Thu Oct 08 2026

Logo

શુક્રવારે બીજી ટી-20ઃ રાંચીની પ્રૅક્ટિસ વખતે પોલીસ અને પ્રેક્ષકોને કિશન કરતાં વૈભવની ફટકાબાજી જોવા આગળ આવી ગયા

2026-10-08 22:18:03
Author: Ajay Motiwala
શુક્રવારે બીજી ટી-20ઃ રાંચીની પ્રૅક્ટિસ વખતે પોલીસ અને પ્રેક્ષકોને કિશન કરતાં વૈભવની ફટકાબાજી જોવા આગળ આવી ગયા

સાંજે 6.30 વાગ્યે ટૉસ અને 7.00 વાગ્યે મૅચ શરૂઃ ભારતનો જીત-હારનો રેશિયો છે 42-9

રાંચીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શુક્રવારે (સાંજે 7.00 વાગ્યાથી) પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની બીજી મૅચ રમાશે અને એમાં હવે સંજુ સૅમસનના સ્થાને વૈભવ સૂર્યવંશીને રમવાનો મોકો મળશે એવી વધુ સંભાવના છે, કારણકે ગુરુવારના પ્રૅક્ટિસ-સેશનમાં વૈભવે બૅટિંગની ભરપૂર પ્રૅક્ટિસ કરી હતી. સૅમસને છેલ્લી સતત ચાર ટી-20માં ફ્લૉપ રહ્યો છેઃ નવ રન, સાત રન, બે રન અને અગિયાર રન. ભારત શુક્રવારે જીતીને 2-0થી સરસાઈ મેળવવા આતુર છે. શુક્રવારે છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.

વિકેટકીપર-બૅટ્સમૅન ઇશાન કિશન અને વૈભવ સૂર્યવંશી, બન્ને ખેલાડી બિહારમાં જન્મેલા છે. લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન કિશનની ઝારખંડના રાંચી (Ranchi) શહેરમાં પણ બોલબાલા છે, કારણકે ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ઝારખંડ વતી રમતો હોવાથી રાંચીના જ ખેલાડી તરીકે ઓળખાય છે. જોકે શુક્રવારે કિશન કરતાં વૈભવની ફટકાબાજી જોવામાં બધાને વધુ રસ હતો. પોલીસ અને પ્રેક્ષકો લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવની આતશબાજી જોવા નેટની ફરતે ઊભા રહી ગયા હતા અને તેનો પ્રત્યેક શૉટ માણ્યો હતો. વૈભવ (Vaibhav)એ તેમને નિરાશ નહોતા કર્યા. તેણે વારંવાર બૉલને બાઉન્ડરી લાઇનને પાર કરાવ્યો હતો. આ સિક્સર-સ્પેશ્યલિસ્ટે ક્યારેક બૉલને પત્રકાર પરિષદના હૉલની નજીકના સાઇટ-સ્ક્રીન પર અને સ્ટૅન્ડમાં પણ મોકલ્યો હતો.

ટીમના રેગ્યુલર ખેલાડીઓ (કૅપ્ટન) શ્રેયસ ઐયર તેમ જ અક્ષર પટેલ અને કુલદીપ યાદવ વૈકલ્પિક પ્રૅક્ટિસ હોવાને લીધે મેદાન પર નહોતા આવ્યા, પણ બાકીના બધા ખેલાડીઓએ ભરપૂર પ્રૅક્ટિસ કરી હતી.

બન્ને દેશની સંભવિત ઇલેવન

ભારતઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન/વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન, શિવમ દુબે, અક્ષર પટેલ, નમન ધીર, કુલદીપ યાદવ, પ્રિન્સ યાદવ અને અર્શદીપ સિંહ.

વેસ્ટ ઇન્ડિઝઃ શાઇ હોપ (કૅપ્ટન, વિકેટકીપર), કમિલ પૂરન, શિમરૉન હેટમાયર, રૉવમૅન પૉવેલ, શેરફેન રુધરફર્ડ, રોમારિયો શેફર્ડ, રૉસ્ટન ચેઝ, શમાર જોસેફ, શમાર સ્પ્રિંગર, અકીલ હોસૈન અને મૅથ્યૂ ફોર્ડ.