મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનો આજે (આઠમી ઑક્ટોબરે) 48મો જન્મદિન (birthday) છે અને એ નિમિત્તે તેના વિશે થોડું લેટેસ્ટ અને થોડું ભૂતકાળનું રસપ્રદ જાણી લેવાનો મોકો લઈ લઈએ.
`ચક દે! ઇન્ડિયા' ફિલ્મમાં ભારતની ટોચની હૉકી ખેલાડી પ્રીતિ સભરવાલની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે 2017માં લગ્ન કરનાર ઝહીર ખાન (Zaheer Khan) ભારતનો ભૂતપૂર્વ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર છે એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, પણ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 600થી વધુ વિકેટ લેવા ઉપરાંત ક્યારેક બૅટિંગમાં પણ કમાલ બતાવી હતી એ બહુ ઓછાને ખબર હશે.
ઝહીર ખાન નિવૃત્તિ પછી મેન્ટર, કોચ અને બિઝનેસમૅન બની ચૂક્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ સાથે અગાઉ જોડાઈ ચૂકેલો ઝહીર હવે 2027ની આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમના હેડ-કોચ તરીકેની ભૂમિકામાં જોવા મળશે. સ્વિડનના પાટનગર સ્ટૉકહૉમના ઍન્કર સ્પોર્ટ્સ એબી નામના સ્પોર્ટ્સ ગ્રૂપનો ઝહીર સહ-માલિક છે. તેણે તાજેતરમાં જ લંકા પ્રીમિયર લીગના જાફના કિંગ્સ ફ્રૅન્ચાઇઝીને ટેકઓવર કર્યું હતું.
2000થી 2014ની સાલ દરમ્યાન 92 ટેસ્ટ રમનાર ઝહીર ખાને 311 વિકેટ લેવા ઉપરાંત કુલ 1,231 રન પણ બનાવ્યા હતા અને એમાંની એક ઇનિંગ્સ એવી હતી જેની આજે (આઠમી ઑક્ટોબરે) તેના જન્મદિને `એક્સ' પર બોલબાલા હતી. ઝહીરે 2000ની સાલમાં (ડેબ્યૂ ટેસ્ટના વર્ષમાં) ઝિમ્બાબ્વે સામેની વન-ડેમાં ફાસ્ટ બોલર હેન્રી ઑલોન્ગાના ચાર બૉલમાં ચાર છગ્ગા ફટકારી દીધા હતા.
49.3 Olonga to Zaheer - SIX 49.4 Olonga to Zaheer - SIX 49.5 Olonga to Zaheer - SIX 49.6 Olonga to Zaheer - SIX In 2000, @ImZaheer smashed 4 consecutive sixes off Henry Olonga with Tony Greig behind the mic. Happy Birthday Zaheer Khan Via @Zohaib1981 https://t.co/qvi3axo5mW
— Cricketopia (@CricketopiaCom) October 8, 2026
વન-ડેમાં રંગીન કપડાં પહેરવાની નીતિ 1970ના દાયકાથી જ અપનાવાઈ હતી, પરંતુ ત્યાર બાદ વર્ષો સુધી કેટલીક દ્વિપક્ષી વન-ડે સિરીઝની ડે-મૅચમાં ખેલાડીઓ વાઇટ ડ્રેસ પહેરીને રમ્યા હતા. 2000ની સાલમાં રાજકોટમાં ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી સિરીઝની અંતિમ વન-ડે ખેલાડીઓના સફેદ કપડાંવાળી અંતિમ મૅચ હતી. એ મૅચ અગાઉની જોધપુરની વન-ડેમાં ઝહીરે ઑલોન્ગાના ચાર બૉલમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા. જોકે ભારત એ મૅચ ફક્ત એક રનથી હારી ગયું હતું.