Thu Oct 08 2026

Logo

હરિશંકર પરસાઈની વ્યંગ મસ્તીઃ મંત્રીજીનું મુંડન કઈ રીતે બની ગયું એક રાષ્ટ્રીય સમસ્યા?

2026-10-07 08:10:15
Author: Sanjay Chhel
હરિશંકર પરસાઈની વ્યંગ મસ્તીઃ મંત્રીજીનું મુંડન કઈ રીતે બની ગયું એક રાષ્ટ્રીય સમસ્યા?

સંજય છેલ

-અને પછી ભારત દેશની સંસદમાં એક દિવસ ભારે હોબાળો મચી ગયો. હોબાળાનું કારણ કોઈ રાજકીય સમસ્યા નહોતી, પણ એક મંત્રીજીનું અચાનક મુંડન થઈ ગયું હતું. ગઈકાલ સુધી તો તેમના માથા પર લાંબા વાંકડિયા વાળ હતા અને ખબર પડી કે અચાનક રાતોરાત તેમનું મુંડન થઈ ગયું. નોર્મલ આપણે ત્યાં નેતાઓ દ્વારા પ્રજાનું મુંડન થતું છે પણ આ વખતે એક મંત્રીજીનું મુંડન થઈ ગયું, બોલો!

સંસદ સભ્યો વચ્ચે કાનફૂસી અને ચર્ચાઓ થવા માંડી કે આ મંત્રીજીને શું થઈ ગયું? જાતજાતની અટકળો ચગવા માંડી. એક નેતાએ કહ્યું- ‘કદાચ માથામાં જૂ પડી ગઈ હશે.’ બીજાએ કહ્યું- ‘કદાચ મગજમાં નવા વિચારો ભરવા માટે વાળનો પડદો હટાવી દીધો હશે.’ તો વળી કોઈ અન્ય સંસદ સભ્યએ કહ્યું- ‘કદાચ તેમના પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હશે. પણ મંત્રીજી તો પહેલાની જેમ જ ખુશ દેખાતા હતા!’

છેવટે કંટાળીને એક સંસદ સભ્યએ પૂછી જ લીધું કે- ‘અધ્યક્ષ મહોદય! શું હું જાણી શકું છું કે માનનીય મંત્રીજીના ઘરમાં કોઈ ગુજરી ગયું છે?’
મંત્રીજીએ જવાબ આપ્યો- ‘ના.’
સભ્યોએ અટકળ કરી કે- એ લોકોએ તો મંત્રીનું મુંડન નથી કરી નાખ્યું ને, જેમની સામે તે બિલ રજૂ કરવાના હતા?

બીજા એક સભ્યએ પૂછ્યું- ‘અધ્યક્ષ મહોદય! શું માનનીય મંત્રીજીને પોતાને ખબર છે કે તેમનું મુંડન થઈ ગયું છે? જો હા, તો શું તે જણાવશે કે તેમનું મુંડન કોણે કર્યું?’ આ વાત સંસદના રેકોર્ડમાં રહેવું બહુ જરૂરી છે.

મંત્રીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો- ‘ના, હું એ નહીં કહી શકું કે મારું ટકલું થયું છે કે નહીં!’
સંસદમાં ઘણાં સભ્યો એકસામટા બરડવા માંડ્યા- ‘થયું છે...ટકલું થયું છે. બધાને દેખાઈ રહ્યું છે!’
મંત્રીજીએ કહ્યું- ‘બધાને દેખાય એનાથી કંઈ સાબિત નહીં થાય. સરકારને દેખાવું જોઈએ. દેશ હિતમાં સરકારે આ વાતની તપાસ કરવી જોઈએ કે મારું મુંડન થયું છે કે નહીં.’

એક સભ્યએ કહ્યું- ‘આમાં તપાસ શું કરવાની? એના કરતાં મંત્રી મહોદય પોતે જ પોતાના માથા પર હાથ ફેરવીને જોઈ લે તો ખબર પડી જશે.’
મંત્રીજીએ જવાબ આપ્યો- ‘હું મારો હાથ માથા પર ફેરવીને બિલકુલ નહીં જોઉં. સરકાર આ બાબતમાં ઉતાવળ નથી કરતી. પણ હું વચન આપું છું કે મારી સરકાર આ અંગે વિસ્તૃત તપાસ કરાવીને તમામ તથ્યો ગૃહ સમક્ષ રજૂ કરશે. આ માટે સરકાર એક તપાસપંચની નિમણૂક કરશે.’

સંસદ સભ્યો ગુસ્સામાં બૂમાબૂમ કરવા લાગ્યા- ‘તપાસની શી જરૂર છે? માથું તમારું છે અને હાથ પણ તમારો છે! પોતાના જ હાથને પોતાના માથા પર ફેરવવામાં મંત્રી મહોદયને શું વાંધો?’

મંત્રીજી બોલ્યા- ‘હું સભ્યો સાથે સહમત છું કે માથું મારું છે અને હાથ પણ મારા છે. પણ એક મંત્રી તરીકે મારા હાથ ભારતીય પરંપરાઓ અને બંધારણની નીતિઓથી બંધાયેલા છે. હું મારા માથા પર હાથ ફેરવવા માટે સ્વતંત્ર નથી. સરકારની એક કાયદેસરની સિસ્ટમ હોય છે. વિરોધી સભ્યોના દબાણમાં આવીને એ નિયમોનો ભંગ હું ન કરી શકું. હું સંસદમાં આ અંગે એક નિવેદન આપીશ.’

એ સાંજે મંત્રી મહોદયે સંસદમાં નિવેદન આપ્યું- ‘અધ્યક્ષ મહોદય, સંસદમાં એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે મારું મુંડન થયું છે કે નહીં? જો થયું છે, તો કોણે કર્યું છે? આ પ્રશ્નો ખૂબ જ જટિલ છે. અને આના પર સરકાર ઉતાવળમાં કોઈ નિર્ણય ન લઈ શકે. હું એ ન કહી શકું કે મારું મુંડન થયું છે કે નહીં. જ્યાં સુધી પૂરી તપાસ ન થઈ જાય, ત્યાં સુધી સરકાર આ અંગે કંઈ ન કહી શકે. મારી સરકારે ત્રણ વ્યક્તિઓની એક તપાસ સમિતિ નીમે છે, જે મારા મુંડન અંગે બાબતની તપાસ કરશે અને એનો રિપોર્ટ હું સંસદમાં રજૂ કરીશ.’

સંસદ સભ્યોએ કહ્યું- ‘મંત્રીજીના મુંડનનો વિષય કઈ તાજમહાલ કે કુતુબમિનાર નથી જે સદીઓ સુધી ચાલ્યા જ કરે. આ એમના વાળનો મામલો છે. વાળ તો હંમેશાં વધતા રહે ને કપાતા રહે. એટલે જ મંત્રીજીના મુંડનનો તરત નિર્ણય થવો જોઈએ.’

મંત્રીજીએ જવાબ આપ્યો- ‘કુતુબમિનાર સાથે આપણા વાળની સરખામણી કરીને તેનું અપમાન કરવાનો અધિકાર સભ્યોને નથી. જ્યાં સુધી મૂળ સમસ્યાનો સવાલ છે, સરકાર તપાસપંચના રિપોર્ટ પહેલાં કંઈ કહી શકે નહીં.’ રાબેતા મુજબ તપાસપંચ વર્ષો સુધી તપાસ કરતું રહ્યું ને બીજી બાજુ મંત્રીજીના માથાના વાળ વધતા રહ્યા.

એક દિવસ મંત્રીજીએ તપાસપંચનો રિપોર્ટ સંસદ સમક્ષ રજૂ કર્યો. તપાસપંચનો નિર્ણય હતો કે- મંત્રીનું મુંડન થયું જ નહોતું.

સત્તાધારી પક્ષના સભ્યોએ હર્ષધ્વનિ અને તાળીઓથી આ નિર્ણયનું સ્વાગત કર્યું. બીજી બાજુ સંસદમાં ‘શરમ કરો..શરમ કરો’ના અવાજો ઊઠ્યા. વિરોધ દર્શાવતા અવાજો ઊઠયા- આ હળાહળ જુઠ્ઠું છે! મંત્રીનું મુંડન થયું જ હતું.

મંત્રીજી સ્મિત સાથે ઊભા થયા અને બોલ્યા- ‘એ તમારો પોતાનો વિચાર હોઈ શકે પણ પુરાવા તો જોઈએ ને! તમે પુરાવો આપી દો, તો હું તમારી વાત માની લઈશ.’

આમ કહીને મંત્રીજીએ પોતાના વાંકડિયા વાળ પર હાથ ફેરવ્યો અને દેશના ને સંસદના અન્ય મુદ્દાઓે ઉકેલવામાં વ્યસ્ત થઈ ગયા.