Tue Apr 21 2026

Logo

પંજાબના 254 રનના વિક્રમજનક સ્કોરના બોજ નીચે લખનઊ દબાઈ ગયું અને હાર્યું

2026-04-20 08:26:00
Author: Ajay Motiwala
Article Image

પ્રિયાંશ આર્ય અને કૉનોલી વચ્ચે 80 બૉલમાં 182 રનની ભાગીદારી


ન્યૂ ચંડીગઢઃ પંજાબ કિંગ્સે (20 ઓવરમાં 7/254) અહીં રવિવારે લખનઊ સુપર જાયન્ટ્સ (20 ઓવરમાં 5/200)ને 54 રનથી હરાવીને 11 પૉઇન્ટ સાથે મોખરે સ્થાન વધુ મજબૂત કર્યું હતું. હજી પણ શ્રેયસ ઐયરની ટીમ એકમાત્ર એવી ટીમ છે જે અપરાજિત છે. લખનઊની ટીમ સતત ત્રીજી મૅચ હારતાં આઠમા સ્થાને જતી રહી છે. બેંગ્લૂરુ અને રાજસ્થાન આઠ-આઠ પોઇન્ટ સાથે બીજા-ત્રીજા સ્થાને છે.

પંજાબના કૉનોલીને બે જીવતદાન મળેલા

પંજાબનો ઓપનર અને મૅન ઑફ ધ મૅચ પ્રિયાંશ આર્ય (93 રન, 37 બૉલ, નવ સિક્સર, ચાર ફોર) અને ઑસ્ટ્રેલિયન ખેલાડી કૂપર કૉનોલી (87 રન, 46 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) પંજાબની રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સના બે મુખ્ય સ્ટાર હતા. તેમની વચ્ચે બીજી વિકેટ માટે ફક્ત 80 બૉલમાં 182 રનની વિક્રમી ભાગીદારી થઈ હતી. કોનોની ફક્ત ચાર રન પર હતો ત્યારે તેને બે જીવતદાન મળ્યા હતા જે છેવટે લખનઊને ભારે પડ્યા. મોહસિન ખાનના એક બૉલમાં કોનોલી એલબીડબલ્યૂમાં આઉટ હતો, પરંતુ લખનઊની ટીમે ડીઆરએસમાં રિવ્યૂ ન લેવાની ભૂલ કરી હતી. ત્યાર બાદ ખુદ મોહસિન ખાને પોતાના જ બૉલમાં કૉનોલીનો કૅચ છોડ્યો હતો.

લખનઊને 255 રનનો લક્ષ્યાંક ભારે પડ્યો

પંજાબે આ વખતના વિક્રમજનક 254 રનના સ્કોર સાથે લખનઊને 255 રનનો જ તોતિંગ લક્ષ્યાંક આપ્યો એના બોજ તળે રિષભ પંતની ટીમ દબાઈ ગઈ હતી. 61મા રને પ્રથમ વિકેટ અને 109 રનના સ્કોર પર બીજી વિકેટ પડ્યા બાદ આ ટીમે બે-ત્રણ ઓવરના અંતરમાં પછીની વિકેટો ગુમાવી હતી. મુકુલ ચૌધરી (21 અણનમ, 17 બૉલ, એક સિક્સર, એક ફોર) અણનમ રહ્યો હતો. પંજાબના માર્કો યેનસેને બે વિકેટ તેમ જ અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાક તથા યુઝવેન્દ્ર ચહેલે એક-એક વિકેટ મેળવી હતી.

માર્કરમ ઓપનિંગને બદલે મિડલમાં

ખુદ પંત 43 રનથી આગળ નહોતો વધી શક્યો અને અર્શદીપ સિંહના બૉલમાં વિકેટકીપર પ્રભસિમરન સિંહનો શિકાર થયો હતો. ઓપનર મિચલ માર્શનું પણ ફક્ત 40 રનનું યોગદાન હતું, જ્યારે સાથી ઓપનર આયુષ બદોનીનો માત્ર 35 રનનો ફાળો હતો. ટૂંકમાં, લખનઊનો એક પણ બૅટ્સમૅન લાંબી ઇનિંગ્સ રમવામાં સફળ નહોતો થયો. એઇડન માર્કરમ (42 રન, બાવીસ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ને ઓપનિંગને બદલે મિડલ-ઑર્ડરમાં મોકલવામાં આવ્યો હતો અને પ્રમાણમાં તે સારું રમ્યો હતો.

પંજાબની ઇનિંગ્સમાં 21 સિક્સરનો વરસાદ

એ પહેલાં, પૉઇન્ટ્સ ટેબલની મોખરાની ટીમ પંજાબે લખનઊ સામે પ્રથમ બૅટિંગનું આમંત્રણ મળ્યા બાદ લાભ ઉઠાવ્યો હતો અને આ વખતની સીઝનના સર્વોચ્ચ ટીમ-સ્કોર સાથે દમદાર પર્ફોર્મ કર્યું. પંજાબે 20 ઓવરમાં સાત વિકેટે 254 રન કર્યા. એ સાથે, બેંગ્લૂરુનો (ચેન્નઈ સામે 3/250)નો વિક્રમ તૂટી ગયો હતો. લખનઊ માટે 255 રનનો તોતિંગ લક્ષ્યાંક મેળવવો ખૂબ મુશ્કેલ છે. ઓપનર પ્રિયાંશ આર્ય (93 રન) અને કૂપર કૉનોલી (87 રન) વચ્ચે બીજી વિકેટ માટે ફક્ત 80 બૉલમાં 182 રનની જે વિક્રમી ભાગીદારી થઈ એ મૅચ-વિનિંગ સાબિત થઈ હતી. સ્ટોઇનિસ (29 રન) અને શશાંક સિંહ (17 રન) વચ્ચે 17 બૉલમાં 44 રનની પાર્ટનરશિપ થઈ હતી. આખી ઇનિંગ્સમાં કુલ 21 છગ્ગા ફટકાવામાં આવ્યા હતા.


આજે કઈ મૅચ?

મુંબઈ વિરુદ્ધ ગુજરાત
અમદાવાદ, સાંજે 7.30