Fri Oct 09 2026

Logo

અમેરિકાએ ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રોને ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી

Washington   2026-10-08 22:42:47
Author: Mumbai Samachar Team
અમેરિકાએ ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રોને ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી

માઇક્રોસોફ્ટ, અડૉબી, કૅપજેમિની, એચસીએલ, કૉગ્નિઝન્ટ પર પણ વિઝા ફ્રૉડનો આરોપ મૂકી પગલાં લેવાયા


વૉશિંગ્ટન: અમેરિકાએ માઇક્રોસોફ્ટ અને આઇટી ક્ષેત્રની અનેક મોટી કંપનીઓ પર એચ-વનબી અને લૅબર પ્રૉગ્રામનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકીને તેઓને પ્રૉગ્રામ ઇલેક્ટ્રોનિક રિવ્યૂ મેનેજમેન્ટ (પીઇઆરએમ) ગ્રીન કાર્ડ પ્રૉગ્રામમાંથી સસ્પેન્ડ કરી હતી.

અમેરિકાએ ટૅક્નોલૉજી ક્ષેત્રની અનેક મોટી કંપનીઓને પીઇઆરઇએમ લૅબર સર્ટિફિકેશન પ્રૉગ્રામમાંથી સસ્પેન્ડ કરી હતી. આ પ્રૉગ્રામ દ્વારા એચ-વનબી વિઝાધારકો સહિત વિદેશી કર્મચારીઓ પરમેનન્ટ રેસિડન્સી મેળવવા માટે આગળ વધી શકે છે.

અમેરિકાના ઉપપ્રમુખ જે. ડી. વેન્સે માઇક્રોસોફ્ટ સામે આવા પગલાં લેવાની જાહેરાત કરવાની સાથે આ કંપની પર સંબંધિત પ્રોગ્રામનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો અને અમેરિકાના કર્મચારીઓને નોકરી પર વધુ રાખવા અનુરોધ કર્યો હતો.

અમેરિકાના શ્રમ મંત્રાલય (લૅબર ડિપાર્ટમેન્ટ)એ જણાવ્યું હતું કે કૉગ્નિઝન્ટ, ઇન્ફોસિસ, ટાટા, વિપ્રો, એચસીએલ અને કૅપજેમિની ઉપરાંત અડૉબી જેવી આઇટી ક્ષેત્રની મોટી કંપનીને પણ આ પ્રૉગ્રામમાંથી સસ્પેન્ડ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે આ કંપનીઓ અમેરિકાના નાગરિકોને પોતાને ત્યાં નોકરી પર વધારે રાખે.

પ્રૉગ્રામ ઇલેક્ટ્રોનિક રિવ્યૂ મેનેજમેન્ટ (પીઇઆરએમ) લૅબર સર્ટિફિકેશન પ્રૉસેસ છે, જે વિદેશી કર્મચારીઓને રોજગાર-આધારિત ગ્રીન કાર્ડની વિવિધ કૅટેગરીમાં પરમેનન્ટ રેસિડન્સ માટે સ્પોન્સર કરતાં પહેલાં અમેરિકાની કંપનીઓએ પૂરી કરવાની હોય છે.

અગાઉ, કૉગ્નિઝન્ટના પીઇઆરએમ ફાઇલિંગ્સને સપ્ટેમ્બરમાં સસ્પેન્ડ કર્યા હતા. અમેરિકાના આ નિર્ણયથી ત્યાં કામ કરી રહેલા હજારો ભારતીય મુશ્કેલીમાં મુકાઇ જશે.