Thu Oct 08 2026

Logo

આ સ્મિતની કમાલ વિશે પણ જાણી લો, મોનાંક પટેલ પણ ગજબનું રમ્યો

2026-10-08 17:13:02
Author: Ajay Motiwala
આ સ્મિતની કમાલ વિશે પણ જાણી લો, મોનાંક પટેલ પણ ગજબનું રમ્યો

ડલાસ (અમેરિકા): આતંકવાદીના સંભવિત વિમાન-ક્રેશથી 174 ઇઝરાયલીઓના જીવ બચાવીને આખી દુનિયામાં છવાઈ ગયેલો ભારતનો ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છર હાલમાં ટૉક ઑફ ધ ટાઉન છે અને ત્યારે તેના જેવા જ નામવાળા ક્રિકેટરે બુધવારે અમેરિકાને એક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જિતાડવામાં મોટું યોગદાન આપ્યું એ બદલ તેની વાહ-વાહ થઈ રહી છે.

સ્મિત પટેલ (Smit Patel) નામના આ ગુજરાતી ક્રિકેટરે અમેરિકાની ક્રિકેટ ટીમને નામિબિયા સામે જિતાડવામાં બે રીતે યોગદાન આપ્યું હતું. સ્મિત પટેલ વિકેટકીપર છે અને તેણે આઇસીસી વર્લ્ડ કપ લીગ-ટૂ રાઉન્ડમાં નામિબિયા (Namibia)ના વનડાઉન બૅટ્સમૅન યૅન ફ્રાયલિન્ક (ચાર રન)નો શાનદાર કૅચ ઝીલ્યો હતો અને ત્યાર પછી 62 બૉલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા તેમ જ કૅપ્ટન મોનાંક પટેલ (108 રન, 100 બૉલ, 14 ચોગ્ગા) સાથે 96 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જો સ્મિતે મોનાંક સાથે મોટી ભાગીદારી ન કરી હોત તો અમેરિકા હારી ગયું હોત.

નામિબિયાએ આ વન-ડે મૅચમાં 50 ઓવરમાં નવ વિકેટે 298 રન બનાવ્યા ત્યાર પછી અમેરિકાએ 48.5 ઓવરમાં છ વિકેટે 299 રન બનાવીને રોમાંચક મૅચ જીતી લીધી હતી. સ્મિત પટેલના 50 અને મોનાંક પટેલના 108 રન ઉપરાંત શેહાન જયસૂર્યાના 74 રનનો પણ જીતમાં બહુ સારો ફાળો હતો.

આખી મૅચમાં કુલ 597 રન બન્યા હતા અને અમેરિકા-નામિબિયા વચ્ચેની મૅચોમાં આ વિક્રમ છે.