Tue Oct 06 2026

Logo

અર્થતંત્રની આજકાલઃ ઉદ્યોગસાહસિકતાને કેમ વધાવવી જોઈએ...

2026-10-06 07:41:00
Author: Kishan Desai
અર્થતંત્રની આજકાલઃ ઉદ્યોગસાહસિકતાને કેમ વધાવવી જોઈએ...

 

કિશન દેસાઈ

ભારતીય અર્થતંત્રના વિકાસ અને સમૃદ્ધિમાં ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) હંમેશાં સૌથી મહત્ત્વપૂર્ણ પાયો રહી છે. કોઈપણ દેશનો આર્થિક વિકાસ માત્ર સરકારી કે કોર્પોરેટ નોકરીઓ પર નિર્ભર રહી શકતો નથી. તેના માટે નવીનતા, જોખમ લેવાની ક્ષમતા અને સ્થાનિક સ્તરે મૂલ્ય નિર્માણ કરતા સાહસિકોની જરૂર પડે છે. અર્થતંત્રમાં ઉદ્યોગસાહસિકતાના ફાયદાઓને સમજીએ ત્યારે જાણવા મળે છે કે તે માત્ર એક વ્યક્તિ કે પરિવારને આર્થિક રીતે સક્ષમ બનાવતી નથી, પરંતુ સમગ્ર દેશના જીડીપી, રોજગારી અને ઉત્પાદકતાને નવી ઊંચાઈ પર લઈ જાય છે.

પ્રાચીન ભારતનો ઇતિહાસ તપાસીએ તો જણાશે કે આપણી ભારતીય સભ્યતા મૂળભૂત રીતે એક વ્યાપારી અને વિનિમય-આધારિત સભ્યતા રહી છે. પ્રાચીન કાળથી જ ભારતનો દરેક નાગરિક કોઈને કોઈ કૌશલ્ય, હસ્તકળા, ખેતી કે વ્યાપાર સાથે જોડાયેલો હતો. શિલ્પકારો, વણકરો, ખેડૂતો, વેપારીઓ અને કારીગરો પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર સાહસિક જ હતા. ગામડાંઓ આત્મનિર્ભર આર્થિક એકમો હતા, જ્યાં ચીજવસ્તુઓ અને સેવાઓનો મુક્ત વિનિમય થતો હતો. આ જ કારણ હતું કે ભારત સદીઓ સુધી વિશ્વની અગ્રણી આર્થિક સત્તા અને `સોનાની ચિડિયા' તરીકે ઓળખાતું હતું. આ પ્રાચીન ભારતીય વિનિમય મોડેલ દર્શાવે છે કે ઉદ્યોગસાહસિકતા એ આપણા ડીએનએમાં વણાયેલી છે.

આજના આધુનિક આર્થિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, ભારતનું આર્થિક મોડેલ પણ એ જ ખ્યાલ પર આધારિત છે જ્યાં દરેક નાગરિક મૂળભૂત રીતે એક સાહસિક કે ઉત્પાદક એકમ તરીકે કાર્ય કરે છે. જ્યારે અર્થતંત્રમાં મોટાભાગના લોકો માત્ર નોકરી શોધવાને બદલે નાના-મોટા વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ કે સ્વતંત્ર સેવાઓ શરૂ કરે છે, ત્યારે નાણાંનું પરિભ્રમણ ઝડપી બને છે. દરેક નાની કે મોટી એન્ટરપ્રાઇઝ પોતાના સ્તરે નવી રોજગારીઓ ઊભી કરે છે, જેનાથી બેરોજગારીની સમસ્યાનો કાયમી ઉકેલ મળે છે અને ટેક્સ દ્વારા સરકારની આવકમાં પણ વધારો થાય છે.

વર્તમાન જોબ માર્કેટ તરફ નજર કરીએ તો તે ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઓટોમેશન અને ટેકનોલોજીના કારણે પરંપરાગત નોકરીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. ઘણી મોટી કંપનીઓમાંથી મોટા પાયે લય-ઓફ આપી રહ્યા છે. આવા અનિશ્ચિત વાતાવરણમાં માત્ર ડિગ્રી આધારિત નોકરીઓ પર નિર્ભર રહેવું જોખમી બની ગયું છે. આ પરિસ્થિતિમાં સ્કિલ આધારિત કમાણી અને વ્યવસાય એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવ્યા છે. 

આજે વ્યક્તિ પાસે જો કોઈ ચોક્કસ કૌશલ્ય હોય જેમ કે કોડિગ, ડિજિટલ માર્કેટિગ, ક્રાફ્ટિંગ, ક્નસલ્ટિંગ કે ટેકનિકલ નોલેજ તો તે ખૂબ ઓછા મૂડીરોકાણ સાથે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે છે. સ્કિલ-બેઝ્ડ બિઝનેસ માત્ર આર્થિક સુરક્ષા જ નથી આપતો, પરંતુ વ્યક્તિને તેની ક્ષમતા મુજબ અમર્યાદિત કમાણી કરવાનો અવસર પણ પૂરો પાડે છે.

ઉદ્યોગસાહસિકતાનો સૌથી મહત્ત્વનો સિદ્ધાંત છે `સ્કિન ઇન ધ ગેમ'. નોકરીમાં વ્યક્તિ મોટે ભાગે નિયત કલાકો માટે કામ કરે છે અને તેને નિશ્ચિત પગાર મળે છે, જ્યાં તેનું વ્યક્તિગત જોખમ મર્યાદિત હોય છે, પરંતુ વ્યવસાયમાં સાહસિક પોતે પોતાનું નાણું, સમય અને મહેનત દાવ પર લગાવે છે. જ્યારે તમારું પોતાનું જોખમ સામેલ હોય છે,ત્યારે નિર્ણય લેવાની ગુણવત્તા, જવાબદારી અને કાર્યક્ષમતા આપોઆપ વધી જાય છે. આ `સ્કિન ઇન ધ ગેમ'નો ભાવ જ દેશના આર્થિક સંસાધનોનો શ્રેષ્ઠ અને બિન-વેડફાટયુક્ત ઉપયોગ સુનિશ્ચિત કરે છે, જે સમગ્ર અર્થતંત્ર માટે અત્યંત ફાયદાકારક છે.

નોકરી અને વ્યવસાય વચ્ચેની કાર્યનૈતિકતામાં પણ મોટો તફાવત જોવા મળે છે. નોકરીમાં મોટે ભાગે કામ કરવા પાછળનો હેતુ આપવામાં આવેલાં કાર્યો પૂરા કરવાનો અથવા શિફ્ટનો સમય પૂરો કરવાનો હોય છે, જેનાથી ઘણીવાર પેસિવ વર્ક કલ્ચર ઊભું થાય છે. આનાથી વિપરીત, એક સાહસિક કે બિઝનેસમેનની વર્ક એથિક્સ માલિકીભાવ અને પરિણામ પર આધારિત હોય છે. વ્યવસાય કરનાર વ્યક્તિ માટે દરેક ગ્રાહક મહત્ત્વનો છે, દરેક દિનચર્યા પ્રોડક્ટિવ હોવી જરૂરી છે અને સતત ઇનોવેશન કરવું અસ્તિત્વ માટે અનિવાર્ય છે. આ પ્રોએક્ટિવ અને સોલ્યુશન-ઓરિએન્ટેડ વર્ક કલ્ચર સમાજમાં ઉત્પાદકતાનો નવો માહોલ તૈયાર કરે છે.

ટૂંકમાં, ભારતીય અર્થતંત્રને જો આગામી સમયમાં વિશ્વની ટોચની આર્થિક શક્તિ બનાવવી હોય તો ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું અનિવાર્ય છે. આપણી પ્રાચીન સભ્યતાના વિનિમય મોડેલમાં થી પ્રેરણા લઈને, આજના જોબ માર્કેટના પડકારો સામે સ્કિલ-બેઝ્ડ સાહસિકતા અપનાવવી એ જ સમયની માગ છે. જ્યારે દેશનો યુવાન `જોબ સિકર'(નોકરી શોધનાર) મટીને `જોબ ક્રિએટર' (રોજગાર આપનાર) બનશે, ત્યારે અર્થતંત્ર વધુ મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ બનશે.