વિઠ્ઠલ વઘાસિયા
‘વૃક્ષ વાવવું એ શરૂઆત છે, તેને ઉછેરવું એ સંકલ્પ છે અને તેને મોટું કરવું એ સાચી પર્યાવરણ સેવા છે.’
આજના સમયમાં પર્યાવરણ બચાવવાની આ પ્રકારની વાતો ખૂબ થાય છે. વિશ્ર્વ પર્યાવરણ દિવસ આવે ત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાય છે, શાળાઓમાં વિદ્યાર્થીઓ વૃક્ષો વાવે છે, સામાજિક સંસ્થાઓ દ્વારા રોપાઓનું વિતરણ થાય છે, સરકારી તંત્ર દ્વારા વૃક્ષારોપણના આંકડા જાહેર થાય છે અને અનેક સ્થળોએ ફોટોગ્રાફ્સ સાથે વૃક્ષારોપણની ઉજવણી પણ થાય છે, પરંતુ એક મૂળભૂત પ્રશ્ર્ન આપણા અંતરાત્માને પૂછવો જરૂરી છે-જે પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવે છે તે પ્રમાણમાં ખરેખર ઉછેરવામાં આવે છે ખરાં?
વૃક્ષારોપણની સંખ્યા કરતાં વૃક્ષોના અસ્તિત્વની સંખ્યા વધુ મહત્ત્વની છે. એક દિવસમાં એક હજાર રોપા વાવી દેવા કરતાં એક વર્ષમાં સો રોપા ઉછેરીને વૃક્ષ બનાવી દેવા એ પર્યાવરણ માટે વધારે મોટી સિદ્ધિ છે.
રોપો વાવવો સહેલો છે- તેને જીવંત રાખવો અઘરો છે. વૃક્ષારોપણના દિવસે ખાડો ખોદવો, રોપો વાવવો, પાણી રેડવું અને ફોટો પડાવવો - આ બધું થોડા કલાકોમાં થઈ જાય છે, પરંતુ પછી શરૂ થાય છે સાચી કસોટી.
રોપાને નિયમિત પાણી જોઈએ, યોગ્ય માટી જોઈએ, ખાતર જોઈએ, પશુઓથી રક્ષણ જોઈએ, નિંદામણ દૂર કરવું પડે, સમયાંતરે માટી ચઢાવવી પડે અને તેની વૃદ્ધિ પર નજર રાખવી પડે. શરૂઆતનાં એક-બે વર્ષ રોપા માટે અત્યંત મહત્ત્વના હોય છે. આ સમયગાળામાં યોગ્ય સંભાળ ન મળે તો અનેક રોપા સુકાઈ જાય છે. એટલે જ કહેવું જોઈએ કે વૃક્ષારોપણ એક દિવસનો કાર્યક્રમ નથી; તે વર્ષો સુધી ચાલતી જવાબદારી છે.
*આંકડાની રમત નહીં, પરિણામની વાત
ઘણી વખત વૃક્ષારોપણના કાર્યક્રમોનો ભાર ‘કેટલા રોપા વાવવામાં આવ્યા?’ તેના પર હોય છે. પરંતુ સાચો પ્રશ્ર્ન એવો હોવો જોઈએ કે ‘વાવવામાં આવેલા રોપામાંથી કેટલા આજે જીવંત અને વિકસિત વૃક્ષો બન્યાં?’
જો એક સંસ્થા દસ હજાર રોપા વાવે અને થોડા મહિનાઓ પછી તેમાંના મોટા ભાગના રોપા નષ્ટ થઈ જાય, તો દસ હજાર વૃક્ષ વાવ્યાનો આંકડો પર્યાવરણને કોઈ ખાસ લાભ આપતો નથી. બીજી તરફ, કોઈ વ્યક્તિ કે સંસ્થા માત્ર સો રોપા વાવે, પરંતુ સતત સંભાળ રાખીને તેમાંના નેવું રોપાને વૃક્ષ બનાવે તો તેની કામગીરી વધુ અર્થપૂર્ણ છે. આથી વૃક્ષારોપણના કાર્યક્રમોની સફળતા રોપાની સંખ્યા નહીં, પરંતુ તેના જીવંત રહેવાના પ્રમાણથી માપવી જોઈએ.
* વૃક્ષો ઉછેરવામાં નિષ્ફળતા પાછળનાં કારણ...
વૃક્ષો વાવ્યા પછી તેની સંભાળ ન રાખવાનાં અનેક કારણો છે. સૌથી મોટું કારણ છે ઉત્સાહનો અભાવ અને જવાબદારીની અછત. વૃક્ષારોપણ વખતે જે ઉત્સાહ હોય છે તે થોડા દિવસોમાં ઓસરી જાય છે. બીજું કારણ છે પાણીની અછત. ખાસ કરીને ઉનાળામાં રોપાને નિયમિત પાણી ન મળે તો બધા સુકાઈ જાય છે.
ત્રીજું કારણ છે રક્ષણનો અભાવ. રસ્તાની બાજુ કે ખુલ્લા મેદાનમાં વાવેલા રોપાને પશુઓથી બચાવવા યોગ્ય કાંટાળી વાડ કે ટ્રી-ગાર્ડ ન હોય તો રોપાઓ નાશ પામે છે. ચોથું કારણ છે ‘મારું કામ પૂરું’ એવી માનસિકતા. રોપો વાવી દીધો એટલે જવાબદારી પૂરી થઈ ગઈ - આ વિચાર જ સૌથી મોટો અવરોધ છે.
પાંચમું કારણ છે યોગ્ય સ્થળ અને યોગ્ય જાતિની પસંદગીનો અભાવ. દરેક જગ્યાએ દરેક પ્રકારનું વૃક્ષ વાવી શકાય નહીં. જમીન, પાણી, આબોહવા અને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ વૃક્ષોની પસંદગી કરવી જરૂરી છે.