Thu Oct 08 2026

Logo

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે કતાર પરથી અમેરિકન એરફોર્સનું  KC-135 ગાયબ

Tehran   2026-05-05 17:06:00
Author: Chandrakant Kanoja
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે કતાર પરથી અમેરિકન એરફોર્સનું  KC-135 ગાયબ

કતાર: મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ વધી રહ્યો છે.  આ દરમિયાન અમેરિકન એરફોર્સનું  KC-135 વિમાન ગાયબ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.  આ વિમાન કતાર પરથી ઉડી રહ્યું હતું ત્યારે તે અચાનક રડાર પરથી ગાયબ થયું હતું. 

વિમાને ઉડાન દરમિયાન  7700 ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલ્યું 

આ અંગે ફ્લાઇટ ટ્રેકિંગ પ્લેટફોર્મ અનુસાર, વિમાને ઉડાન દરમિયાન '7700' ડિસ્ટ્રેસ સિગ્નલ મોકલ્યું હતું.  જે કટોકટીની સ્થિતિ સૂચવે છે. KC-135 સ્ટ્રેટોટેન્કરને  ફ્લાઇંગ ગેસ સ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે હવામાં ઉડતી વખતે ફાઇટર જેટને ઇંધણ પૂરું પાડે છે.

ઉતરાણ  પૂર્વે થોડા સમય માટે હવામાં ચક્કર લગાવતું રહ્યું, 

આ અંગે ઈરાનની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ  વિમાન યુએઇના અલ ધફ્રા એર બેઝ પર તૈનાત હતું અને મિડલ ઈસ્ટમાં લશ્કરી કામગીરીમાં ભાગ લઈ રહ્યું હતું. આ વિમાન ઉતરાણ  પૂર્વે થોડા સમય માટે હવામાં ચક્કર લગાવતું રહ્યું, જોકે, ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. આ કટોકટીનું ચોક્કસ કારણ અસ્પષ્ટ છે. આ પૂર્વે અમેરિકન સૈન્યએ ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન KC-135 વિમાન ગુમાવ્યું હતું.

KC-135 સ્ટ્રેટોટેન્કર એક રિફ્યુઅલિંગ લશ્કરી વિમાન 
 
KC-135 સ્ટ્રેટોટેન્કર એક લશ્કરી વિમાન છે જે ચાર ટર્બોફેન એન્જિનથી સજ્જ છે. આ વિમાનમાં તેની રિફ્યુઅલિંગ સિસ્ટમની ઉપર એક કાર્ગો ડેક છે જે તેને મુસાફરો અને સાધનો બંનેને પરિવહન કરવા સક્ષમ બનાવે છે. તેનો ઉપયોગ અન્ય વિમાનો ઉડાન દરમિયાન રિફ્યુઅલ કરવા માટે થાય છે.  આ વિમાન લાંબા સમયથી અમેરિકન વાયુસેના માટે મહત્વનું છે.