'મન મળી ગયું એની મેળે મેળામાં', હૈયે હૈયુ દળાય એવી ભીડ
રાજકોટઃ સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટના લોકમેળા 'વિરાસતથી વિકાસ' ને ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે. 2 સપ્ટેમ્બરથી શરૂ થયેલો મેળો હવે તેના અંતિમ તબક્કામાં છે. ત્રીજા દિવસે માત્ર સૌરાષ્ટ્રમાંથી જ નહીં ગુજરાતભરમાંથી લોકો મેળાની મોજ માણવા માટે આવ્યા હતા. સમગ્ર રેસકોર્સમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી. રાઈડ્સને મંજૂરી મળી જતા મોડી રાત સુધી રાઈડ્સ ફૂલ થઈ ગઈ હતી. આઠમના દિવસ સુધીમાં આશરે 4,22,584 લોકોએ મેળાની મોજ માણી હોવાનું એક રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7.40 લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી છે. આ વખતે પાંચ દિવસીય મેળામાં આશરે 12 લાખ જેટલા લોકો આવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ વખતે 'વિરાસતથી વિકાસ' થીમ હેઠળ યોજાયેલા મેળામાં પરંપરા સાથે આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ જોવા મળ્યો. ખાસ કરીને AI આધારિત ક્રાઉડ કાઉન્ટિંગ અને ડ્રોન સર્વેલન્સ દ્વારા ભીડ પર નજર રાખવામાં આવી રહી છે.
સાંજ પડતા જ રોશનીથી જગમગ જગમગ રેસકોર્સ
એકથી એક ચડિયાતી રાઈડ્સે લોકોને મજા કરાવી દીધી હતી. સાંજ થતાની સાથે જ રોશનીથી જગમગ જગમગ થતું રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ અને રાઈડ્સની મોજ માણવા માટે ઉમટેલું માનવ મહેરામણ જોરદાર લાગી રહ્યું છે. આઠમના દિવસે સાંજે અકલ્પનીય ભીડ જોવા મળી હતી. માત્ર રાઈડ્સ જ નહીં, ખાણી-પીણીના સ્ટોલ ઉપર પણ એટલી જ ભીડ જોવા મળી હતી. સાતમના દિવસે બપોર પછીના સમયમાં યાંત્રિક રાઈડ્સની મંજૂરી આપી દેવાતા લોકોની ભીડ ઉમટી હતી.

ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અને રાજકોટ શહેરમાંથી લોકો મેળાનો આનંદ લેવા માટે આવ્યા હતા. સાંજ પડતાની સાથે જ યાંત્રિક રાઈડ્સને ડેકોરેટ કરવામાં આવી હતી. રંગબેરંગી લાઈટ્સથી મેળો દીપી ઊઠ્યો હતો. લોકોની ગણતરી અને ભીડ નિયંત્રણ માટે AI ટેક્નોલોજીનો કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજીની મદદથી આંકડા સામે આવી રહ્યા છે જે માટે તંત્ર પણ જે તે મોટી સંખ્યાને અનુરૂપ સુરક્ષા વ્યવસ્થામાં કેટલાક જરૂરી ફેરાફાર કરે છે. AI મદદથી ક્રાઉડ કાઉન્ટ અને મેનેજમેન્ટ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
સવારથી સાંજ સુધી મેળામાં આનંદ
આ વખતે પહેલીવાર નેવી બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતની સૂરમધુર રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે દરેક દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા લોકમનોરંજન કરવામાં આવ્યું છે. આઠમના દિવસે સવારથી જ મોટી સંખ્યામાં લોકો રેસકોર્સ બાજુ આવતા દેખાયા હતા. મોટાભાગની રાઈડ્સ 10 વાગતા જ શરૂ થઈ ગઈ હતી. જ્યારે સ્ટોલ પણ ખોલી દેવામાં આવ્યા હતા. રાત્રીના 12 વાગ્યા સુધી ડ્રોન દ્વારા સતત એક પ્રકારની વૉચ રાખવામાં આવી હતી.

આ કારણે ક્રાઉન્ડ મેનેજ કરવું સરળ અને શક્ય બની રહ્યું હતું. એન્ટ્રી ગેઈટથી લઈને બસસ્ટોપ સુધી અને રેલવે સ્ટેશનથી લઈને રેસકોર્સ મેદાન સુધી ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે મર્યાદિત હાજરી બાદ આઠમ અને નોમના દિવસે મેળામાં મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે ઉમટી પડ્યા હતા. મુલાકાત માટે આવેલા લોકોએ જણાવ્યું હતું કે, આ વખતે મેળામાં ભલે રાઈડ્સની મંજૂરી મોડી મળી પણ જમાવટ છે. સવારથી સાંજ સુધી અમે આનંદ કરીએ છીએ. નવી નવી રાઈડ્સ આવતા બાળકોને જલસો થઈ ગયો છે. વર્ષોથી મેળામાં કંઈક તો નવું હોય છે, આ વખતે નેવી બેન્ડ અને ટોરા-ટોરામાં લોકોને મોજ પડી ગઈ છે.

સુરક્ષા વ્યવસ્થા
મેળામાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા વૉચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને વીજળીનો પુરવઠો ખોરવાય નહીં એ માટે વીજળી વિભાગની ટીમને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. મેળાની જનમેદની પર વૉચ રાખવા માટે એઆઈ ડ્રોન કેમેરા દ્વારા વૉચ રાખવામાં આવી હતી. આ વખતે કોઈ કારણોસર મોતનો કુવો યોજાયો ન હતો. અનેક એવા લોકો ખાસ આ ખેલ જોવા માટે આવતા હોય છે પણ આ વખતે ઘણાય લોકોએ કહ્યું કે, રાજકોટના લોકમેળામાં મોતનો કુવો ન હતો. કુવામાં લોકો બુલેટ ફેરવે અને જે ખેલ કરે એ જાવાની અલગ મજા હોય છે. આ વસ્તુ લોકોએ મિસ કરી હતી. રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને જન્માષ્ટમીના ઉત્સવ સાથે જોડાયેલો મહત્વનો મેળો છે. સમય જતાં આ મેળો માત્ર ધાર્મિક પ્રસંગ પૂરતો સીમિત ન રહેતા લોકસંસ્કૃતિ, મનોરંજન, પરંપરાગત હસ્તકલા, ખાણી-પીણી અને વિવિધ રાઈડ્સનું મોટું આકર્ષણ બન્યો છે.