મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનથી હિન્દી સિનેમાએ એક પ્રતિભાશાળી અને પ્રભાવશાળી કલાકાર ગુમાવ્યા છે. 75 વર્ષની ઉંમરે નાના પાટેકરે દુનિયાને અલવિદા કહ્યા પછી લાખો ચાહકોને અચાનક ઝટકો લાગ્યો છે. નાના પાટેકરના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોની સાથે તેમની સાથે કામ કરનારી અભિનેત્રીઓએ દુખ વ્યક્ત કર્યું છે. નેવુના દાયકામાં મનીષા કોઈરાલા સાથે અફેરને લઈ જોરદાર ચર્ચા ચાલી હતી. એ જ મનીષા કોઈરાલા અત્યારે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને નાના પાટેકર અંગે સંવેદના વ્યક્ત કરી હતી.
મનીષાએ નાના માટે શું લખ્યું?
નાના પાટેકરના નિધન બાદ અભિનેત્રી મનીષા કોઈરાલાએ પણ સોશિયલ મીડિયા પર તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે. મનીષાએ ઇન્સ્ટાગ્રામ પર નાના પાટેકરને ભારતીય સિનેમાના મહાન કલાકાર, શાનદાર વ્યક્તિત્વ અને અભિનય કળાના સાચા દિગ્ગજ ગણાવ્યા હતા. તેમણે નાના પાટેકરના સિનેમામાં યોગદાન અને પોતાના કામ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને યાદ કરી હતી. મનીષાએ લખ્યું કે તેમના અભિનય અને સિનેમામાં આપેલા યોગદાનને હંમેશાં યાદ રાખવામાં આવશે. પોસ્ટના અંતે તેમણે નાના પાટેકરની આત્માની શાંતિ માટે ‘ઓમ શાંતિ’ લખ્યું હતું.
મનીષાની આ શ્રદ્ધાંજલિમાં ખાસ વાત એ રહી કે તેણે નાના પાટેકર સાથે જોડાયેલી જૂની ચર્ચાઓ કે અંગત સંબંધોના અહેવાલોનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. જોકે, 1990ના દાયકામાં બંને કલાકારોના નામને લઈને બોલિવૂડમાં ઘણી ચર્ચાઓ થઈ હતી. બંનેએ સાથે કેટલીક મહત્વપૂર્ણ ફિલ્મોમાં કામ કર્યું હતું અને પડદા પર તેમની કેમેસ્ટ્રીને પણ પસંદ કરવામાં આવી હતી. ખાસ કરીને ઓફ-સ્ક્રીન નિકટતા અંગેની અનેક વાતો તે સમયના મીડિયા અને ફિલ્મી વર્તુળોમાં ચર્ચાનો વિષય બની હતી.
'અગ્નિ સાક્ષી'થી શરૂ થયો સાથ
નાના પાટેકર અને મનીષા કોઈરાલાએ પહેલીવાર પાર્થો ઘોષની ફિલ્મ ‘અગ્નિ સાક્ષી’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં મનીષાએ શિવાંગી, જેકી શ્રોફે સૂરજ અને નાના પાટેકરે વિશ્વનાથનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં નાના એક એવા વ્યક્તિની ભૂમિકામાં હતા, જે પોતાને શિવાંગીનો ગુમ થયેલો પતિ ગણાવે છે. તેમના પાત્રના જુસ્સાદાર અને ભયાનક વર્તનથી ફિલ્મમાં તણાવ ઊભો થતો હતો. આ ફિલ્મ બાદ બંને વચ્ચેના કથિત ઓફ-સ્ક્રીન સંબંધોને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ હતી. ફિલ્મના લેખક રણબીર પુષ્પે બાદમાં જણાવ્યું હતું કે બંને કલાકારો પોતાના દૃશ્યો અંગે ચર્ચા કરતા અને એકબીજાની અભિનય શૈલીને સારી રીતે સમજતા હતા. રણબીર પુષ્પએ કહ્યું હતું કે બંને વચ્ચે સારી દોસ્તી હતી અને સેટ પર પણ મજબૂત બોન્ડિંગ હતું. કામ કરતી વખતે બંને એકબીજાની નજીક હતા, પરંતુ રોમાન્ટિક સંબંધો જેવું કંઈ નહોતું.
'ખામોશી'થી બદલાયા સબંધ
આ જોડી બાદમાં સંજય લીલા ભણસાલીની પહેલી દિગ્દર્શિત ફિલ્મ ‘ખામોશી: ધ મ્યુઝિકલ’માં ફરી જોવા મળી હતી. અહીં બંનેના સંબંધો સંપૂર્ણપણે અલગ હતા. મનીષાએ એન્ની બ્રેગાંઝા અને નાના પાટેકરે તેના પિતા જોસેફ બ્રેગાંઝાની ભૂમિકા ભજવી હતી, જ્યારે સલમાન ખાને રાજનું પાત્ર ભજવ્યું હતું. ગોવામાં રહેતા એક મૂંગા-બહેરા દંપતી અને તેમની પુત્રીની આસપાસ ફિલ્મની વાર્તા રચાઈ હતી. ‘ખામોશી’ મનીષા કોઈરાલાની કારકિર્દીની મહત્વપૂર્ણ ફિલ્મોમાં સામેલ થઈ અને તેમના અભિનયને ખૂબ પ્રશંસા મળી હતી. તેમને આ ફિલ્મ માટે ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ પણ મળ્યો હતો.
બંનેના સબંધો ચર્ચાનું કેન્દ્ર બન્યા
1990ના દાયકામાં નાના અને મનીષાના કથિત સંબંધને લઈને અનેક અહેવાલો સામે આવ્યા હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવતો હતો કે ‘અગ્નિ સાક્ષી’માં સાથે કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા હતા. નાના પાટેકર તે સમયે પરિણીત હતા અને તેમની પત્ની નીલકાંતિ પાટેકર સાથે લાંબા સમયથી અલગ રહેતા હોવાની ચર્ચા હતી, જોકે બંને કાયદેસર રીતે છૂટાછેડા લીધેલા નહોતા.
નાના પાટેકરે મનીષાને લઈને કરી હતી આ વાત
વર્ષો બાદ નાના પાટેકરે એક જૂના ઈન્ટરવ્યૂમાં મનીષાને અત્યંત સંવેદનશીલ અભિનેત્રી ગણાવી હતી અને બંને અલગ થયા બાદ તેમને મનીષાનો અભાવ વર્તાતો હોવાનું પણ કહ્યું હતું. સમય સાથે બંનેની કારકિર્દી અલગ દિશામાં આગળ વધી. મનીષાએ ‘દિલ સે..’, ‘કંપની’ અને ‘એસ્કેપ ફ્રોમ તાલિબાન’ જેવી ફિલ્મોમાં પોતાની અલગ ઓળખ બનાવી, જ્યારે નાના પાટેકર હિન્દી ફિલ્મો ઉપરાંત મરાઠી સિનેમા અને થિયેટરમાં પણ સક્રિય રહ્યા હતા.