Thu Apr 23 2026

Logo

રાજસ્થાન જીતીને બીજા ક્રમે, લખનઊ છેલ્લેથી બીજા સ્થાને

2026-04-22 23:30:25
Author: Ajay Motiwala
Article Image

PTI


લખનઊઃ અહીં બુધવારે રાજસ્થાન (20 ઓવરમાં 6/159)ની ટીમ લખનઉ (18 ઓવરમાં 10/119)ને 40 રનથી હરાવીને પૉઇન્ટ્સમાં બીજા નંબર પર આવી ગઈ હતી. લખનઊની ટીમ છેલ્લેથી બીજા નંબરે (નવમા ક્રમે) યથાવત છે. લખનઊની ટીમને 160 રનનો લક્ષ્યાંક પણ મુશ્કેલ લાગ્યો. એક સીઝન રમવાના 3.40 કરોડ રૂપિયા મેળવતા લખનઊના ઓપનર મિચલ માર્શ (41 બૉલમાં પંચાવન રન)એ છેક સાતમી મૅચમાં પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી. લખનઊ (LUKHNOW)ના બીજા બધા લખપતિ ને કરોડપતિ બૅટ્સમેન સદંતર નિષ્ફળ રહ્યા હતા. રાજસ્થાનના જોફ્રા આર્ચરે ત્રણ, બર્ગર-બ્રિજેશે બે-બે અને જાડેજા-બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી.

એ પહેલાં, રાજસ્થાને (Rajasthan) બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત કરી હતી. 12 ઓવરમાં આ ટીમે માત્ર 83 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી. સૌથી લોકપ્રિય વૈભવ સૂર્યવંશી માત્ર આઠ રન કરીને આઉટ થઈ ગયો હતો. યશસ્વી અને હેટમાયરે માત્ર 22-22 રન કર્યા હતા. રિયાન પરાગે 20 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. રવીન્દ્ર જાડેજા (43 અણનમ, 29 બૉલ, એક સિક્સર, બે ફોર) ટીમમાં સૌથી વધુ 43 રન બનાવી શક્યો હતો. તેના એ 43 રન ટીમ માટે બહુમૂલ્ય નીવડ્યા.

PTI

શરૂઆતમાં ધીમું રમેલા જાડેજા (Jadeja)એ છેક 20મી ઓવરમાં ફટકાબાજી કરી હતી. ડૉનોવાન ફરેરાનો ટીમમાં માત્ર 20 રનનો ફાળો હતો. રાજસ્થાનની ટીમ છ વિકેટે ફક્ત 159 રન કરી શકી હતી. લખનઊના ત્રણ પેસ બોલર મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને મોહસિન ખાને બે-બે વિકેટ લીધી હતી. શમીને એક તબક્કે હૅટ-ટ્રિક ચાન્સ મળ્યો હતો, પણ તે ફાવ્યો નહોતો.

PTI

લખનઊએ રાજસ્થાનથી પણ વધુ ખરાબ શરૂઆત કરી હતી. માત્ર 11 રનમાં એની ત્રણ વિકેટ પડી હતી અને ત્રણેય બૅટ્સમેન શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠા હતા. બદોની (0) રનઆઉટ થયો હતો, કૅપ્ટન પંત (0)ની વિકેટ બર્ગરે લીધી હતી અને માર્કરમ (0)ને જોફ્રા આર્ચરે પૅવિલિયન ભેગો કર્યો. પંત, માર્કરમ તેમ જ મયંકનો કૅચ ધ્રુવ જુરેલે ઝીલ્યો હતો.