Thu Oct 08 2026

Logo

સોમનાથ મંદિરમાં લાઈટો બંધ, માત્ર દીવડાનો અજવાસ! નિહાળો દાદાનો 'સુવર્ણ અને અમૃત વર્ષા શૃંગાર'

2026-08-31 22:51:19
Author: Devayat Khatana
સોમનાથ મંદિરમાં લાઈટો બંધ, માત્ર દીવડાનો અજવાસ! નિહાળો દાદાનો 'સુવર્ણ અને અમૃત વર્ષા શૃંગાર'

પ્રભાસ પાટણ: આજે સોમવારના ત્રીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શિવભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે દેશ-વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 'સ્વાભિમાન પર્વ'ની ભક્તિભાવ ભરેલી અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણના ત્રીજા સોમવારે વહેલી સવારથી જ મંદિરમાં શ્રધ્ધાળુઓનું માનવ મહેરામણ ઘૂઘવતું હોઈ એમ 70 હજાર કરતાંથી પણ વધારે  શ્રધ્ધાળુઓએ ભગવાન મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

સોમનાથ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, સોમનાથ સ્વાભિમાન પર્વને અનુલક્ષીને સોમનાથ મહાદેવને 'વિશેષ સોમનાથ સુવર્ણ અને અમૃત વર્ષા શૃંગાર' કરવામાં આવ્યો હતો. ભગવાનનો આ વિશેષ શૃંગારે શિવ ભક્તોને ભારે આકર્ષણ જગાવ્યું હતું. સંધ્યાકાળે આરતી સમયે એક અદભુત અને અલૌકિક નજારો જોવા મળ્યો હતો. ગર્ભગૃહની તમામ ઇલેક્ટ્રિક લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને સોમનાથ મહાદેવને માત્ર દીવાના પવિત્ર પ્રકાશથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. દીવડાઓના ઝળહળતા પ્રકાશમાં મહાદેવનું સ્વરૂપ અત્યંત દિવ્ય લાગી રહ્યું હતું, જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.

શ્રાવણ મહિનાના પ્રસંગે સોમનાથ મંદિર ખાતે અનેક પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવ્યા છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ભક્તો દ્વારા અનેકવિધ ધાર્મિક પૂજાઓ કરવામાં આવી છે, જેમાં ધ્વજાપૂજા 75, 65 સોમેશ્વર મહાપૂજા, 572 રૂદ્રાભિષેક, 14  પાઠાત્મક લઘુરુદ્ર તેમજ મંદિરમાં આયોજિત મહામૃત્યુંજય યજ્ઞમાં ભક્તો દ્વારા 44 હજારથી વધુ આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી.

સોમનાથ એ જ પાવન ભૂમિ છે જ્યાં પ્રજાપતિ દક્ષના શાપથી ક્ષય રોગગ્રસ્ત થયેલા ચંદ્રદેવને ભગવાન શિવજીએ કૃપાદ્રષ્ટિથી મુક્તિ આપી હતી અને પોતાના મસ્તક પર ધારણ કરી અમૃતવર્ષા દ્વારા તેમનું તેજ પુનઃ સ્થાપિત કર્યું હતું. શિવજીની આ કૃપાથી ચંદ્રદેવ પ્રતિમાસ કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થઈને પણ શુક્લ પક્ષમાં સોમનાથ મહાદેવની કૃપાથી ફરી પૂર્ણ તેજ પ્રાપ્ત કરે છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદીરના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ પ્રભાસ પાટણ ખાતે 'અમૃત પર્વ'ની ઉજવણી કરવામાં આવી હતી.  સોમનાથ મંદિર પરિસરમાં અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.  "સોમનાથ અમૃતપર્વ-2026" ઉત્સવના પગલે નવનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો હતો.