અમેરિકાના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં સોમવારે ત્રાટકેલા શક્તિશાળી 'વિન્ટર સ્ટોર્મ' (શીતકાલીન તોફાન) ને કારણે જનજીવન સંપૂર્ણપણે થંભી ગયું છે. ભારે હિમવર્ષા અને હાડ થીજવતી ઠંડી સાથે ફૂંકાયેલા તેજ પવનોએ રસ્તાઓને જોખમી બનાવી દીધા છે, જેના કારણે જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે. સામાન્ય રીતે ધમધમતા જોવા મળતા એરપોર્ટ્સ અને હાઈવે અત્યારે સુમસામ ભાસી રહ્યા છે. વહીવટીતંત્રએ સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે અને લાખો લોકોને ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે.
આ તોફાનની સૌથી વધુ અસર હવાઈ મુસાફરી પર પડી છે. ફ્લાઈટ ટ્રેકિંગ સર્વિસ 'FlightAware' ના ડેટા મુજબ, 21 થી 24 ફેબ્રુઆરી દરમિયાન 10000 થી વધુ ઉડાનો રદ કરવામાં આવી છે. સોમવારે જ 5000 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી. ન્યૂયોર્કનું જ્હોન એફ. કેનેડી, લાગાર્ડિયા અને બોસ્ટન લોગન જેવા મોટા એરપોર્ટ્સ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. રેલ અને બસ સેવાઓ પણ અનેક રાજ્યોમાં સ્થગિત કરી દેવામાં આવી છે, જેનાથી આંતરરાજ્ય મુસાફરી કરતા લોકો અટવાઈ પડ્યા છે.
ન્યૂયોર્ક સિટીના સેન્ટ્રલ પાર્કમાં સોમવાર સવાર સુધીમાં 15 ઇંચથી વધુ બરફ નોંધાયો છે, જ્યારે ન્યૂ જર્સી અને લોન્ગ આઈલેન્ડના કેટલાક ભાગોમાં તો બે ફૂટ જેટલી હિમવર્ષા થઈ છે. ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીએ નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા વિનંતી કરી છે. રસ્તાઓ પર વિઝિબિલિટી (દ્રશ્યતા) ખૂબ જ ઓછી હોવાને કારણે હાઈવે પર વાહન ચલાવવું જોખમી બન્યું છે. તોફાનની ગંભીરતાને જોતા ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર (UN) નું મુખ્યાલય પણ આખો દિવસ બંધ રાખવામાં આવ્યું હતું.
હિમવર્ષાની સાથે 40 થી 60 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોને કારણે વીજળીની લાઈનો ધરાશાયી થઈ છે. પૂર્વી કિનારાના અંદાજે ૫.૭ લાખથી વધુ ઘરો અને વ્યવસાયિક એકમોમાં અંધારપટ છવાઈ ગયો છે. મેસેચ્યુસેટ્સમાં કટોકટી જાહેર કરવામાં આવી છે અને સરકારી કર્મચારીઓને 'વર્ક ફ્રોમ હોમ' કરવાના આદેશ અપાયા છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે 'નેશનલ ગાર્ડ' ની ટુકડીઓને તૈનાત કરી છે.