અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ની વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિના કેસ સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ કૉલેજને સજા ફટકારી દીધી છે. એટલું જ નહીં આર્થિક દંડ ભરપાઈ કરવા પણ આદેશ કરી દીધા છે. પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયેલા 333 વિદ્યાર્થીઓની સજા નક્કી કરવાની સાથે સામૂહિક કોપીના કેસમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, સુરત અને કડીની કોલેજો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાં આ અંગે કડક સૂચના આપી દેવામાં આવી છે.
રાજકોટની કૉલેજને સૌથી વધુ દંડ
રાજકોટની અર્પિત કોલેજને સૌથી વધુ ₹3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે સામૂહિક ગેરરીતિ સામે આવેલી ચાર કોલેજોના પરીક્ષા કેન્દ્ર આગામી એક વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. GTU દ્વારા ઇજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતના વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા. યુનિવર્સિટીએ આવા 333 વિદ્યાર્થીઓ સામે સજાની કાર્યવાહી કરી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિવિધ કેન્દ્રોના સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ એકબીજામાંથી કોપી કરતા હોવાનું સામે આવ્યું હતું. આ પરીક્ષા દરમિયાન આ પ્રકારની ગેરરીતિ થતી હોવા છતાં ફરજ પરના નિરીક્ષકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું પણ જણાયું હતું.
₹ 2 લાખનો દંડ
યુનિવર્સિટીની તપાસ બાદ રાજકોટની અર્પિત કોલેજને ₹3 લાખ, સુરેન્દ્રનગરની લક્ષ્મણસિંહ વાઘેલા કોલેજને ₹1 લાખ, જૂનાગઢની ધ્રુવી કોલેજને ₹1 લાખ અને સુરતની માંડવી એપ્લિકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજને ₹ 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કડીની વસુદેવ કોલેજને પણ ₹1 લાખનો દંડ કરવામાં આવ્યો છે. પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, સીસીટીવી ફૂટેજની તપાસમાં ચાર પરીક્ષા કેન્દ્રોમાં સામૂહિક ગેરરીતિના કિસ્સા સામે આવ્યા હતા. વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ કોપી કરતા હોવા છતાં પરીક્ષા સંચાલકો અને નિરીક્ષકો દ્વારા તેને અટકાવવા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાનું જણાતાં યુનિવર્સિટીએ સંબંધિત સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે. સામૂહિક કોપીના કેસમાં સંડોવાયેલા ચાર પરીક્ષા કેન્દ્રોની માન્યતા આગામી એક વર્ષ માટે રદ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સંબંધિત કોલેજોમાં GTUની કોઈ પરીક્ષા યોજી શકાશે નહીં.
GTUની મોટી ચોખવટ
પરિણામે આ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે નજીકની અન્ય કોલેજ કે યુનિવર્સિટી દ્વારા ફાળવવામાં આવેલા પરીક્ષા કેન્દ્ર પર જવું પડશે. યુનિવર્સિટીના આ નિર્ણયને કારણે ગેરરીતિમાં સામેલ ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા માટે અન્ય કેન્દ્ર પર જવું પડશે. વિદ્યાર્થીઓને કોઈ આર્થિક બોજ ન પડે તે માટે યુનિવર્સિટીએ કોલેજ સંચાલકોને ખાસ સૂચના આપી છે. GTUએ સ્પષ્ટ કર્યું છે કે, જે કોલેજોના પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યા છે, તે કોલેજોના વિદ્યાર્થીઓને અન્ય કેન્દ્ર પર પરીક્ષા આપવા જવા માટેની વાહનવ્યવસ્થા સંબંધિત કોલેજે જ કરવાની રહેશે. વિદ્યાર્થીઓને કોલેજથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત લાવવાની જવાબદારી પણ કોલેજ સંચાલકોની રહેશે. આ વ્યવસ્થા પાછળ થનારો વાહનવ્યવહારનો સંપૂર્ણ ખર્ચ કોલેજોએ જ ભોગવવાનો રહેશે. વિદ્યાર્થીઓ પાસેથી આ માટે વધારાનો ખર્ચ વસૂલવાને બદલે કોલેજોએ પોતાના ખર્ચે વ્યવસ્થા કરવાની તાકીદ કરવામાં આવી છે.