Thu Oct 08 2026

Logo

રવિ રામપૉલે કૅરિબિયન બૅટ્સમેનોને ભારતના કયા આક્રમણ સામે ખાસ પ્રૅક્ટિસની સલાહ આપી?

2026-10-08 19:21:06
Author: Ajay Motiwala
રવિ રામપૉલે કૅરિબિયન બૅટ્સમેનોને ભારતના કયા આક્રમણ સામે ખાસ પ્રૅક્ટિસની સલાહ આપી?

રાંચીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શુક્રવારે (સાંજે 7.00 વાગ્યાથી) રાંચીમાં રમાનારી ટી-20 સિરીઝની બીજી મૅચ પહેલાં કૅરિબિયન ટીમને તેમના બોલિંગ-કોચ રવિ રામપૉલે એક ખાસ સલાહ આપી છે અને એની સીધી અસર ભારતના સ્પિન-આક્રમણ (Spin Attack) પર થઈ શકે.

વેસ્ટ ઇન્ડિઝના એક સમયના ટોચના પેસ બોલર રવિ રામપૉલે (Ravi Rampaul) પોતાની ટીમના બૅટસમેનોને સ્ટ્રાઇક બદલતા રહેવા ઉપરાંત બીજી ઘણી સલાહ આપી છે. રામપૉલે કહ્યું છે કે `તમે સ્ટ્રાઇક રૉટેટ કરતા રહેજો અને ભારતીય ટીમનું સ્પિન-આક્રમણ જોરદાર છે એટલે એનો સામનો કરી શકે એવા બૅટ્સમેનો પર વધુ આધાર રાખજો.'

મંગળવારે ભારતે લખનઊમાં વેસ્ટ ઇન્ડિઝને પાંચ મૅચવાળી શ્રેણીના પ્રથમ મુકાબલામાં 32 બૉલ અને આઠ વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું અને શ્રેણીમાં 1-0થી સરસાઈ લીધી હતી. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પહેલી વખત સેન્ચુરી ફટકારનાર કૅપ્ટન શ્રેયસ ઐયર (43 બૉલમાં અણનમ 102) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.

જોકે શાઈ હોપની કૅરિબિયન ટીમને 171 રન સુધી સીમિત રખાવવામાં નમન ધીર (31 રનમાં ત્રણ વિકેટ), અક્ષર પટેલ (26 રનમાં બે વિકેટ) અને કુલદીપ યાદવ (33 રનમાં બે વિકેટ)ની સ્પિન-ત્રિપુટીની સૌથી મોટી ભૂમિકા હતી. કૅરિબિયનોની 10માંથી સાત વિકેટ આ ત્રણ સ્પિનરે લીધી હતી. ભારતના સ્ક્વૉડમાં ચોથો સ્પિનર રવિ બિશ્નોઈ પણ છે અને તિલક વર્મા તથા અભિષેક શર્મા પણ સ્પિન-બોલિંગનું કૌશલ્ય બતાવી શકે છે.

રામપૉલે ગુરુવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, `વેસ્ટ ઇન્ડિઝની ટીમ પાસે મિડલ-ઑર્ડરમાં સ્પિન બોલિંગ સામે રમી શકે એવા બે સારા બૅટ્સમેન છે. હેટ્ટી (હેટમાયર) અને શાઇ (હોપ) સ્પિન સામે સારું રમી શકે છે. વેસ્ટ ઇન્ડિઝના બોલર્સની વાત કરું તો તેમનામાં કાબેલિયતની કોઈ કમી નથી, પણ અનુભવ ઓછો છે એટલે ભારતની ધરતી પર ભારતની સંગીન બૅટિંગ લાઇન-અપ ખૂબ પડકારરૂપ બની રહે છે.'