલ, હન્ટિંગડન વેલીના અનિલ પટેલ અને બેન્સાલેમના ધર્મેશ પટેલ સામે પણ કેસ નોંધાયો છે; જ્યારે બેન્સાલેમના કેતન પટેલ અને હન્ટિંગડન વેલીની રોશની પટેલ સામે વધારાના ષડયંત્ર અને સંગઠનાત્મક આરોપો મૂકવામાં આવ્યા છે.

23 સપ્ટેમ્બરે સુનાવણી

ધરપકડ બાદ માધવ, નીરવ, અંકિત, પલક અને દિવ્યેશને વેસ્ટમોરલેન્ડ કાઉન્ટી જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે એક લાખ ડૉલરથી પાંચ લાખ ડૉલર સુધીના બોન્ડ ન ભર્યા હોવાથી તેઓ કસ્ટડીમાં જ છે. જ્યારે અલબીના, કેતન, ધર્મેશ અને રોશનીને અનસિક્યોર્ડ બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસની પ્રાથમિક સુનાવણી 23 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.