Mon May 11 2026

Logo

શુભમન ગિલે ગુજરાતને જિતાડ્યા પછી ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, `ખમ્મા ઘણી'

2026-05-10 17:16:50
Author: Ajay Motiwala
Article Image

જયપુરઃ 2022ના ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સે શનિવારે અહીં યજમાન રાજસ્થાન રૉયલ્સ (RR)ની ટીમ પર જડબેસલાક વર્ચસ્વ જમાવીને એને 77 રનથી હરાવ્યું ત્યાર બાદ ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે (Gill) ડ્રેસિંગ-રૂમમાં ઉજવણી કર્યા પછી સોશ્યલ મીડિયામાં પણ સેલિબ્રેશન કર્યું હતું જેમાં તેણે રાજસ્થાની શબ્દો `ખમ્મા ઘણી' (KHAMMA GHANI) લખીને ક્રિકેટપ્રેમીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

શુભમન ગિલે એ મૅચમાં 44 બૉલમાં 84 રન કર્યા હતા. જોકે પછીથી ગુજરાતના જ સ્પિનર રાશીદ ખાને 33 રનમાં ચાર વિકેટ લીધી હતી અને રાજસ્થાનને 230 રનના લક્ષ્યાંકથી ખૂબ દૂર રાખ્યું હતું અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. ગુજરાતના વિજય બાદ થોડી જ વાર પછી શુભમન ગિલ અને રાશીદ ખાનવાળો ફોટો મીડિયામાં વાઇરલ થયો હતો. એમાં ગિલ અને રાશીદ `ફિંગર્સ ઇન ઇયર્સ' સેલિબે્રશનમાં જોવા મળ્યા હતા.

જયપુર `પિન્ક સિટી' તરીકે જાણીતું છે અને એમાં ડાર્ક બ્લૂ રંગના ડ્રેસમાં સજ્જ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ વિજય મેળવ્યો હતો. શુભમન ગિલે પોસ્ટમાં લખ્યું હતું, `પિન્ક સિટી, બ્લૂ રિઝલ્ટ. ખમ્મા ઘણી.' આવું લખ્યા બાદ ગિલે `માફ કરજો' એવા અર્થવાળું ઇમોજી જોડ્યું હતું. શુભમન ગિલે આ વખતે ચોથી વખત હાફ સેન્ચુરી ફટકારી છે. ગુજરાતની ટીમ આ જીત બાદ પૉઇન્ટ્સમાં બીજા નંબર પર આવી ગઈ હતી.

રાજસ્થાનમાં `ખમ્મા ઘણી'નો `ભૂલ થઈ' એવો મૂળ અર્થ થાય. એ રીતે આ પોસ્ટમાં શુભમન ગિલ તેમ જ મૅન ઑફ ધ મૅચ રાશીદ ખાને રાજસ્થાન રૉયલ્સના ખેલાડીઓને હરાવ્યા પછી હળવી મજાક કરતા `અમારાથી ભૂલ થઈ' એવા અર્થમાં `ખમ્મા ઘણી' કહ્યું હશે. જોકે આ ટૂંકી કહેવતનો બીજી રીતે `સ્વાગત' અને `શુભેચ્છા' પણ અર્થ થાય છે.